અનંત ઊર્જા:સમય પ્રબંધનની શક્તિ, કાર્યોના પ્રબંધનથી જીવન બદલો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જીવનમાં પ્રાથમિકતા નક્કી કરવી જરૂરી છે. આપણને ખબર હોવી જોઈએ કે કયા કાર્ય આપણા માટે જરૂરી છે અને કયા નહીં.
  • આપણાં કાર્યો પૂરા ન થતાં નકારાત્મક વાતાવરણ બને છે. પોતાની ટેવો બદલવા, કાર્યોની પ્રાથમિકતા નક્કી કરવા અને સમય ન વેડફવાથી સફળતા મળવી નિશ્ચિત છે.

અમેરિકામાં 1936માં ચાર્લ્સ શ્વેબ નામના મહાનુભાવ થઈ ગયા. તેઓ અમેરિકાની સૌથી મોટી સ્ટીલ કંપનીના પ્રેસિડેન્ટ હતા. તેમણે સમયનો સારામાં સારો ઉપયોગ કેવી રીતે કરવો તેના માટે 25000 ડૉલર ફી આપી ટાઈમ-મેનેજમેન્ટના નિષ્ણાતને બોલાવ્યા અને તેમની સલાહ લીધી. કઈ હતી એ 25000 ડૉલરની સલાહ? બે મુદ્દા હતા (1) તમારા દિવસની શરૂઆત ‘ટુ ડુ લીસ્ટ’ એટલે કે આજે કયા કાર્યો કરવાના છે તેનાથી કરો. (2) કાર્યોને મહત્તા મુજબ અગ્રતાક્રમ આપો.

ઉપરનો પ્રશ્ન ઉઠાવીને સ્ટીફન કૉવિએ ‘સેવન હેબિટ્સ ઑફ હાઈલી ઇફેક્ટિવ પીપલ’ નામના પુસ્તકમાં એક સુંદર દૃષ્ટાંત આપ્યુ છે. એક પ્રોફેસરે જીવનની ફિલસૂફી સમજાવવા વિદ્યાર્થીઓ સમક્ષ એક ખાલી બરણી મૂકી. સાથે ટેબલ પર અન્ય ચાર વસ્તુઓ હતી. ગોલ્ફના દડા, લખોટીઓ, રેતી અને પાણી. તેમણે સૌ પ્રથમ બરણીમાં ગોલ્ફના દડા ભર્યા. દડાથી બરણી ભરાઈ ગઈ. પછી તેમાં લખોટીઓ નાખી બરણી હલાવી. દડા વચ્ચેની ખાલી જગ્યામાં લખોટીઓ ગોઠવાઈ ગઈ. પછી રેતી નાખી. બરણી હલાવી, રેતીના કણો નાની નાની જગ્યામાં ગોઠવાઈ ગયા. છેવટે પાણીની બોટલ ઊઠાવી બરણીમાં ઠાલવી, રેતીના કણો વચ્ચે જે સૂક્ષ્મ અવકાશ હતો તે બધો પાણીથી ભરાઈ ગયો. હવે બરણીમાં વસ્તુઓ ભરવાનો ક્રમ જો જુદો હોત, જો બરણીને પહેલાં રેતીથી ભરી દીધી હોત તો દડા કે લખોટી માટે જગ્યા જ ન રહેત. આમ કહી પ્રોફેસરે કાર્યોને અગ્રતાક્રમ આપવાનો સિદ્ધાંત કહ્યો, ‘આ બરણી આપણી જિંદગી છે, ગોલ્ફના દડા તે આપણાં સૌથી મહત્ત્વના કાર્યો છે જેમ કે તમારું કુટુંબ, સ્વાસ્થ્ય, વ્યવસાય વગેરે. આ કાર્યો પહેલાં કરવા. લખોટીઓ એ બીજી, ઓછી મહત્ત્વની બાબતો છે જેમ કે હરવું-ફરવું, શોખ પૂરા કરવા, મનોરંજન વગેરે. તેને બીજી અગ્રિમતા આપવી. રેતી એ આપણા જીવનની અન્ય ચીલાચાલુ બાબતો દર્શાવે છે. સાધારણ રીતે આપણે આપણા જીવનને રેતી જેવી ચીલાચાલુ બાબાતોથી જ ભરી દઈએ છીએ, જેથી સૌથી મહત્ત્વની બાબતો માટે સમય જ નથી રહેતો.’

