ફાગણ મહિનાની અમાસ 31 માર્ચ અને 1 એપ્રિલના રોજ રહેશે. જેમાં ગુરુવારના રોજ પિતૃઓ માટે શ્રાદ્ધ અને શુક્રવારે સ્નાન-દાન કરવામાં આવશે. આ વખતે આ પર્વ બે દિવસ હોવાથી ખૂબ જ ખાસ રહેશે. 1 એપ્રિલના રોજ આખો દિવસ સર્વાર્થસિદ્ધિ અને અમૃતસિદ્ધિ યોગ બનવાથી આ દિવસે કરવામાં આવતા શુભ કાર્યોનું પુણ્ય અનેકગણું વધી જશે. પુરાણોમાં અમાસને પર્વ કહેવામાં આવે છે. ગ્રંથો પ્રમાણે આ દિવસે કરવામાં આવતા શુભ કાર્યોથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ દૂર થઈ જાય છે.
પિતૃઓની પ્રસન્નતા માટે આ કામ કરો
શુભ મુહૂર્ત
ફાગણ અમાસ 31 માર્ચ બપોરે 12.25 કલાકે શરૂ થશે
ફાગણ અમાસ 1 એપ્રિલ બપોરે 11.56 કલાકે પૂર્ણ થશે
તિથિનું મહત્ત્વ
અમાસના દિવસે કોઈ પવિત્ર નદીમાં સ્નાન, પૂજા, જાપ અને તપની ખાસ પરંપરા છે. અમાસના દિવસે ગંગા સ્નાન કરી પૂજા કરવાથી સાઘકની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે, સાથે જ પિતૃઓને નિમિત્ત દાન કરવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે. આ તિથિને પિતૃ દોષથી મુક્તિ મેળવવા માટે શુભ માનવામાં આવે છે. એટલે અમાસના દિવસે શ્રદ્ધાળુઓ પવિત્ર નદી અને સરોવરમાં સ્નાન કરી તલનું તર્પણ પણ કરે છે.
ઘરમાં જ પવિત્ર સ્નાન કરો
આ દિવસે કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવા માટે બહાર જઈ શકો નહીં તો ઘરમાં જ નાહવાના પાણીમાં ગંગાજળ કે અન્ય તીર્થનું જળ મિક્સ કરીને સ્નાન કરવું. સાથે જ તે પાણીમાં તલ મિક્સ કરીને સ્નાન કરવાથી તીર્થ સ્નાનનું ફળ મળે છે. આ પર્વમાં જરૂરિયાતમંદ લોકોને ભોજન અને ગરમ કપડાનું દાન કરવું જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.