તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગણેશજીના ચિત્રનું લાઇફ મેનેજમેન્ટ:ભગવાન ગણપતિનું મોટું માથું જણાવે છે કે વ્યક્તિએ પોતાના વિચાર વિશાળ રાખવા જોઇએ, નાના પગનો સંદેશ છે કે વ્યક્તિએ ધૈર્ય જાળવી રાખવું જોઇએ

12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પૂજાપાઠ સાથે જ ગણેશજીના ફોટામાં રહેલાં સૂત્રોને અપનાવવાથી વ્યક્તિની પરેશાનીઓ દૂર થઇ શકે છે

પ્રથમ પૂજ્ય ગણપતિના સ્વરૂપમાં લાઇફ મેનેજમેન્ટના અનેક સૂત્ર રહેલાં છે. પૂજા-પાઠ કરવાની સાથે જ આ સૂત્રોને સમજવા અને તેમને જીવનમાં અપનાવવાથી વ્યક્તિની અનેક સમસ્યાઓ દૂર થઇ શકે છે. ગણેશજી બુદ્ધિના દેવતા માનવામાં આવે છે. જાણો આ સૂત્ર ક્યા-ક્યા છે...

મોટું માથું- ગણેશજીનું મોટું માથું સંકેત આપે છે કે, વ્યક્તિએ પોતાના વિચારોને વિશાળ રાખવા જોઇએ. વિશાળ વિચારશો તો જ મોટાં કામ કરી શકશો.

મોટા કાન- ગણેશજીના મોટા કાન જણાવે છે કે, વ્યક્તિએ દરેકની વાતો ધ્યાનથી સાંભળવી જોઇએ. દરેકની વાતો સાંભળવી અને તેનો સાર ગ્રહણ કરવો જોઇએ.

નાની આંખ- ગણેશજીની નાની આંખ જણાવે છે કે, વ્યક્તિએ નાની-નાની વાતો ઉપર નજર રાખવી જોઇએ. વ્યક્તિની નજરથી કોઇ ઝીણી વસ્તુ પણ છૂટવી જોઇએ નહીં.

સૂંઢ- ગણપતિજીનું મોટું નાક એટલે સૂંઢ દૂર સુધી સૂંઘવામાં સક્ષમ હોય છે. જે તેમની દૂરદર્શિતાને જણાવે છે. જેનો અર્થ છે કે ભગવાનને દરેક વાતની જાણકારી છે. વ્યક્તિએ તેમની આસપાસ થઇ રહેલી બધી જ વાતોને ઊંડાળપૂર્વક અનુભવ કરવી જોઇએ.

એક તૂટેલો દાંત- ગણેશજીનો એક દાંત આખો છે અને બીજો તૂટેલો છે. તૂટેલો દાંત જણાવે છે કે, વ્યક્તિને કોઇ વસ્તુનો અભાવ હોય તો તેમણે નિરાશ થવું જોઇએ નહીં. અપૂર્ણતાને પણ સ્વીકાર કરો અને તેના વિના પણ પ્રસન્ન રહો.

મોટું પેટ- ભગવાનનું મોટું પેટ જણાવે છે કે વ્યક્તિએ સારી-ખરાબ દરેક પ્રકારની વાતોને પચાવી લેવી જોઇએ.

નાનો પગ- ગણેશજીના નાના પગનો સંદેશ છે કે, વ્યક્તિએ ધૈર્ય જાળવી રાખવું જોઇએ. ઉતાવળમાં કોઇ કામ કરવું જોઇએ નહીં.

લાડવો- નાની-નાની બુંદીઓ મળીને લાડવો બને છે. તે વ્યક્તિને એકતા જાળવી રાખવાનો સંકેત આપે છે.

અંકુશ- ગણેશજીના અંકુશથી શીખવા મળે છે કે, વ્યક્તિએ પોતાની ખરાબ આદતો ઉપર અંકુશ રાખવો જોઇએ. ગુસ્સો, લાલચ, અહંકાર જેવા અવગુણોથી બચવું જોઇએ.

કમળ- ગણેશજીના હાથમાં કમળ જણાવે છે કે, વ્યક્તિએ કમળ જેવું રહેવું જોઇએ. કમળ કાદવમાં ખીલે છે. ખરાબ લોકો વચ્ચે પણ વ્યક્તિએ પોતાના ગુણો છોડવા જોઇએ નહીં.

ગણેશજીની આસપાસ રિદ્ધિ અને સિદ્ધિ રહે છે. જે આ વાતનો સંદેશ આપે છે જે વ્યક્તિ બુદ્ધિનો સદઉપયોગ કરે છે, તે સુખ-સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત કરે છે. વ્યક્તિએ પણ સુખી જીવન માટે ગણેશજીના આ સૂત્રને પોતાના જીવનમાં ઉતારી લેવા જોઇએ.