આજથી ગુજરાતમાં શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે. આ મહિનામાં શિવ મંદિરોમાં ભક્તોની વિશાળ સંખ્યામાં ભીડ જોવા મળે છે. ગુજરાતમાં આવેલું સોમનાથ મહાદેવ એ 12 જ્યોતિર્લિંગમાંનું સૌપ્રથમ છે. જે વેરાવળ નજીક પ્રભાસ તીર્થમાં આવેલું છે. પ્રજાપિતા દક્ષના શાપમાંથી મુક્તિ મેળવવા સોમે (ચંદ્રે) અહીં સમુદ્રમાં સ્નાન કરીને શિવજીને રીઝવવા તપ કર્યું હતું અને પ્રસન્ન થયેલા શિવજી અહીં જ્યોતિર્લિંગ સ્વરૂપે અવતર્યા. આ જ્યોતિર્લિંગ અંગે માન્યતા છે કે સોમનાથના શિવલિંગની સ્થાપના સ્વયં ચંદ્રદેવે કરી હતી. ચંદ્ર દ્વારા સ્થાપના થવાના કારણે આ શિવલિંગનું નામ સોમનાથ પડ્યું છે.
ચંદ્રને શ્રાપમાંથી મુક્તિ મળી હતીઃ-
પ્રાચીન સમયમાં દક્ષ પ્રજાપતિએ પોતાની 27 કન્યાઓના લગ્ન ચંદ્રદેવ સાથે કરાવ્યાં હતાં. દક્ષની બધી કન્યાઓમાંથી રોહિણી સૌથી સુંદર હતી. ચંદ્રને બધી જ પત્નીઓમાંથી સૌથી વધારે પ્રેમ રોહિણી સાથે જ હતો.
આ વાતથી દક્ષની અન્ય 26 પુત્રીઓ રોહિણી સાથે ઈર્ષ્યાનો ભાવ રાખતી હતી. જ્યારે આ વાત પ્રજાપતિ દક્ષને જાણ થઈ જ્યારે તેમણે ગુસ્સે થઈને ચંદ્રને ધીમે-ધીમે નષ્ટ થવાનો શ્રાપ આપી દીધો. દક્ષના શ્રાપથી ચંદ્રદેવ ધીમે-ધીમે નષ્ટ થવા લાગ્યાં.
આ શ્રાપથી મુક્તિ મેળવવા માટે બ્રહ્માજીએ ચંદ્રને પ્રભાસ ક્ષેત્ર એટલે સોમનાથમાં શિવજીની પ્રસન્નતા માટે તપસ્યા કરવા માટે જણાવ્યું. ચંદ્રદેવે સોમનાથમાં શિવલિંગની સ્થાપના કરીને તેમની તપસ્યા શરૂ કરી દીધી.
ચંદ્રમાના કઠોર તપથી પ્રસન્ન થઈને શિવજી ત્યાં પ્રકટ થયાં અને ચંદ્રને શ્રાપમાંથી મુક્ત કરીને અમરત્વ પ્રદાન કર્યું. આ કારણે ચંદ્રની વદ પક્ષમાં એક-એક કળા પૂર્ણ થતી જાય છે, પરંતુ સુદ પક્ષમાં એક-એક કળા વધવા લાગે છે અને પૂનમના દિવસે ચંદ્ર પૂર્ણ સ્વરૂપ પ્રાપ્ત કરે છે. શ્રાપથી મુક્તિ મેળવ્યા પછી ચંદ્રદેવે ભગવાન શિવને માતા પાર્વતી સાથે અહીં જ રહેવાની પ્રાર્થના કરી. ત્યારથી ભગવાન શિવ પ્રભાસ ક્ષેત્ર એટલે સોમનાથમાં જ્યોતિર્લિંગ સ્વરૂપમાં વાસ કરે છે.
સોમનાથ મંદિરનું સ્વરૂપઃ-
સોમનાથ મંદિરની ભૂમિતલથી શિખર સુધીની ઊંચાઈ 155 ફૂટ છે, તેની ઉપરનો ધ્વજદંડ 37 ફૂટનો છે અને એક ફુટના પરિઘવાળો છે. ધ્વજની લંબાઈ 104 ફુટ છે. મંદિરને શિખર ભાગમાં સાત મજલા છે અને ગર્ભગૃહ તથા તેની ઉપરનો એમ કુલ મળીને છ મજલાનુ આ મંદિર છે. મંદિરના સભાગૃહ તેમજ નૃત્યકમંડપમાં કુલ ત્રણ ત્રણ મજલા છે. તેના પર સવર્ણા એટલે કે ઘુમ્મટનો ઉપરનો ભાગ આવે છે. આ બંને સવર્ણા ઉપર આમલસરા બનાવીને તેના ઉપર કળશ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. ગર્ભગૃહની ઉપરના શિખર પર 10 ટન વજનનો પથ્થરનો કળશ છે. જ્યારે નૃત્ય મંડપ પરનો કળશ 9 મણનો છે. સભામંડપ તથા નૃત્ય મંડપ પ્રત્યેપકના ઘુમ્મટ પર 1001 કળશ કંડારાયા છે. સોમનાથનાં આ સ્થાપનની ભૌગોલિક વિશિષ્ટતા એ છે કે, અહીંથી દરિયામાર્ગે સીધી લીટીમાં જતા દક્ષિણ ધ્રુવ સુધી ક્યાંય કોઈ જમીન નથી.
