આજે દિવાળીનો તહેવાર છે. દિવાળીનો દિવસ રામજીના અયોધ્યાથી લંકા સુધીના માર્ગ પર સ્થાપિત મર્યાદાઓને યાદ કરવાનો દિવસ છે. અયોધ્યાથી રામેશ્વરમ સુધી રામ વનગમન પથ છે. જ્યાં-જ્યાંથી રામ વનવાસ દરમિયાન પસાર થયા, ચિત્રકૂટથી રામેશ્વરમ સુધી ભવ્ય અને પૌરાણિક મંદિરોની સંપૂર્ણ શ્રૃંખલા છે. જોકે, રામના વનગમન પથને લઇને ઇતિહાસકારોમાં થોડો ભેદ છે પરંતુ બધાના નકશામાં પ્રયાગરાજ, ચિત્રકૂટ, પંચવટી, કિષ્કિંધા અને રામેશ્વરમ તો આવે જ છે. વિવિધ રિસર્ચ પ્રમાણે શ્રીરામ વનવાસ સમયે લગભગ 200 જગ્યાએ રોકાયા હતા.
આ શ્રીરામ વનગમન પથની ખાસ જગ્યાઓ છે
અયોધ્યાથી પ્રસ્થાન કર્યા બાદ શ્રીરામ, લક્ષ્મણ અને સીતા તમસા નદીના ઘાટ પર પહોંચ્યાં હતાં. અહીં હોડી દ્વારા નદી પાસ કરી અને શ્રૃંગવેરપુર પહોંચ્યાં હતાં. આ જગ્યાએ કેવટનો પ્રસંગ બન્યો હતો. ત્યાર બાદ કુરઈ, પ્રયાગ, ચિત્રકૂટ, સતના, દંડકારણ્ય, પંચવટી પહોંચ્યાં. પંચવટી નાસિક પાસે સ્થિત છે. અહીં લક્ષ્મણે શૂર્પણખાનું નાક કાપ્યું હતું. ત્યાર પછી રાવણે સીતાનું હરણ કર્યું.
સીતાહરણ પછી શ્રીરામ અને લક્ષ્મ સીતાની શોધમાં પર્ણશાલા, તુંદભદ્ર, શબરીનો આશ્રમ, ઋૃષ્યમુક પર્વત પહોંચ્યા હતા. આ પર્વત ક્ષેત્રમાં શ્રીરામ-લક્ષ્મણની મુલાકાત હનુમાનજી સાથે થઇ હતી. હનુમાનજીએ શ્રીરામ અને સુગ્રીવની મિત્રતા કરાવી હતી. શ્રીરામે વાલીનો વધ કર્યો હતો. ત્યાર પછી સીતાની શોધમાં શ્રીરામ વાનરસેના સાથે કોડીકરઈથી રામેશ્વરમ તરફ આગળ વધ્યા હતા. રામેશ્વરમમાં લંકા વિજય માટે શ્રીરામે શિવલિંગની સ્થાપના કરી હતી. ત્યાર પછી ધનુષકોડીમાં લંકા સુધી પહોંચવા માટે દરિયા ઉપર સેતુનું નિર્માણ થયું. રામસેતુથી શ્રીરામ શ્રીલંકા પહોંચ્યા હતા. અહીં રાવણનો વધ કર્યો અને સીતાને છોડાવ્યાં હતાં. ત્યાર પછી પુષ્પક વિમાન દ્વારા શ્રીરામ અયોધ્યા પાછા ફર્યા હતા.
એ 10 પડાવ જ્યાં શ્રીરામનાં ચરણ પડ્યાં...
વનવાસનાં 14 વર્ષમાં શ્રીરામ ક્યાં રહ્યા, કયાં સ્થળોએ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ થઈ... યાત્રા માર્ગના મહત્ત્વના પડાવોને જુઓ અને વાંચો કેવી રીતે યાત્રા આગળ વધી હતી...
