178 વર્ષ પછી દિવાળીએ ગુરુ-શનિનો દુર્લભ યોગ:દિવાળી સોમવારે હોવાથી બધા જ લોકો માટે શુભફળ આપનારી રહેશે, આ દિવસે યમરાજ માટે દીપદાન કરવું

3 મહિનો પહેલા

દીપોત્સવની શરૂઆત થઈ ગઈ છે. આ વખતે પંચાંગ ભેદના કારણે ધનતેરસ 22-23 ઓક્ટોબરના રોજ બે દિવસ રહેશે. 23મીએ કાળી ચૌદશ પણ રહેશે. દિવાળી (24 ઓક્ટોબર) પછી સૂર્યગ્રહણ(25 ઓક્ટોબર)ના રોજ રહેશે. આ કારણે ગોવર્ધન પૂજા 26મીએ અને ભાઈબીજ 27મીએ રહેશે. ગ્રહણના કારણે આ વર્ષે દીપોત્સવ પાંચ નહીં 6 દિવસનું રહેશે. આ વખતે દિવાળીએ બુધ, ગુરુ, શુક્ર અને શનિ આ ચારેય ગ્રહો પોત-પોતાની રાશિમાં રહેશે. આ દિવસે સૂર્ય નીચનો રહેશે. આ પણ એક અદભૂત યોગ છે. આસો મહિનાની અમાસ એટલે દિવાળીએ પિતૃઓ પોતાના પિતૃ લોક પાછા ફરે છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે 2022 પહેલાં ગુરુ-શનિના સ્વરાશિમાં રહેતાં દિવાળી 10 નવેમ્બર 1844ના રોજ ઊજવવામાં આવી હતી. આ વર્ષે દિવાળીએ સોમવાર હોવાથી બધા માટે શુભફળ આપનાર બનશે. સોમવારે આવતી દિવાળી વેપારીઓ માટે શુભ ફળદાયી રહેશે.

દિવાળી સાથે જોડાયેલી માન્યતા
ભવિષ્ય, સ્કંદ અને પદ્મપુરાણમાં દિવાળી ઊજવવાનું વિવિધ કારણ જણાવવામાં આવ્યું છે. મોટાભાગની કથાઓ પ્રમાણે સમુદ્ર મંથનમાંથી ધન્વંતરિ આસો વદ તેરસના દિવસે પ્રકટ થયા હતાં. તે પછી આસો અમાસના દિવસે ભગવતી મહાલક્ષ્મી પ્રગટ થયાં હતાં. જ્યારે દેવી લક્ષ્મી પ્રગટ થયા હતાં, ત્યારે દીપ પ્રગટાવીને બધા દેવતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું.

એક અન્ય કથા પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણએ આસો વદ ચૌદશના દિવસે નરકાસુરનો વધ કર્યો હતો અનો સોળ હજાર કન્યાઓને તેની કેદમાંથી મુક્ત કરાવી હતી. તે સમયે દ્વારકામાં શ્રીકૃષ્ણના સ્વાગત માટે દીવા પ્રગટાવવામાં આવ્યાં હતાં.

શ્રીરામ રાવણનો વધ કરીને જ્યારે અયોધ્યા પરત આવ્યાં, ત્યારે અયોધ્યાના લોકોએ દીવા પ્રગટાવીને શ્રીરામ, લક્ષ્મણ અને સીતાજીનું સ્વાગત કર્યું હતું. શ્રીરામ આસો અમાસના દિવસે જ અયોધ્યા આવ્યાં હતાં.

એક અન્ય કથા પ્રમાણે ભગવાન વામને ધનતેરસથી દિવાળી સુધી, ત્રણ દિવસોમાં ત્રણ પગલામાં આખું બ્રહ્માંડ માપી લીધું હતું અને રાજા બલિને પાતાળ મોકલી દીધા હતાં. રાજા બલિએ ત્યારે ભગવાન પાસે વરદાન માગ્યું કે આ ત્રણ દિવસોમાં જે પણ યમરાજ માટે દીપદાન કરે છે અને અમાસના દિવસે લક્ષ્મીજીની આરાધના કરે છે તેમને યમરાજનો ભય રહેશે નહીં. ભગવતી લક્ષ્મી સદા તેમના ઉપર પ્રસન્ન રહે છે. વામન દેવે બલિની આ ઇચ્છા પૂર્ણ કરી હતી.

આ માન્યતાઓના કારણે દિવાળી યમરાજ, શ્રીકૃષ્ણ, લક્ષ્મી-વિષ્ણુ, ગોવર્ધન પર્વત, યમુનાની પૂજા અને પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરવાનું પર્વ છે.

આસો અમાસ એટલે પિતૃઓની વિદાયનો દિવસ
આસો મહિનાના વદ પક્ષ એટલે પિતૃ પક્ષથી લઈને આસો અમાસ સુધી પિતૃઓનું નિવાસ આપણાં ઘરમાં હોય છે. પિતૃઓ માટે પણ દિવાળીએ દીપ પ્રગટાવવા જોઈએ અને ધૂપ-ધ્યાન કરવું જોઈએ.
આસો અમાસની બપોરે પિતૃઓ માટે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દૂધનું દાન કરવું જોઈએ. ભોજન કરાવીને વસ્ત્ર દાન કરવું જોઈએ.
સાંજના સમયે પિતૃઓની વિદાય થાય છે. તે સમયે ઘરમાં અને ઘરની બહાર દીવાથી પ્રકાશ કરવો જોઈએ.