કરવા ચોથ 13 ઓક્ટોબરના રોજ કરવામાં આવશે. પરિણીતાઓનું આ પર્વ દ્વાપર યુગથી ચાલી રહ્યું છે. પરિણીતા મહિલાઓ પતિની લાંબી ઉંમરની કામના સાથે આ વ્રત કરે છે. આયુર્વેદની દૃષ્ટિએ શરદ ઋતુમાં આવતા આ વ્રતને કરવાથી મહિલાઓનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. સૂર્યોદય સાથે જ આ વ્રત શરૂ થઈ જાય છે. જે સાંજે ચંદ્રની પૂજા પછી પૂર્ણ થાય છે. આ વખતે કરવા ચોથના દિવસે શુક્ર અસ્ત રહેશે.
કરવા ચોથના દિવસે શુક્ર અસ્ત રહેશે
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે 2 ઓક્ટોબરથી 20 નવેમ્બર સુધી શુક્ર અસ્ત રહેશે. મુહૂર્ત ચિંતામણિ ગ્રંથમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે શુક્ર અસ્ત હોવાથી માંગલિક કાર્યો સાથે સૌભાગ્ય પર્વ એટલે કરવા ચોથ વ્રતની શરૂઆત પણ કરી શકાય નહીં. એટલે જે મહિલાઓ માટે આ પહેલું કરવા ચોથ છે તેઓ આ વર્ષે આ વ્રત રાખી શકસે નહીં. આ સિવાય જે મહિલાઓ પહેલાંથી જ આ વ્રત કરી રહી છે તેમને શુક્ર અસ્તનો દોષ લાગશે નહીં.
કાશી વિદ્વત પરિષદના મહામંત્રી પ્રો. રામનારાયણ દ્વિવેદીના જણાવ્યા પ્રમાણે આ વખતે કરવા ચોથના દિવસે શુક્ર અસ્ત હોવાથી નવી પરિણીત મહિલાઓ આ વ્રત કરી શકશે નહીં. પરંતુ જે મહિલાઓ પહેલાંથી જ આ વ્રત કરી રહી છે તેમને કોઈ દોષ લાગશે નહીં. પરંતુ આ વખતે ગુરુ પોતાની જ રાશિમાં હોવાથી અને ગુરુવાર હોવાથી આ વ્રતનું શુભફળ અનેકગણું વધી જશે.
તિરૂપતિના જ્યોતિષાચાર્ય ડો. કૃષ્ણકુમાર ભાર્ગવ જણાવે છે કે શુક્ર ગ્રહના અસ્ત રહેતા નવા વ્રતની શરૂઆત અને અંત એટલે કે પારણાં કરી શકાશે નહીં. આવું જ્યોતિષ ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે. એટલે આ વખતે જેમનું પહેલું કરવા ચોથ વ્રત છે તેઓ વ્રત રાખી શકશે નહીં.
સ્વાસ્થ્યની દૃષ્ટિએ કરવા ચોથ ખાસ રહેશે
આ દિવસે પરિણીતા મહિલાઓ પતિની લાંબી ઉંમર માટે નિર્જળા વ્રત રાખે છે. આયુર્વેદ પ્રમાણે આ વ્રત કરવાથી મહિલાઓનું સ્વાસ્થ્ય સારું રહે છે. પુણેના આયુર્વેદિક કોલેજની ડો. પૂનમ યાદવ જણાવે છે કે શરદ ઋતુ દરમિયાન શરીરમાં પિત્ત વધે છે. તેનાથી થતી બીમારીઓથી બચવા માટે આ વ્રત રાખવામાં આવે છે. આ કારણે મહિલાઓ આખો દિવસ નિર્જળા રહે છે અને રાતે માટીના વાસણમાંથી પાણી પીને વ્રત ખોલે છે. આવું કરવાથી મેટાબોલિઝમ વધે છે.
ગણેશ, ચોથ માતા અને ચંદ્ર દેવની પૂજા
કરવા ચોથનું વ્રત સૂર્યોદયથી શરૂ થાય છે અને સાંજે ચંદ્રોદય સુધી રાખવામાં આવે છે. આ દિવસે મહિલાઓ સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કરે છે અને પછી આખો દિવસ નિર્જળ એટલે પાણી પીધા વિના વ્રત રાખવાનો સંકલ્પ કરે છે. સાંજે ચંદ્રના દર્શન કરીને અર્ઘ્ય આપ્યા પછી પતિના હાથથી પાણી પીને મહિલાઓ વ્રત ખોલે છે. આ દિવસે શ્રીગણેશ, ચોથ માતા અને પછી ચંદ્ર દેવની પૂજા થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.