24 ઓક્ટોબરના રોજ દિવાળી અને 26 ઓક્ટોબરના રોજ ગોવર્ધન પૂજા છે. દર વર્ષે દિવાળીના બીજા દિવસે ગોવર્ધન પૂજા થાય છે, પરંતુ આ વખતે 25 ઓક્ટોબરે સાંજે આંશિક સૂર્યગ્રહણ થશે. આ બે પર્વની વચ્ચે સૂર્યગ્રહણ અને બુધ, ગુરુ, શુક્ર, શનિનું પોત-પોતાની રાશિમાં હોવું, આવો યોગ 1300 વર્ષોમાં બન્યો નથી. આ ગ્રહણ ભારતના મોટાભાગમાં દેખાશે. આ કારણે તેનું સૂતક રહેશે, બધી જ ધાર્મિક માન્યતાઓનું પાલન કરવામાં આવશે. દિવાળીની રાતે પૂજા કર્યા પછી લક્ષ્મીજીની પૂજાનું બાજોઠ સૂતક લાગે તે પહેલાં લઇ લેવું અથવા 25મીએ ગ્રહણ પછી લેવું.
અમેરિકી સ્પેસ એજન્સી નાસાની વેબસાઇટ પ્રમાણે 25 ઓક્ટોબરે સૂર્યગ્રહણ યુરોપ, નોર્થ-ઇસ્ટ આફ્રિકા, મિડલ ઈસ્ટ, વેસ્ટ એશિયામાં જોવા મળશે. સૂર્યગ્રહણ પછી 8 નવેમ્બરે પૂર્ણ ચંદ્રગ્રહણ પણ થશે. જે એશિયા, ઓસ્ટ્રેલિયા, પ્રશાંત મહાસાગર અને અમેરિકામાં જોવા મળશે. ભારતમાં પણ તેને જોઈ શકાશે અને તેનું સૂતક પણ લાગશે.
બિડલા તારામંડળ, કોલકાતાના ખગોળ વૈજ્ઞાનિક દેવી પ્રસાદ દુઆરીના જણાવ્યા પ્રમાણે આ ગ્રહણ દેશના ઉત્તર અને પશ્ચિમ ભાગમાં સૌથી સારું જોવા મળશે. ત્યાં જ, દેશના પૂર્વ ભાગમાં ગ્રહણ જોવા મળશે નહીં. કેમ કે તે જગ્યાએ સૂર્યાસ્ત થઈ ગયો હશે. આ સિવાય યુરોપ, ઉત્તર આફ્રિકા, મધ્ય પૂર્વ અને પશ્ચિમ એશિયાના થોડા ભાગમાં પણ આ ગ્રહણ જોવા મળશે.
દિવાળી જેવા મોટા તહેવારમાં સૂર્યગ્રહણ હોવાથી અનેક પ્રકારના કન્ફ્યૂઝન પેદા થઈ ગયા છે. જેમ કે, દિવાળીએ રાતે પૂજા પછી લક્ષ્મીજીનું બાજોઠ ક્યારે હટાવવું, ગ્રહણ સમયે ભોજનને કેવી રીતે સુરક્ષિત અને પવિત્ર રાખવું, સૂતકનો સમય શું રહેશે. ગ્રહણની અસર બધી જ રાશિઓ ઉપર કેવી થશે. ગ્રહણ સમયે ગર્ભવતી મહિલાઓને ખાસ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે. સૂર્યગ્રહણ સમયે આંખનું ધ્યાન કેવી રીતે રાખવું?
આ કન્ફ્યુઝનને દૂર કરવા માટે અમે વિવિધ એક્સપર્ટ્સ સાથે વાત કરી છે. ધર્મ-જ્યોતિષ બાબતે ઉજ્જૈનના એસ્ટ્રોલોજર પં. મનીષ શર્મા, આયુર્વેદ બાબતે ડો. રામ અરોરા, મહિલાઓ માટે ટિપ્સ ઉજ્જૈનની મહિલા ડોક્ટર મોના ગુપ્તા અને આંખનું ધ્યાન રાખવા માટે ભોપાલના આઈ સ્પેશિયાલિસ્ટ ડો. પવન ચૌરસિયા જણાવી રહ્યા છે.
સવાલ-જવાબમાં સૂર્યગ્રહણ સાથે જોડાયેલી ખાસ વાતો જાણો
સવાલ- શું આપણા દેશમાં 25 ઓક્ટોબરે સૂર્યગ્રહણનું સૂતક રહેશે?