માટે જ જીવનમાં અગ્રિમતા નક્કી કરવી જરૂરી છે. જેથી આપણને ખ્યાલ આવે કે મારા જીવનમાં ક્યાં કાર્યો ગોલ્ફના દડાની જગ્યાએ છે, કયા કાર્યો લખોટીના સ્થાને છે અને કયા રેતી સમાન છે. પછી ધારો કે આપણે જીવનરૂપી બરણીમાં ગોલ્ફના દડા જ ભરીએ અને બીજું કશું ન પણ કરીએ તો પણ જીવન ભર્યું ભર્યું લાગશે. બીજુ બધું ઓછાવતા પ્રમાણમાં થશે તો પણ છેવટે અફસોસ નહીં રહે. આપણે આપણા કાર્યોને ચાર વિભાગમાં વહેંચી શકીએ. (1) અર્જન્ટ અને ઇમ્પોર્ટન્ટ (2) અર્જન્ટ નહીં પણ ઇમ્પોર્ટન્ટ (3)અર્જન્ટ પણ ઇમ્પોર્ટન્ટ નહીં (4)અર્જન્ટ નહીં અને ઇમ્પોર્ટન્ટ પણ નહીં.

આપણા જીવનના બધા કાર્યો આ ચાર ચોકઠામાં ગોઠવાઈ જાય છે. તેમાં મોટે ભાગે આપણું જીવન પ્રથમ અને ચતુર્થ વિભાગમાં જ સમાપ્ત થઈ જાય છે. રોજિંદા કાર્યોની કટોકટીઓથી થાકી વ્યક્તિ મનોરંજન દ્વારા રાહતનો શ્વાસ ખેંચે છે અને વળી પાછો કટોકટીની આગમાં કૂદી પડે છે. કેટલાકનું જીવન પ્રથમ અને તૃતીય વિભાગમાં વ્યતીત થાય છે. તેને બધા કાર્યો અગત્યના લાગે છે. લોકપ્રિયતાનાનું મહોરું પહેરી રાખવામાં કે બધાને રાજી રાખવાના પ્રયત્નોમાં તે જીવનનો વાસ્તવિક આનંદ લેવાનું ચૂકી જાય છે. પણ જે મહાન માણસો છે તે ચોથા નંબરને છોડી દે છે અને પોતાનો મહત્તમ સમય બીજા નંબરના ચોકઠામાં પસાર કરે છે. અને તે જ ગેમચેન્જર છે. જે કાર્યો અગત્યના છે પણ તાત્કાલિક કરવા પડે તેવા નથી તે બાબતે બહુધા આપણે દુર્લક્ષ સેવીએ છીએ, તેને ઠેલી રાખીએ છીએ. કારણ કે તે તાકીદના નથી. પણ સફળ પુરુષો આ વિભાગમાં અત્યંત સક્રિય હોય છે.

‘ચેન્જ યોર હેબિટ્સ, ચેન્જ યોર લાઈફ’ ના લેખક થોમસ કોર્લીએ જાતમહેનતથી અબજોપતિ બનેલા 233 લોકોનો 5 વર્ષ સુધી અભ્યાસ કર્યો. તેમના જીવનમાં જે આદતો એક સમાન જોવા મળી તે હતી 1. તેઓ વહેલા ઊઠે છે 2. તેઓ ખૂબ વાંચન કરે છે 3. તેઓ કસરતને પ્રાથમિકતા આપે છે 4. સમય બરબાદ કરનારી પ્રવૃત્તિઓથી દૂર રહે છે. આ સરવે પરથી સ્પષ્ટ થાય છે કે સફળ વ્યક્તિઓ બીજા વિભાગમાં મહત્તમ સક્રિય છે અને ચોથા વિભાગથી અત્યંત દૂર! પ્રમુખસ્વામી મહારાજના જીવનમાં પણ આ બાબત મેં નજરે નિહાળી છે. તેમનું એક પણ કાર્ય ક્યારેય ઠેલાયું નથી અને વ્યર્થ પ્રવૃત્તિઓમાં એમણે ક્યારેય એક સેકન્ડ પણ બગાડી નથી. તો ચાલો આપણે પણ મહાપુરુષોના માર્ગે ચાલી સફળતના આભને આંબીએ.

- ડૉ. જ્ઞાનવત્સલ સ્વામી