સૂર્યદેવની પૂજા:પ્રગતિ અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ કરાવશે રવિવારની સૂર્ય પૂજા! જાણો ફળદાયી વિધિ અને ઉપાસનાનું મહત્ત્વ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સમગ્ર સૃષ્ટિને ઊર્જા અને પ્રકાશ પ્રદાન કર્યા છે અને તે છે સૂર્યદેવ. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સૂર્ય ઉચ્ચના સ્થાન પર હોય તો તે વ્યક્તિ પોતાના જીવનમાં યશસ્વી અને તેજસ્વી બને છે. આવું શાસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં સૂર્યને સાક્ષાત દેવ એટલે કે પ્રત્યક્ષ દેવ માનવામાં આવે છે. રાજકીય સેવા જેવા ક્ષેત્રોમાં કે રોજગારી મળવા પાછળ પણ સૂર્યદેવની ભૂમિકા જ જવાબદાર હોય છે.

સૂર્યદેવ એ સમગ્ર જીવસૃષ્ટિની શક્તિ છે. વાસ્તવમાં તો તે જ સૃષ્ટિની આત્મા છે. સૂર્યદેવની કૃપાથી જ જીવ માત્રનું કલ્યાણ થાય છે. કારણ કે સૂર્યદેવથી જ પૃથ્વી પર જીવન શક્ય છે. આજે રવિવાર છે. એટલે કે સૂર્યદેવને પ્રસન્ન કરવાનો વાર. તો ચાલો જાણીએ કે આજે કયા પ્રકારની પૂજા કરવાથી સૂર્યદેવની પ્રસન્નતા મેળવી શકાય.

સૂર્યને માનવ શરીરમાં આત્માનો કારક માનવામાં આવે છે. સૂર્યદેવ નક્ષત્ર અને તારાઓની મધ્યમાં બિરાજમાન થઇને ત્રણેય લોકને પ્રકાશિત કરે છે. પરંતુ જો આપની કુંડળીમાં સૂર્યનું સ્થાન નીચનું બને કે સૂર્ય અશુભ સ્થાન પર બિરાજમાન થઇ જાય તો આપના જીવનમાં અંધકાર છવાઇ જશે. આ દરમ્યાન આપ જો સૂર્યદેવ સંબંધિત કેટલાક ઉપાયો કરશો તો આપને ચોક્કસપણે લાભની પ્રાપ્તિ થશે અને જીવનમાં ખુશીઓનો પ્રકાશ પણ પ્રસરી જશે. તો આજે એવાં જ ઉપાયો વિશે વાત કરવી છે કે જે કરવા માત્રથી આપના જીવનનો અંધકાર દૂર થઇ જશે.

સૂર્યદેવ પૂજાઃ

હિન્દુ ધર્મમાં ભગવાન સૂર્યદેવને ગુરુની ઉપમા આપવામાં આવી છે. શાસ્ત્રોમાં ભગવાન સૂર્યની પૂજાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. સૂર્યને તમામ નવ ગ્રહોમાં રાજા કહેવામાં આવે છે. સૂર્યદેવની ઉપાસના કરવાથી યશ, કીર્તિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. ભગવાન સૂર્યદેવના કારણે આજે પૃથ્વી પર જીવન શક્ય છે.

વેદોમાં પણ સૂર્યને જગતનો આત્મા કહ્યો છે. શાસ્ત્રો અને પુરાણોમાં સૂર્યની ઉપાસના સંબંધિત ઘણા કિસ્સાઓની ચર્ચા થયેલ છે. ચાલો આજે જણાવીએ સૂર્યદેવની પૂજા સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જે જાણીને તમે પણ ચોક્કસ કરશો સૂર્ય દેવની પૂજા.

સૂર્યની ઉપાસનાનું મહત્વ:

સૂર્ય ભગવાનને તેજ અને સકારાત્મક ઉર્જાનાં દેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભગવાન સૂર્યની નિયમિત પૂજા અને જળ અર્પણ કરવાથી યશ, માન-સન્માન અને કીર્તિ મળે છે.

હનુમાનજીએ સૂર્ય ભગવાનની પાસેથી શિક્ષણ લીધું હતું. એટલા માટે સૂર્યની ઉપાસના કરવાથી શક્તિ, બુદ્ધિ અને કુશાગ્રતાનો વિકાસ થાય છે. સૂર્યદેવની પૂજા કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

ધાર્મિક ગ્રંથો અનુસાર, સૂર્યને ગુરુદેવ કહેવામાં આવે છે કારણ કે ભગવાન શિવના 11મા અવતાર હનુમાનજીએ સૂર્યદેવને પોતાના ગુરુ બનાવ્યા હતા.

સૂર્યની ઉપાસના:

શાસ્ત્રો મુજબ,સૂર્ય ભગવાનને ગુરુ કહેવામાં આવ્યા છે. બજરંગબલી હનુમાને સૂર્ય પાસેથી શિક્ષણ મેળવ્યું હતું. પૌરાણિક ગ્રંથો અનુસાર, ભગવાન શ્રી રામે રાવણને છેલ્લા તીરથી મારતા પહેલા સૂર્ય ભગવાનને પ્રસન્ન કરવા માટે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ પણ કર્યો હતો. તેવી જ રીતે, શ્રી કૃષ્ણના પુત્ર સામ્બને રક્તપિત્ત થયો હતો, પછી તેણે સૂર્ય ભગવાનની પૂજા કરી. આનાથી તેનો રક્તપિત્ત સમાપ્ત થયો. ધાર્મિક માન્યતાઓ અનુસાર, સૂર્ય ભગવાનની પૂજા કરવાની પ્રથા વૈદિક કાળથી ચાલી આવે છે.

ફળદાયી રવિવારની પૂજા

  • માન્યતા અનુસાર સૂર્યદેવનું રવિવારનું વ્રત કરવાથી નોકરીમાં ઉચ્ચપદ અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે.
  • રવિવારનું વ્રત કરવાથી આંખ અને ચામડીના રોગમાંથી મુક્તિ મળે છે.
  • સૂર્યદેવની ઉપાસના કરવાથી તેજોમય જીવનનું વરદાન પ્રાપ્ત થાય છે.
  • જે વ્યક્તિને જીવનમાં સૂર્યદેવની કૃપા મળી જાય છે તેના જીવનમાં ખુશીઓ સદૈવને માટે સ્થિર થઈ જાય છે.

શું કરવું ?

  • રવિવારે તાંબાના લોટામાં જળ ભરીને તેમાં ફૂલ ઉમેરીને સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરવું જોઇએ. આ ઉપાય સ્વાસ્થ્ય અને નોકરી-ધંધાને સુધારવામાં મદદરૂપ બને છે.
  • રવિવારના દિવસે તાંબાના વાસણ કે ઘીનું દાન કરવું જોઇએ.
  • આ દિવસે આદિત્યહૃદય સ્તોત્રનું પઠન કરવું પણ લાભદાયી બની રહે છે.
  • રવિવારે નેત્રોપનિષદનો પાઠ કરવાથી આંખોનું તેજ વધે છે.