નાગ પાંચમ:મધરાતે ઉજ્જૈનના મહાકાળ મંદિરમાં સ્થિત નાગચંદ્રેશ્વર મહાદેવના કપાટ ખુલશે, આ મંદિર વર્ષમાં માત્ર એક જ દિવસ માટે ખુલે છે

2 મહિનો પહેલા
  • મહાકાળેશ્વર એકમાત્ર દક્ષિણામુખી જ્યોતિર્લિંગ છે, નાગચંદ્રેશ્વર પ્રતિમામાં શિવ-શક્તિનું સાકાર સ્વરૂપ

હિંદી કેલેન્ડર પ્રમાણે મંગળવાર, 2 ઓગસ્ટના રોજ નાગ પાંચમ છે, જ્યારે ગુજરાતી કેલેન્ડર પ્રમાણે 16 ઓગસ્ટ મંગળવારે નાગપંચમી ઉજવાશે. આ દિવસે ઉજ્જૈનના મહાકાળેશ્વર મંદિરના શિખર ઉપર સ્થિત નાગચંદ્રેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરી શકાશે. આ મંદિર વર્ષમાં માત્ર એક દિવસ ખોલવામાં આવે છે. સોમવાર 1 ઓગસ્ટ એટલે આજે મોડી રાતે ખાસ પૂજા કર્યા બાદ મંદિર ભક્તો માટે ખોલી દેવામાં આવશે. ત્યાર બાદ મંદિર મંગળવાર 2 ઓગસ્ટના રોજ રાતે 12 વાગે બંધ કરી દેવામાં આવશે.

નાગચંદ્રેશ્વર ભગવાનની ત્રિકાલ પૂજા થશે
શ્રી મહાકાળેશ્વર મંદિર સમિતિના વ્યવસ્થાપક ગણેશ કુમાર ધાકડના જણાવ્યા પ્રમાણે નાગપાંચમના દિવસે ભગવાન નાગચંદ્રેશ્વરની ત્રિકાલ પૂજા કરવામાં આવશે. સોમવારે રાતે 12 વાગે કપાટ ખુલ્યા પછી શ્રી પંચાયતી મહા નિર્વાણી અખાડાના મહંત વિનિત ગિરી મહારાજ નાગચંદ્રેશ્વરનું પૂજન કરશે. તે પછી અન્ય ભક્તો દર્શન કરી શકશે.

મહાકાળેશ્વર મંદિરના સૌથી ઉપરના માળમાં આ પ્રતિમા સ્થાપિત છે
મહાકાળેશ્વર મંદિરના સૌથી ઉપરના માળમાં આ પ્રતિમા સ્થાપિત છે

નાગ આસન ઉપર વિરાજિત શિવજી અને પાર્વતીજીની દુર્લભ પ્રતિમા
મંદિરમાં નાગચંદ્રેશ્વરની દુર્લભ પ્રતિમા સ્થાપિત છે. તે 11મી સદીની ઉલ્લેખવામાં આવે છે. આ પ્રતિમામાં ફેણ ફેલાવીને નાગ આસન ઉપર શિવ-પાર્વતી વિરાજિત છે. દુનિયામાં આ એકમાત્ર એવી પ્રતિમા છે, જેમાં શિવજી નાગ શૈય્યા ઉપર વિરાજિત છે. આ મંદિરમાં શિવજી, માતા પાર્વતી, શ્રીગણેશજી સાથે જ સપ્તમુખી નાગ દેવ છે. સાથે જ, બંનેના વાહન નંદી અને સિંહ પણ વિરાજિત છે. શિવજીના ગળા અને હાથમાં નાગ લપેટાયેલાં છે. મહાકાળેશ્વર મંદિરના સૌથી ઉપરના માળમાં આ પ્રતિમા સ્થાપિત છે. નાગચંદ્રેશ્વર મંદિરમાં પ્રવેશ કરતાં જ દીવાલ ઉપર ભગવાન નાગચંદ્રેશ્વરની પ્રતિમા જોવા મળે છે.

નાગપાંચમ પર્વમાં લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરશે
દર વર્ષે નાગપાંચમના દિવસે લાખો ભક્તો મહાકાળેશ્વર મંદિર પહોંચે છે અને મહાકાળ સાથે જ નાગચંદ્રેશ્વર ભગવાનના દર્શન કરે છે. આ વર્ષે પણ લાખો ભક્તો અહીં પહોંચશે.

પ્રાચીન સમયમાં મહાકાળેશ્વર મંદિર ક્ષેત્રને મહાકાળ વનના નામે ઓળખવામાં આવતું હતું.
પ્રાચીન સમયમાં મહાકાળેશ્વર મંદિર ક્ષેત્રને મહાકાળ વનના નામે ઓળખવામાં આવતું હતું.

