નવરાત્રિના આઠમા દિવસે એટલે આઠમ તિથિએ માતા દુર્ગાની ખાસ પૂજાનું વિધાન છે. આ વખતે 9 એપ્રિલ, શનિવારના રોજ રહેશે. આ દિવસ દેવી મહાગૌરીનો છે. નવરાત્રિમાં આઠમ અને નોમ ખાસ દિવસ હોય છે. આ દિવસોમાં કન્યા ભોજન અને દેવીને પ્રસન્ન કરવા માટે ખાસ પૂજા અને હવન કરવામાં આવે છે. માર્કંડેય પુરાણમાં આઠમ તિથિના દિવસે દેવી પૂજાનું મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. જેના પ્રમાણે આઠમના દિવસે દેવી પૂજા કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે અને ઘરમાં ક્યારેય દરિદ્રતા આવતી નથી.
કન્યા પૂજા ન કરી શકો તો દોષ લાગશે નહીં
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે કોઈ કારણોસર કન્યા પૂજન ન પણ કરી શકો તો તેનો દોષ લાગશે નહીં. આઠમના દિવસે કન્યા પૂજનનો સંકલ્પ લઇને આવનાર કોઇપણ મહિનામાં સુદ પક્ષની આઠમ તિથિએ કન્યાઓનું પૂજન કરી ભોજન કરાવવામાં આવે તો દેવી પ્રસન્ન થશે. સાથે જ, આ આઠમ તિથિએ કોઇપણ જરૂરિયાતમંદને ભોજન ખવડાવી શકો છો.
આખો દિવસ આઠમ તિથિ રહેશે
આઠમ તિથિ 8 એપ્રિલે રાતે લગભગ 11.10 કલાકે શરૂ થઈ જશે. જે 9 તારીખે આખો દિવસ રહેશે. એટલે શનિવારે કોઈપણ સમયે દેવી દુર્ગાની મહાપૂજા અને કન્યા ભોજ કરાવી શકાય છે. આ દિવસે મહાગૌરી દેવીની પૂજા કરવામાં આવશે. આ તિથિ રાતે 1.30 વાગ્યા સુધી રહેશે. એટલે મધ્ય રાત્રિએ કરવામાં આવતી પૂજા આ સમય પહેલાં જ કરવી શુભ રહેશે.
આઠમ પૂજાનું મહત્ત્વ
આઠમ તિથિએ અનેક પ્રકારના મંત્રો અને વિધિ-વિધાનથી પૂજા કરવી જોઇએ. આ દિવસે માતા દુર્ગા પાસે સુખ, સમૃદ્ધિ, યશ, કીર્તિ, વિજય, આરોગ્યતાની કામના કરવી જોઈએ. માતા દુર્ગાનું પૂજન આઠમ અને નોમના દિવસે કરવાથી કષ્ટ અને દરેક પ્રકારના દુઃખ દૂર થાય છે અને દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થાય છે. આ તિથિ પરમ કલ્યાણકારી, પવિત્ર, સુખ આપનારી અને ધર્મની વૃદ્ધિ કરનાર માનવામાં આવે છે.
કન્યા અને દેવીના શસ્ત્રોની પૂજા
આઠમના દિવસે વિવિધ પ્રકારે માતા શક્તિની પૂજા કરો. આ દિવસે દેવીના શસ્ત્રોની પૂજા કરવી જોઇએ. આ તિથિએ વિવિધ પ્રકારથી પૂજા કરવી જોઇએ અને વિશેષ આહુતિઓ સાથે દેવીની પ્રસન્નતા માટે હવન કરાવવો જોઈએ. સાથે જ, 9 કન્યાઓને દેવી સ્વરૂપ માનીને ભોજન કરાવવું જોઈએ. દુર્ગાષ્ટમીએ માતા દુર્ગાને વિશેષ પ્રસાદ ચઢાવવો જોઈએ. પૂજા પછી રાત્રિ જાગરણ કરીને ભજન, કીર્તન, નૃત્ય ઉત્સવ ઊજવવો જોઇએ.
જ્યોતિષ પ્રમાણે આઠમના દિવસે જયા તિથિ રહેશે
જ્યોતિષમાં આઠમ તિથિને બળવતી અને વ્યાધિ નાશક તિથિ કહેવામાં આવે છે. તેના દેવતા શિવજી છે. તેને જયા તિથિ પણ કહેવામાં આવે છે. નામ પ્રમાણે આ તિથિમાં કરવામાં આવેલાં કાર્યોમાં વિજય પ્રાપ્ત થાય છે. આ તિથિમાં કરેલાં કામ હંમેશાં પૂર્ણ થાય છે. આઠમ તિથિમાં તે કામ કરવા જોઈએ જેમાં વિજય પ્રાપ્ત કરવી હોય. મંગળવારે આઠમ તિથિનું હોવું શુભ માનવામાં આવે છે. ત્યાં જ, શ્રીકૃષ્ણનો જન્મ પણ આઠમ તિથિએ જ થયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.