વાસ્તુ વૈભવઃ-
મંદિર સ્થાપત્ય માટે વાસ્તુવિદ્યામાં દેવ પ્રાસાદ નિર્માણની આઠ શૈલીઓ છે. ભૂમિની, વિમાન, લલીતા, દ્રવિડ, નાગર, વિરાટ, સાવનધારા, અને મિશ્રક, તે પૈકીની નાગર શૈલીમાં આ મંદિરનુ બાંધકામ થયું છે.
શિલ્પ સ્થાપત્ય પ્રમાણે શિવ પ્રાસાદના પાંચ પ્રકારો છે. વૃષભ, ગિરીકુટ, કૈલાસ, અમરલ અને મેરૂ. વર્તમાન સોમનાથ મંદિર કૈલાસ મહામેરૂ પ્રાસાદ તરીકે ઓળખાય છે.
આ પ્રસાદની વિશિષ્ટતા એ છે કે નાગર શૈલીમાં બંધાયેલો આ પ્રાસાદ છેલ્લાં આઠસો વર્ષ પછી બન્યો છે. નવનિર્મિત સોમનાથ મંદિરમાં ગર્ભગૃહ ઉપરાંત સભામંડપ અને નૃત્યમંડપ પણ છે. ભગવાન શિવને નટરાજ એટલે કે નૃત્યના રચયિતા આદ્યપુરૂષ ગણવામાં આવે છે. આથી શિવમંદિરમાં નૃત્યમંડપની રચના ઉચિત ગણાય છે.
આ મંદિરની ખાસિયત એ છે કે કાર્તિકી પૂર્ણિમાની મધ્ય રાત્રિએ આકાશનો ચંદ્ર અને શિવલિંગ બંને એક સીધી લીટીમાં આવી જાય છે. જાણે કે ભગવાન ત્રિપુરારી મસ્તક પર ચંદ્ર ધારણ કરીને સાક્ષાત ધરતી પર ન ઊતર્યા હોય તેમ.
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરનો ઇતિહાસ, દંતકથાઓ ઉપર ઐતિહાસિક દૃષ્ટિપાતઃ-
સને 1947ની 13મી નવેમ્બરે વિક્રમ સવંત મુજબ નૂતન વર્ષનો દિવસ હતો, ભારતની એકતા અને અખંડતાના શિલ્પી અને પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરની આ દિવસે મુલાકાત લીધી, ત્યારે મંદિરના ભગ્નાવશેષો જોઈને તેમનુ હદય દ્રવી ઊઠ્યું હતું. સોમનાથના સાગરતટે જઈને હાથની અંજલિમાં સમુદ્રજળ લઈ તેમણે સોમનાથના પુનઃનિર્માણનો સંકલ્પ કર્યો હતો.
ગુજરાતના પશ્ચિમ કિનારે આવેલ સુંદર અને આકર્ષક સમુદ્રતટે સમયના બદલાતા જતા વહેણ સામે અડીખમ ઉભેલા ભારતના બાર પૈકીના પ્રથમ જયોતિર્લિંગ સોમનાથ પર ભૂતકાળમાં અનેકવાર વિદેશી અને વિધર્મી આક્રમણખોરોએ લૂંટ ચલાવીને તોડફોડ કરી હોવા છતાં આ મંદિર ઐતિહાસિક યુગમાં પણ નિર્માણ પામતું રહ્યું હોવાનાં પ્રમાણો ઈતિહાસમાં અંકાયેલ છે.
ઇ.સ.122માં ભાવ બૃહસ્પતિ એ રચેલી સોમનાથ પ્રશસ્તિમાં જણાવ્યા મુજબ સોમનાથનુ પ્રથમ મંદિર સોમ એટલે કે ચંદ્રે બનાવ્યું. બીજા યુગમાં રાવણે રૂપાનું બનાવ્યું. શ્રી કૃષ્ણએ લાકડાનું અને ભીમદેવે પથ્થરનું બનાવ્યું હતું. સોમનાથ પર થયેલા વિધર્મી આક્રમણો પર એક દૃષ્ટિપાત કરીએ તો ઈ.સ. 1279માં મહમદ ગઝનીએ, 1347માં અલ્લાઉદ્દીન ખિલજીના સરદાર અફઝલખાંએ અને 1390, 1451, 1490, 1511, 1530 અને 1701 માં ઔરંગઝેબ અને અન્ય વિધર્મીઓએ આ મંદિર પર હુમલા કરીને લૂંટ્યું હતું, પરંતુ આવી દરેક પછડાટ પછી પણ તે પુનઃ સ્થાપિત થતું રહ્યું હતું.
11મી મે 1951ના રોજ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદના હસ્તે જેના ગર્ભગૃહમાં શિવલિંગની સ્થાપના થઈ છે તેવા આ મંદિર સાથે સંકળાયેલા કેટલાક મહત્ત્વના ઐતિહાસિક બનાવો પર એક દૃષ્ટિપાત...
કેવી રીતે પહોંચવુંઃ-
હવાઈ માર્ગ- સોમનાથથી 63કિમી દૂર દીવ એરપોર્ટ છે. અહીં સુધી હવાઈ માર્ગથી પહોંચી શકાય છે. તે પછી રેલગાડી કે બસની મદદથી સોમનાથ પહોંચી શકાય છે.
રેલ માર્ગ- સોમનાથ માટે દેશના લગભગ બધા જ મોટા શહેરોમાંથી ટ્રેન મળી શકે છે.
સડક માર્ગ- સોમનાથ સડક માર્ગથી બધા મોટા શહેરો સાથે જોડાયેલું છે. અંગત વાહનથી પણ સોમનાથ સરળતાથી પહોંચી શકાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.