મહાકાળ મંદિર લગભગ 300 વર્ષ જૂનું છે
ઉજ્જૈનના પંચાંગ નિર્માતા અને શાસ્ત્રોના જાણકાર જ્યોતિષાચાર્ય પં. આનંદ શંકર વ્યાસના જણાવ્યાં પ્રમાણે, મહાકાળેશ્વર જ્યોતિર્લિંગનું પૌરાણિક મહત્ત્વ છે. હજારો વર્ષ જૂના શાસ્ત્રોમાં પણ મહાકાળેશ્વરનો ઉલ્લેખ છે. પરંતુ મહાકાળ મંદિરની વર્તમાનનો ઇતિહાસ 250-300 વર્ષ જૂનો છે. મુઘલોના સમયમાં પ્રાચીન મહાકાળ મંદિર નષ્ટ થઇ ગયું હતું. ત્યાર બાદ મરાઠા રાજાઓએ ઉજ્જૈન ઉપર રાજ કર્યું. રાણોજી સિંધિયાએ પોતાના શાસનકાળમાં મહાકાળ મંદિરનું નિર્માણ ફરીથી કરાવ્યું હતું.

મહાકાળેશ્વર એકમાત્ર દક્ષિણામુખી જ્યોતિર્લિંગ છે
મહાકાળેશ્વર બાર જ્યોતિર્લિંગમાંથી એકમાત્ર દક્ષિણામુખી જ્યોતિર્લિંગ છે. તે બાર જ્યોતિર્લિંગમાં ત્રીજા સ્થાને આવે છે. માન્યતા છે કે, દક્ષિણામુખી હોવાના કારણે મહાકાળના દર્શનથી અસમયે મૃત્યુના ભય અને બધા જ કષ્ટોથી મુક્તિ મળી શકે છે. માત્ર આ જ મંદિરમાં રોજ સવારે ભસ્મ આરતી કરવામાં આવે છે. ભસ્મ આરતી પહેલાં બાબાને હરિઓમ જળ ચઢાવવામાં આવે છે. બાબાના દર્શનથી યમરાજ દ્વારા આપવામાં આવતી યાતનાઓથી પણ મુક્તિ મળી જાય છે. પ્રાચીન સમયમાં મહાકાળેશ્વર મંદિર ક્ષેત્રને મહાકાળ વનના નામે ઓળખવામાં આવતું હતું. સ્કંદ પુરાણના અવંતી ખંડ, શિવમહાપુરાણ, મત્સ્ય પુરાણ વગેરે ગ્રંથોમાં મહાકાળ વનનો ઉલ્લેખ મળી આવે છે. અહીં શિવજી એટલે મહાકાળ જ્યોતિ સ્વરૂપમાં વિરાજમાન છે. એટલે તેને મહાકાળેશ્વર જ્યોતિર્લિંગ કહેવામાં આવે છે.

મહાકાળેશ્વર મંદિરના શિખર ઉપર નાગચંદ્રેશ્વર મહાદેવ સ્થિત છે
મહાકાળેશ્વર મંદિરના શિખર ઉપર નાગચંદ્રેશ્વર મહાદેવ સ્થિત છે

નાગપાંચમે નાગદેવતાની પ્રતિમાની પૂજા કરવામાં આવે છે
નાગપાંચમે જીવિત સાપની પૂજા કરવી અને દૂધ પીવડાવવું જોઇએ નહીં. સાપ માસાહારી જીવ છે, એટલે દૂધ તેમના માટે ઝેર સમાન હોય છે. નાગપાંચમે નાગદેવતાની પ્રતિમા કે તસવીરની પૂજા કરવી જોઇએ.

કઈ રીતે ઉજ્જૈન પહોંચવું?
ઉજ્જૈન મધ્ય પ્રદેશની રાજધાની ભોપાળથી લગભગ 200 કિમી અને ઇન્દોરથી લગભગ 55 કિમી દૂર છે. ઉજ્જૈન શિપ્રા નદીના કિનારે આવેલું છે. કોરોના મહામારીના કારણે આ વર્ષે અહીં કાવડ યાત્રા બંધ રાખવામાં આવી છે. દર્શન માટે દેશભથી ભક્તો અહીં આવી રહ્યા છે. ભક્તોએ મહામારીને લગતા નિયમોનું પાલન કરવાનું રહે છે. ઉજ્જૈનનું નજીકનું એરપોર્ટ ઇન્દોરમાં છે. દેશભરથી ઉજ્જૈન પહોંચવા માટે અનેક રેલગાડી પણ છે. રસ્તાના માર્ગથી પણ ઉજ્જૈન બધા જ મોટા શહેરો સાથે જોડાયેલું છે. ઉજ્જૈનમાં મહાકાળ મંદિરની આસપાસ અને અન્ય ક્ષેત્રોમાં યાત્રીઓના રહેવા અને ખાનપાનની સારી વ્યવસ્થા મળી જાય છે. યાત્રી પોતાની સુવિધા પ્રમાણે હોટલ, લોજ કે ધર્મશાળામાં રોકાઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...