અયોધ્યાજી- અયોધ્યાજીમાંથી શ્રીરામે વનવાસની યાત્રાનો પ્રારંભ કર્યો હતો. અયોધ્યાથી 20 કિમી દૂર તમસા નદીના કિનારે તેમણે પ્રથમ રાત પસાર કરી હતી. સાથે આવેલા અયોધ્યાવાસીઓને વનવાસથી બચાવવા માટે તેઓ તેમને અહીં ઊંઘતા મૂકીને જતા રહ્યા હતા.
શ્રૃંગવેરપુર- આ સ્થાન અયોધ્યાથી લગભગ 120 કિમી દૂર છે. વર્તમાનમાં તેને સિંગરોર કહે છે. નિષાદ રાજાની હોડીમાં બેસીને અહીં રામજીએ ગંગા નદી પાર કરી હતી. અહીંથી શ્રી રામે સારથિ સુમંત્રને પાછા અયોધ્યા મોકલી દીધા હતા.
પ્રયાગ- શ્રીગવેરપુરથી 30 કિમી દૂર પ્રયાગમાં ગંગા-જમનાનું સંગમ સ્થાન છે. અહીં શ્રીરામ ભારદ્વાજ આશ્રમમાં રોકાયા હતા. ‘ભારદ્વાજેશવર શિવલિંગ’ની પૂજા-અર્ચના કરી હતી. પ્રયાગરાજથી શ્રીરામે સંગમની નજીક યમુના નદીને પાર કરી હતી.
ચિત્રકૂટ- પ્રયાગથી તેઓ લગભગ 125 કિમી દૂર ચિત્રકૂટ પહોંચ્યા. કામદગિરિ પર્વત ક્ષેત્રમાં ઝૂંપડી બનાવીને રહ્યા. શ્રીરામનો ભરત મિલાપ અહીં થયો હતો. વાલ્મિકી આશ્રમમાં વાલ્મીકિને મળ્યા હતા. અહીં સીતા રસોડું, રામઘાટ, રામશૈયા આજે પણ છે.
પંચવટી- નાસિકમાં ગોદાવરી નદીના કિનારે પંચવટી છે. અહીં સર્વ તીર્થ છે, જ્યાં શ્રીરામે ઝૂંપડી બનાવી હતી અને લાંબા સમય સુધી રહ્યા હતા. અહીં લક્ષ્મણજીએ રાવણની બહેન શૂર્પણખાનું નાક કાપ્યું હતું. અહીંથી સીતાજીનું રાવણે અપહરણ કર્યું હતું.
દંડકારણ્ય- દંડકારણ્ય ક્ષેત્ર ચિત્રકૂટ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્ર સુધી ફેલાયેલું છે. અહીં શ્રીરામે 10 વર્ષ સુધી ભ્રમણ કર્યું હતું. અનેક સંતોનાં દર્શન કર્યાં હતાં.
કિષ્કિંધા- કર્ણાટકના હમ્પી શહેરની આજુબાજુના વિસ્તાર અને તુંગભદ્રા નદીના કિનારે કિષ્કિંધા રાજ્યમાં આવે છે. અહીં શ્રીરામની મુલાકાત હનુમાનજી સાથે થઈ અને અહીં જ તેમણે બાલીનો વધ કર્યો હતો. અહીં વાનરસેના તૈયાર કરાઈ હતી.
રામેશ્વરમ- તમિલનાડુના રામનાથપુરમ જિલ્લામાં નલ અને નીલના નેતૃત્વમાં રામ-સેતુ બનાવાયું હતું. આજે પણ આ રામ-સેતુના અવશેષ સાગરમાં જોવા મળે છે.
લંકા- અહીં રામ-રાવણનું યુદ્ધ થયું હતું અને શ્રીરામે રાવણ વધ કર્યો હતો. વાલ્મિકી રામાયણ અને અન્ય ગ્રંથોના અનુસાર રાવણની લંકા 100 યોજન એટલે કે 1250 કિમી દૂર હતી. જોકે રાવણની લંકા અંગે કેટલાક વિદ્વાનોનો મત અલગ છે.
નંદિગ્રામ- શ્રીરામ લંકાથી પુષ્પક વિમાનમાં અયોધ્યા પાસે નંદિગ્રામ પાછા ફર્યા. ભરતે અહીંથી અયોધ્યાનું રાજ સંભાળ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.