તિથિઓનો વિશેષ સંયોગ:તિથિઓનો વિશેષ સંયોગ નવેમ્બરમાં 2ની જગ્યાએ 3 એકાદશી વ્રત, તિથિઓની વધ-ઘટના કારણે આ સ્થિતિ બની રહી

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ મહિનો એકાદશીથી શરૂ થયો અને આ તિથિએ જ પૂરો થશે, 1, 15, અને 30 તારીખે એકાદશી વ્રત

આ મહિનામાં તિથિઓ વઘ-ઘટ હોવાને કારણે 3 એકાદશી વ્રત રાખવામાં આવશે. અંગ્રેજી કેલેન્ડરના એક મહિનામાં સામાન્ય રીતે માત્ર 2 એકાદશી વ્રત જ આવે છે. પરંતુ આ મહિને ત્રણ વખત એકાદશી આવશે. નવેમ્બરના પહેલા દિવસે રમા એકાદશી આવશે. મહિનાના વચ્ચે દેવ પ્રબોધિની અને છેલ્લે ઉત્પન્ના એકાદશી વ્રત કરવામાં આવશે. જાણકારોના અનુસાર, આવું થવાથી ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા માટે મહિનામાં એક દિવસનો વધારો કરવામાં આવ્યો છે.

આ મહિનામાં કઈ ત્રણ એકાદશી રહેશે
રમા એકાદશી (1 નવેમ્બર)ઃ આ દિવસે લક્ષ્મીજીની સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. ઘણી જગ્યાએ આ દિવસે લક્ષ્મી પૂજાની શરૂઆત થઈ જાય છે. લક્ષ્મીજીના નામ પર જ તેને રમા એકાદશી કહેવામાં આવે છે.

દેવ પ્રબોધિની એકાદશી (15 નવેમ્બર)ઃ આ દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિનાની યોગનિદ્રામાંથી જાગે છે, તેથી તેને દેવ પ્રબોધિની એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે તુલસી અને શાલગ્રામ વિવાહની પરંપરા છે.

ઉત્પન્ના એકાદશી (30 નવેમ્બર)ઃ વિષ્ણુધર્મોત્તર પુરાણના અનુસાર, આ દિવસે એકાદશી તિથિ પ્રગટ થઈ હતી. તેથી તેને ઉત્પન્ન એકાદશી કહેવામાં આવે છે. આ વ્રતથી આખા વર્ષની એકાદશી વ્રતનું પૂર્ણ ફળ મળે છે.

મહિનામાં 2 વખત આવે છે એકાદશી
જ્યોતિષીય ગણતરી મુજબ અગિયારમી તિથિને એકાદશી કહેવામાં આવે છે. આ મહિનામાં બે વખત આવે છે. એક શુક્લપક્ષ બાદ અને બીજી કૃષ્ણ પક્ષ બાદ. પૂર્ણિમા બાદ આવતી એકાદશીને કૃષ્ણપક્ષની એકાદશી અને અમાસ બાદ આવતી એકાદશીને શુક્લપક્ષ એકાદશી કહેવામાં આવે છે. આ રીતે વર્ષમાં 24 એકાદશી તિથિઓને અલગ-અલગ નામ આપવામાં આવ્યા છે. દરેક એકાદશીનું પોતાનું અલગ મહત્ત્વ હોય છે.

યજ્ઞ અને વૈદિક કર્મ-કાંડથી પણ વધારે ફળ આપે છે એકાદશી વ્રત
પુરાણોના અનુસાર, એકાદશીને હરિ વસરા એટલે કે ભગવાન વિષ્ણુનો દિવસ કહેવામાં આવે છે. વિદ્વાનોના જણાવ્યા પ્રમાણે, એકાદશી વ્રત યજ્ઞ અને વૈદિક કર્મ-કાંડ કરતા પણ વધારે ફળ આપે છે. પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે, આ વ્રતને કરવાથી મળતા પુણ્યથી પિતૃઓને તૃપ્તિ મળે છે. સ્કન્દ પુરાણમાં પણ એકાદશી વ્રતનું મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. તેને કરવાથી જાણતા અજાણતાં કરેલાં પાપ પણ દૂર થઈ જાય છે.