શ્રાવણ મહિનામાં ભગવાન શિવ સાથે સૂર્ય પૂજાનું પણ ખૂબ જ મહત્ત્વ છે. એટલે આ સમયગાળા દરમિયાન સૂર્ય સંક્રાંતિને પણ એક મહત્ત્વપૂર્ણ પર્વ માનવામાં આવે છે. આ વખતે 17 ઓગસ્ટ, મંગળવારે સૂર્યના પોતાની જ રાશિ એટલે સિંહમાં આવી જવાથી આ દિવસે સિંહ સંક્રાંતિ પર્વ ઊજવવામાં આવે છે. પોતાની જ રાશિમાં આવી જવાથી સૂર્યની અસર વધી જશે.
સૂર્યની સાથે ભગવાન નૃસિંહની પૂજા કરોઃ-
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે દર મહિને જ્યારે સૂર્ય એક રાશિથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે સંક્રાંતિ આવે છે અને એક વર્ષમાં કુલ 12 સંક્રાંતિ આવે છે. સિંહ સંક્રાંતિ પણ તેમાંથી જ એક છે. તેને સિંહ સંક્રમણ પણ કહેવામાં આવે છે. આ દિવસને મોટા પર્વ સ્વરૂપમાં ઊજવવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ, સૂર્યદેવ અને ભગવાન નૃસિંહનું પૂજન કરવામાં આવે છે. આ દિવસે ભક્ત પવિત્ર સ્નાન કરે છે. તે પછી ગંગાજળ, નારિયેળ પાણી અને દૂધથી દેવતાઓનો અભિષેક કરવામાં આવે છે.
સિંહ સંક્રાંતિનું મહત્ત્વઃ-
સિંહ સંક્રાંતિએ સૂર્ય પોતાની જ રાશિમાં આવી જાય છે. જેથી સૂર્ય બળવાન થઈ જાય છે. બળવાન થવાથી તેનો પ્રભાવ વધે છે. જ્યોતિષ પ્રમાણે સૂર્ય આત્માનો કારક ગ્રહ છે. સૂર્યનો પ્રભાવ વધવાથી રોગ દૂર થવા લાગે છે અને આત્મવિશ્વાસ વધે છે. સિંહ રાશિમાં સ્થિત સૂર્યની પૂજા વિશેષ ફળદાયી માનવામાં આવે છે. લગભગ 1 મહિનાના આ સમયમાં રોજ સૂર્યને જળ ચઢાવવું જોઈએ.
સ્વાસ્થ્ય માટે પણ ખાસઃ-
સૂર્ય સંક્રાંતિએ પૂજા સાથે જ ગાયના ઘીનું સેવન કરવામાં આવે છે. ચરક સંહિતા પ્રમાણે ગાયના ઘીને શુદ્ધ તથા પવિત્ર માનવામાં આવે છે. કહેવાય છે કે સિંહ સંક્રાંતિએ ઘીનું સેવન કરવાથી યાદશક્તિ, બુદ્ધિ, બળવીર્ય અને ઊર્જા વધે છે. આ સિવાય ગાયના ઘીનું સેવન કરવાથી વાત, કફ અને પિત્ત દોષ દૂર થાય છે અને શરીરમાંથી ઝેરી પદાર્થો બહાર આવે છે. આ સમયે ગાયના ઘીનું સેવન કરવાથી રોગપ્રતિરોધક ક્ષમતા પણ વધે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.