ષટ્મુખી-સપ્તમુખી રુદ્રાક્ષ:છમુખી રુદ્રાક્ષ શત્રુઓ પર વિજય અપાવનારો ‘શત્રુંજય’ તો સપ્તમુખી રુદ્રાક્ષ ન્યાયપ્રિયતા-પ્રામાણિકતા વધારે છે

4 મહિનો પહેલા

આ લેખમાં આપણે વાત કરીશું છમુખી અને સપ્તમુખી રુદ્રાક્ષની. સૌથી પહેલા વાત કરીએ છમુખી રુદ્રાક્ષની તો જે રુદ્રાક્ષમાં છ ધારી હોય તેને ષટ્મુખી અથા છમુખી રુદ્રાક્ષ કહેવાય છે. છમુખી રુદ્રાક્ષ સમૃદ્રિ અને વૈભવતા વધારનારો છે. છમુખી રુદ્રાક્ષ માનવજીવનમાં સમૃદ્ધિનો વિકાસ કરવામાં શ્રેષ્ઠ તો છે જ તે મનુષ્યમાં પ્રેમભાવના વધારે છે. આ રુદ્રાક્ષ ધારણ કરવાથી ગુપ્ત શત્રુ તેમજ પ્રગટ શત્રુ પણ અહિત કરી શકતા નથી અને તેમના પર વિજય મેળવી શકાય છે. તેથી જ આ રુદ્રાક્ષને ‘શત્રુંજય’ રુદ્રાક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ રુદ્રાક્ષ ધારણ કરવા માત્રથી જ મનુષ્ય વધુ સંવેદનશીલ બનવા લાગે છે. આ ઉપરાંત લોકો પ્રત્યેની તેની ભાવના અને પ્રકૃતિ તેમજ સમાજ માટે કૃતજ્ઞતાનો ભાવ તેના હૃદયમાં ફલિભૂત થાય છે. છમુખી રુદ્રાક્ષ મનુષ્યની ઇડા નાડી પર સહજ રીતે પ્રભાવ કરે છે. આ ધારણ કરીને મનુષ્ય તેની કલ્પનાશક્તિ તેમજ રચનાત્મક ક્ષમતામાં વધારો કરી શકે છે. મહદ્અંશે કળાક્ષેત્રે કે લેખનક્ષેત્રે જોડાયેલા લોકો માટે આ રુદ્રાક્ષ અત્યાધિક લાભદાયક છે. આ રુદ્રાક્ષનો સીધો પ્રભાવ ઇડા નાડી પર વધારે પડતો હોવાથી વિદ્વાનો તેના સંતુલન માટે જમણા હાથની ભુજા પર ધારણ કરવાની સલાહ આપે છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, છમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શુક્રદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. જે જાતકની કુંડળીમાં શુક્રની સ્થિતિ સારી ન હોય તેવા જાતકોએ આ રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ.

સાતમુખી રુદ્રાક્ષઃ આ રુદ્રાક્ષમાં સાત ધારી હોય છે. સપ્તમુખી રુદ્રાક્ષ અત્યાધિક મંગલકારી છે. આ રુદ્રાક્ષ ધારણ કરવાથી વ્યક્તિમાં ધર્મ, ન્યાયપ્રિયતા, પ્રામાણિકતા, કર્મ અને કર્મનિષ્ઠતા જેવા ગુણોમાં વિકાસ થાય છે. જે જીવનમાં વધારે સુખમય, સંતોષી અને આનંદદાયી બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. તેથી તેનું મહત્વ અન્ય રુદ્રાક્ષ કરતા સવિશેષ છે.

જમીન તેમજ લોખંડ જેવી ધાતુઓ સાથે જોડાયેલા કાર્ય કરનાર વ્યક્તિ માટે આ રુદ્રાક્ષ પ્રગતિ કરાવનાર તેમજ પ્રતિષ્ઠા વધારનારો છે. આ ઉપરાંત જે લોકો સંચાલનના વિષયમાં કામ કરે છે તેવા લોકો માટે પણ આ રુદ્રાક્ષ ફાયદાકારક છે. તેમજ નોકર વર્ગ પાસેથી પણ કાર્ય લેવામાં આ રુદ્રાક્ષ સહાયક છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, આ રુદ્રાક્ષ ધારણ કરવાથી શનિદેવ પ્રસન્ન રહે છે. જે વ્યક્તિની કુંડળીમાં શનિની સ્થિતિ સારી ન હોય તેવા વ્યક્તિ આ રુદ્રાક્ષ ધારણ કરી ઉત્તમ લાભ પામી શકે છે.

ક્રમશઃ
આ લેખની સંપૂર્ણ માહિતી અમદાવાદના જ્યોતિષી અનુજ પંડ્યા (modernsage108@gmail.com) દ્વારા જણાવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...