આગામી 28મી માર્ચે ફાગણ વદ-11ના રોજ પાપમોચિની એકાદશી ઉજવવામાં આવશે. જે વિક્રમ સંવત 2078ની દસમી એકાદશી રહેશે. આ એકાદશી પંચક, સિદ્ધિ અને કુમાર યોગના ત્રિપુટી સમન્વયમાં ઉજવવામાં આવશે. આ એકાદશીનો વ્રત કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે. જ્યોતિષી આશિષ રાવલે જણાવ્યું હતું કે, આપણા ધર્મગ્રંથોમાં દરેક એકાદશીનું વિશેષ મહત્વ છે. જ્યોતિષશાસ્ત્રમાં પણ તેનું અનેરૂં મહત્વ છે. સર્વ પાપમાંથી મુક્તિ માટે આ એકાદશીનું વ્રત ઉપવાસ, ફળાહાર સાથે કરવામાં આવે છે. કારણ કે, મનુષ્ય માત્ર ભૂલને પાત્ર, માનવી ડગલે ને પગલે, જાણતા-અજાણતા પાપ કરતો હોય છે. દરેક જાતકોને સવારે ઉઠતા સાથે અને રાત્રે સુતા સુધીમાં માનવી અનેકવિધ પાપ કરતો હોય છે. જે શ્રદ્ધાળુ આ એકાદશીનું વ્રત કરે છે તેને પાપોમાંથી મુક્તિ મળે છે અને સ્વર્ગનું સુખ મળે છે.
આ દિવસે તુલસી તોડવા નહીં, વામકુક્ષી ન કરવી તેમજ ચાવલ ન ખાવા. શક્ય હોય તો ફળાહાર કરીને દિવસ પૂર્ણ કરો અને ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરો. ખાસ કરીને ભગવાન શાલિગ્રામને કે ઠાકોરજીને ફૂલની માળા અર્પણ કરવી જોઇએ. એ સાથે જ કાજુ બદામ નાંખી મિશ્રિત દૂધ અર્પણ કરવું. ભગવાન ભાવના ભૂખ્યા હોય છે. તેમને અર્પણ કરેલું ઠાકોરજી આપણને એનકેન પ્રકારે વધારે આપે છે. આવા દિવસે મકર રાશિ- સ્વામી શનિ, ઉ.ષાઠા નક્ષત્ર સ્વામી ચંદ્ર હોવાથી આવા દિવસે શ્રદ્ધાપૂર્વક વ્રત કરવાનું અનેરૂ છે.
વ્રત કરવાથી હજાર ગાયના દાનનું પુણ્ય
પદ્મ, સ્કંદ અને વિષ્ણુ પુરાણ પ્રમાણે, પાપમોચિની એકાદશી વ્રત કરવાથી દરેક પ્રકારના દોષ અને પાપ નષ્ટ પામે છે. આ એકાદશી વ્રત કરવાથી કષ્ટ પણ દૂર થાય છે. આ વ્રતને કરવાથી અનેક યજ્ઞ કરવા જેટલું પુણ્ય ફળ મળે છે. ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે પાપમોચિની એકાદશીનું વ્રત કરવાથી સહસ્ત્ર એટલે હજાર ગાયના દાન જેટલું ફળ મળે છે. બ્રહ્મહત્યા, સોનાની ચોરી અને નશો કરવા જેવા મહાપાપ પણ આ વ્રતને કરવાથી દૂર થઈ જાય છે.
શિવ અને વિષ્ણુ પૂજાનો સંયોગ
સોમવારે શિવજીની ખાસ પૂજા કરવામાં આવે છે. આ વખતે એકાદશી અને સોમવારનો યોગ હોવાથી આ દિવસે વિષ્ણુજી સાથે શિવજીની પૂજા કરવાથી વ્રતનું પૂર્ણ શુભફળ મળશે. સોમવારે આવતી એકાદશીએ ભગવાન વિષ્ણુ અને શિવ મંદિરમાં તલના તેલથી ભરેલો દીવો પ્રગટાવવાનું વિધાન ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે. ધર્મગ્રંથોના જાણકાર પ્રમાણે આવું કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ દૂર થાય છે. મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે.
વિષ્ણુ પૂજા કેવી રીતે કરશો
એકાદશી તિથિએ સૂર્યોદય પહેલાં તલ મિશ્રિત પાણીથી સ્નાન કર્યા પછી વ્રત અને દાન કરવાનો સંકલ્પ લો. પછી ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરીને પંચામૃત અને શુદ્ધ જળથી વિષ્ણુ ભગવાનની મૂર્તિનો અભિષેક કરો. તે પછી ફૂલ, તુલસી પાન વગેરે સામગ્રી ચઢાવો. પૂજા પછી તલનું નૈવેદ્ય ધરાવીને પ્રસાદ ગ્રહણ કરો. આ પ્રકારની પૂજા કરવાથી અનેક ગણું પુણ્ય ફળ મળે છે અને જાણ્યે-અજાણ્યે થયેલાં દરેક પાપ નષ્ટ પામે છે.
શિવજીનો અભિષેક કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થશે
શિવજીના મંદિરમાં જઈને ૐ નમઃ શિવાય મંત્ર બોલીને શિવલિંગ ઉપર જળ અને દૂધથી અભિષેક કરો. ત્યાર બાદ બીલીપાન અને ફૂલ ચઢાવો. તે પછી કાળા તલ ચઢાવો. તે પછી શિવમૂર્તિ અથવા શિવલિંગની નજીક તલના તેલનો દીવો પ્રગટાવો. શિવ પુરાણ પ્રમાણે આવું કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ અને બીમારીઓ દૂર થવા લાગે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.