માન્યતા:રોજ સવારે જલ્દી જાગીને સૂર્યને જળ ચઢાવવું, આળસ અને ગુસ્સાથી બચવું

એક વર્ષ પહેલા

15 ડિસેમ્બરથી માગશર એટલે માર્ગશીર્ષ મહિનો શરૂ થઇ રહ્યો છે. ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં માર્ગશીર્ષ મહિનાને પોતાનું સ્વરૂપ જણાવ્યું છે. આ મહિનામાં બાલ ગોપાલને માખણ-મિશ્રીનો ભોગ તુલસી સાથે ધરાવવો જોઇએ. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યાં પ્રમાણે માગશર મહિનામાં નદીમાં સ્નાન કરવાનું ખૂબ જ મહત્ત્વ છે.

માન્યતા છે કે, દ્વાપર યુગમાં જ્યારે ગોપીઓએ શ્રીહરિને પ્રાપ્ત કરવા માટે તપ કર્યું, ત્યારે શ્રીકૃષ્ણએ માગશર મહિનામાં નદી સ્નાન કરવાની સલાહ આપી હતી. જેના કારણે માગશર મહિનામાં યમુના નદીમાં અનેક લોકો સ્નાન કરવા પહોંચે છે.

જો નદીમાં સ્નાન કરી શકે નહીં તો તુલસીની કુંડામાંથી માટી લઇને શરીર ઉપર લગાવીને પણ સ્નાન કરી શકો છો. સ્નાન સમયે બધા જ તીર્થનું ધ્યાન કરવું. પવિત્ર નદીઓના નામનો જાપ કરીને સ્નાન કરવું જોઇએ.

સ્નાન પછી સૂર્યને તાંબાના લોટાથી જળ ચઢાવો. ૐ સૂર્યાય નમઃ નો જાપ કરો. ગોળનું દાન જરૂરિયાતમંદ લોકોને કરો.

બાળ ગોપાલની પૂજામાં કૃં કૃષ્ણાય નમઃ અને ભગવાન વિષ્ણુની પૂજામાં ૐ નમો નારાયણનો જાપ કરો. શિવજીની પૂજામાં ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. ગણેશજીની પૂજા જરૂર કરો.

માન્યતા છે કે, માગશર મહિનામાં નિયમિત રૂપથી નદી સ્નાન કરનાર શ્રદ્ધાળુઓને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. સ્ત્રીઓ નદીમાં સ્નાન કરે છે તો તેમનું લગ્નજીવન સુખી રહે છે.

માગશર મહિનામાં શંખની પૂજાનું પણ વિશેષ મહત્ત્વ છે. જે પ્રકારે દેવી-દેવતાઓની પૂજા કરવામાં આવે છે, ઠીક તેવી જ રીતે શંખની પણ પૂજા કરો.

આ મહિનામાં આળશ છોડી દેવી જોઇએ. સવારે જલ્દી જાગવું અને સ્નાન કર્યા પછી પૂજા-પાઠ કરો. રોજ સવારે ધ્યાન કરવાથી મનને શાંતિ મળે છે, એકાગ્રતા વધે છે. દિવસભરના કામમાં ઊર્જા જળવાયેલી રહે છે અને સફળતા મળવાની સંભાવના વધી જાય છે.

ગુસ્સાથી બચવું જોઇએ. ઘરમાં ક્લેશ ન કરો. નહીંતર આ મહિનામાં કરેલાં શુભ કામનું સંપૂર્ણ ફળ મળી શકતું નથી. આ મહિનામાં અનાજ અને ધનનું દાન કરવું.