આજે વિનાયક ચોથ:આ વ્રત પાછળ ભગવાન શિવ-પાર્વતીજીની રોચક કથા છે, આ દિવસે ગણેશ પૂજા કરવાથી કામનાઓ પૂર્ણ થાય છે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિનાયક ચોથના દિવસે દિવસમાં બે વાર ગણેશજીની પૂજા કરવામા આવે છે, આ દિવસે વ્રત કરવાથી બધા કામ પૂર્ણ થાય છે.

વૈશાખ મહિનાના સુદ પક્ષની ચોથ તિથિને વિનાયક ગણેશ ચોથ કહેવામાં આવે છે જે આ વખતે 15 મે, શનિવાર એટલે આજે છે. આ દિવસે ગણેશજીને દૂર્વા ઘાસ અર્પણ કરવા ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. વિનાયક ચોથના દિવસે ગણેશજીની પૂજા દિવસમાં બેવાર કરવામાં આવે છે. એકવાર બપોરે અને એકવાર સાંજે. વિનાયક ચોથના દિવસે વ્રત કરવાથી બધા કાર્યો સિદ્ધ થાય છે. મનોરથની મનોકામનાઓ પૂર્ણ થાય છે અને દરેક સુખ-સુવિધાઓ પણ પ્રાપ્ત થાય છે.

વિનાયક ચોથ વ્રતના દિવસે શું કરવુંઃ-
ગણેશ પૂજન કર્યા પછી ભોગ ધરાવો અને પ્રસાદ બધાને વહેંચો. જો તમે આ દિવસે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવો છો અને દાન કરો છો તો ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે. ચોથ વ્રતમાં આખો દિવસ ઉપવાસ રાખો અને સાંજે ભોજન ગ્રહણ કરતા પહેલાં ગણેશ ચોથ વ્રત કથા, ગણેશ ચાલીસા વગેરેનો પાઠ કરો. સાંજે સંકટનાશન ગણેશ સ્ત્રોતનો પાઠ અને શ્રી ગણેશજીની આરતી કરો. ઓમ ગણેશાય નમઃ મંત્રનો જાપ કરી પોતાના વ્રતને પૂર્ણ કરો.

વ્રતની પૌરાણિક કથાઃ-
એકવાર માતા પાર્વતી શિવજી સાથે ચૌપડ રમવા બેઠા હતા અને હાર-જીતના નિર્ણય માટે ઘાસમાંથી એક બાળક બનાવીને તેની પ્રાણ પ્રતિષ્ઠા કરી. તેમણે તે બાળકને નિર્ણય લેવા માટે કહ્યું. તે પછી ત્રણવાર માતા પાર્વતી જીત્યા. પરંતુ તે બાળકે કહ્યું કે મહાદેવ જીત્યા. જેથી પાર્વતીજીને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તે બાળકને કાદવમાં રહેવાનો શ્રાપ આપ્યો. બાળકે માફી માગી ત્યારે માતા પાર્વતીજીએ કહ્યું કે એક વર્ષ પછી નાગ કન્યાઓ અહીં ગણેશ પૂજા માટે આવશે. તેમના કહેવા પ્રમાણે ગણેશ ચોથના વ્રત કરવાથી તમારા કષ્ટ દૂર થશે. પછી બાળકે ગણેશજીની ઉપાસના કરી અને ભગવાન ગણેશ પ્રસન્ન થયાં. ગણેશજીએ તેને પોતાના માતા-પિતા એટલે ભગવાન શિવ-પાર્વતીને જોવા માટે કૈલાશ જવાનું વરદાન આપ્યું. બાળક, કૈલાશ પહોંચી ગયો. ત્યાં માતા પાર્વતીને મનાવવા માટે શિવજીએ પણ 21 દિવસ સુધી ગણેશ વ્રત કર્યું અને પાર્વતીજી માની ગયાં. તે પછી માતા પાર્વતીએ પણ પોતાના પુત્રને મળવા માટે 21 દિવસ સુધી વ્રત કર્યું અને તેમની આ ઇચ્છા પૂર્ણ થઇ ગઈ. માન્યતા છે કે તે બાળક ભગવાન કાર્તિકેય છે.