શ્રાવણના સુદ પક્ષની તૃતીયા તિથિને હરિયાળી ત્રીજ કહેવામાં આવે છે. આ પર્વ 11 ઓગસ્ટ, બુધવાર એટલે આજે છે. આ દિવસે પરિણીતાઓ અને કુંવારી યુવતીઓ માટે ખાસ હોય છે. કેમ કે આ દિવસે પરિણીતા મહિલાઓ લગ્નસુખ અને પતિની લાંબી ઉંમરની કામના સાથે પાણી પીધા વિના વ્રત રાખે છે અને સોળ શ્રૃંગાર કરીને ભગવાન શિવ-પાર્વતીની પૂજા કરે છે. ત્યાં જ, યુવતીઓ સારા પતિની ઇચ્છામાં આ વ્રત અને પૂજા કરે છે.
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે હરિયાળી ત્રીજના દિવસે બુધવારનો સંયોગ હોવાથી આ દિવસનું મહત્ત્વ વધી ગયું છે. બુધ ગ્રહનો રંગ લીલો હોય છે અને તેનો પ્રભાવ હરિયાળી, ઘાસ અને ઝાડ-છોડ ઉપર વધારે હોય છે. એટલે આ દિવસે તુલસી અને અન્ય પૂજનીય ઝાડ-છોડ વાવવાથી મહાદાન જેટલું ફળ મળે છે. હરિયાળી ત્રીજના દિવસે ભગવાન શિવને બીલીપાન ચઢાવવા અને બીલીપાનના વૃક્ષની પૂજાની પણ પરંપરા છે. આવું કરવાથી શિવજી અને લક્ષ્મીજીની કૃપા વધી જાય છે.
હરિયાળી ત્રીજ સાથે જોડાયેલી આસ્થાઃ-
સૌંદર્ય અને પ્રેમનો આ પર્વ ભગવાન શિવ-પાર્વતીના મિલન તરીકે ઊજવવામાં આવે છે. ચારેય બાજુ હરિયાળી હોવાના કારણે તેને હરિયાળી તીજ કહેવામાં આવે છે. આ અવસરે મહિલાઓ હીચકા ખાય છે, ગીત ગાય છે અને આનંદ માણે છે. એવું કહેવાય છે કે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજાથી સંકટ દૂર થાય છે અને પરિણીત મહિલાઓને પતિની લાંબી ઉંમરના આશીર્વાદ પણ મળે છે.
પરંપરાઃ આ દિવસે શું કરવુંઃ-
શ્રાવણ મહિનાના સુદ પક્ષની તૃતીયા તિથિ એટલે ત્રીજના દિવસે ભગવાન શિવ-પાર્વતીની પૂજા કરવી જોઈએ. વ્રત કે ઉપવાસ કરવામાં આવે છે. જેમાં દિવસભર ફળનું સેવન કરવામાં આવે છે. આ દિવસે દૂધ અને તેનાથી બનેલી વસ્તુઓ પણ ખાવામાં આવતી નથી. આ દિવસે પરિણીત મહિલાઓએ સોળ શ્રૃંગાર કરવો જોઈએ. પરિણીતાઓ સાથે જ કુંવારી કન્યાઓ મહેંદી લગાવે છે. આ દિવસે તુલસી અને અન્ય ઔષધીય અને પવિત્ર ઝાડ-છોડ પણ વાવવા જોઈએ.
પિયરથી ફળ-મીઠાઈ આવે છેઃ-
આ દિવસે મહિલાઓ દિવસભર ઉપવાસ રાખે છે અને પતિ સહિત દરેક ઘર માટે સુખ, સમૃદ્ધિની કામના કરે છે. મહિલા સાસરે હોય તો પિયરથી તેમના માટે કપડા, ઘરેણાં, શ્રૃંગારનો સામાન, મહેંદી, મીઠાઈ અને ફળ વગેરે મોકલવામાં આવે છે.
પતિની લાંબી ઉંમર માટે પાણી પીધા વિના વ્રતઃ-
હરિયાળી ત્રીજનો નિયમ છે કે ગુસ્સાને મનમાં આવવા દેશો નહીં. આ દિવસે પરિણીત મહિલાઓએ પિયરથી આવેલા વસ્ત્ર ધારણ કરવા જોઈએ, સાથે જ શ્રૃંગારમાં પણ ત્યાંથી જ આવેલી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. માન્યતા છે કે જે કુંવારી કન્યાઓ આ વ્રત રાખે છે તેમના લગ્નમાં આવતા વિઘ્નો દૂર થાય છે. આ દિવસે પતિ કે થનાર પતિના લાંબા આયુષ્ય માટે નિર્જળા વ્રત રાખવામાં આવે છે. વ્રત દરમિયાન સોળ શ્રૃંગાર કરીને ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરો. હાથમાં નવી બંગડીઓ, મહેંદી અને પગમાં અલતો લગાવવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.