મંગળવાર, 14 ડિસેમ્બરના રોજ એટલે આજે માગશર મહિનાના સુદ પક્ષની એકાદશી છે. જેને મોક્ષદા એકાદશી કહેવામાં આવે છે. દ્વાપર યુગમાં મહાભારત યુદ્ધ પહેલાં આ એકાદશીએ ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું હતું. આ કારણે આ તિથિને ગીતા જયંતી તરીકે ઊજવવામાં આવે છે.
મહાભારત યુદ્ધ પહેલાં અર્જુને ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય અને કુટુંબના અન્ય લોકોને જોઈને યુદ્ધ કરવાનો વિચાર છોડી દીધો હતો. અર્જુન શ્રીકૃષ્ણ સામે ધનુષ-બાણ રાખીને યુદ્ધ ન કરવાની વાત કહી હતી. તે સમયે શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું અને કર્મના મહત્ત્વને સમજાવ્યું.
સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડમાં એકાદશી મહાત્મ્ય નામના અધ્યાયમાં વર્ષભરની બધી એકાદશીઓનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. એક વર્ષમાં 24 એકાદશી આવે છે. અધિકમાસ હોવાથી એક વર્ષમાં 26 એકાદશીઓ આવે છે. એકાદશીએ ભગવાન વિષ્ણુ માટે વ્રત ઉપવાસ કરવાની પરંપરા છે.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે આ વખતે મંગળવારે એટલે આજે મોક્ષદા એકાદશી હોવાથી આ દિવસે ભગવાન વિષ્ણુ, શ્રીકૃષ્ણ અને હનુમાનજીની પણ ખાસ પૂજા-અર્ચના કરવી જોઈએ. હનુમાનજીનો ઉલ્લેખ રામાયણ પછી મહાભારતમાં પણ છે. માન્યતા છે કે હનુમાનજી અજર-અમર છે. મહાભારત યુદ્ધમાં અર્જુનના રથ ઉપર હનુમાનજી ધ્વજ ઉપર વિરાજિત હતાં. હનુમાનજીએ ભીમનો અહંકાર તોડ્યો અને વિનમ્રતાનું મહત્ત્વ જણાવ્યું હતું.
મોક્ષદા એકાદશીએ શ્રીકૃષ્ણને માખણ-મીસરીનો ભોગ તુલસીના પાન સાથે ધરાવો. કૃં કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ ઓછામાં ઓછો 108વાર કરો. ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીની પૂજામાં દક્ષિણાવર્તી શંખથી અભિષેક કરો. ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો. હનુમાનજી સામે સરસિયાના તેલનો દીવો પ્રગટાવો, સિંદૂર ચઢાવો અને હનુમાન ચાલસી કે સુંદરકાંડનો પાઠ કરો. ૐ રામદૂતાય નમઃ મંત્રનો જાપ પણ કરી શકો છો. આ દિવસે જરૂરિયાત મંદ લોકોને ધન અને અનાજનું દાન કરો. કોઈ ગૌશાળામાં લીલું ઘાસ અને ગૌશાળા સંચાલન માટે ધનનું દાન કરો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.