જવાબ- હા, આ આંશિક સૂર્યગ્રહણ ભારતના મોટાભાગના વિસ્તારમાં જોવા મળશે. જેના કારણે સૂર્યગ્રહણનું સૂતક રહેશે અને સૂતક સાથે જોડાયેલી માન્યતાઓનું પાલન કરવામાં આવશે. દિવાળી (24 ઓક્ટોબર)એ રાતે લક્ષ્મીપૂજા પછી સવારે સૂતક શરૂ થતાં પહેલાં લક્ષ્મીજીના બાજોઠને પૂજા સ્થાનથી લઇ લેવાનું રહેશે. સૂતક સમયે બધાં મંદિરોના દ્વાર બંધ રહેશે અને ગ્રહણ પૂર્ણ થયા પછી મંદિરનું શુદ્ધિકરણ કરવામાં આવશે, તે પછી મંદિરોમાં ભક્તો દર્શન કરી શકશે.
સવાલ- સૂર્યગ્રહણનો સમય શું રહેશે?
જવાબ- 25 ઓક્ટોબરે સાંજે 4 વાગ્યાથી સૂર્યગ્રહણ શરૂ થશે. સાંજે 6.25 વાગે ગ્રહણ પૂર્ણ થશે. જે જગ્યાએ ગ્રહણ પૂર્ણ થયા પહેલાં સૂર્યાસ્ત થઈ જશે, ત્યાં સૂર્યાસ્ત પછી જ ગ્રહણ પૂર્ણ થઈ જશે.
સવાલ- ગ્રહણનું સૂતક ક્યાં સુધી રહેશે?
જવાબ- સૂર્યગ્રહણનું સૂતક ગ્રહણ શરૂ થવાના 12 કલાક પહેલાં શરૂ થઈ જાય છે. સૂર્યગ્રહણનું સૂતક 25 તારીખે સવારે 4 વાગે શરૂ થશે. જ્યારે ગ્રહણ પૂર્ણ થશે, ત્યારે ગ્રહણનું સૂતક પણ પૂર્ણ થઈ જશે.
સવાલ- ગ્રહણ સમયે ધર્મ-કર્મમાં શું કરવું જોઈએ?
જવાબ- જ્યારે ગ્રહણનું સૂતક રહે છે, ત્યારે પૂજા-પાઠ જેવાં શુભ કામ કરવામાં આવતાં નથી. આ કારણે બધાં મંદિર બંધ રહે છે. ગ્રહણ પૂર્ણ થયા પછી જ પૂજાપાઠ કરવામાં આવે છે. ગ્રહણ કાળમાં અવાજ કર્યા વિના મંત્ર જાપ કરી શકાય છે. આ સમયે દાન કરવું જોઈએ.
સવાલ- સૂર્યગ્રહણ કેમ થાય છે?
જવાબ- ધર્મ અને વિજ્ઞાનની દૃષ્ટિએ વિવિધ કારણ છે. વિજ્ઞાન પ્રમાણે પૃથ્વી ચંદ્ર સાથે સૂર્યની પરિક્રમા કરે છે અને ચંદ્ર પૃથ્વીની પરિક્રમા કરે છે. જ્યારે ચંદ્ર પરિક્રમા કરીને પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવી જાય છે અને આ ત્રણેય ગ્રહો એક સીધી લાઇનમાં રહે છે, ત્યારે ચંદ્રનો પડછાયો પૃથ્વી ઉપર પડે છે. જ્યાં-જ્યાં ચંદ્રનો પડછાયો પડે છે, ત્યાં સૂર્ય દેખાતો નથી. આ સ્થિતિને જ સૂર્યગ્રહણ કહેવામાં આવે છે. ધર્મની દૃષ્ટિએ ગ્રહણની કથા રાહુ અને કેતુ સાથે જોડાયેલી છે.
દેવતાઓ અને દાનવોએ મળીને સમુદ્રનું મંથન કર્યું ત્યારે અમૃત બહાર આવ્યું. વિષ્ણુજી મોહિની અવતાર લઈને દેવતાઓને અમૃત પાન કરાવી રહ્યા હતા. એક અસુર રાહુ દેવતાઓનો વેષ બનાવીને દેવતાઓની વચ્ચે બેસી ગયો અને તેણે અમૃત પી લીધું હતું. સૂર્ય અને ચંદ્ર રાહુને ઓળખી ગયા અને તેમણે વિષ્ણુજીને આ વાત જણાવી દીધી. વિષ્ણુજીએ સુદર્શન ચક્રથી રાહુનું માથું ધડથી અલગ કરી દીધું પરંતુ રાહુએ અમૃત પી લીધું હતું. આ કારણે તે મૃત્યુ પામ્યો નહીં. રાહુના બે ભાગ થઈ ગયા. એક ભાગને રાહુ અને બીજાને કેતુ કહેવામાં આવે છે. રાહુની ફરિયાદ સૂર્ય અને ચંદ્રએ કરી હતી, આ કારણે તે બંનેને દુશ્મન માને છે અને સમયે-સમયે આ બંને ગ્રહોને ગ્રસિત કરે છે, જેને ગ્રહણ કહેવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.