ખગોળીય ઘટના:આજે સૂર્ય અને પૃથ્વી વચ્ચે વર્ષમાં સૌથી ઓછું અંતર રહેશે, 6 જુલાઈના રોજ આ અંતર સૌથી વધારે રહેશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દર 58 વર્ષે પૃથ્વી અને સૂર્યની પાસે આવવાની તારીખ બદલાઇ જાય છે, 1246માં 21 ડિસેમ્બરના રોજ આ ઘટના બની હતી

શનિવાર, 2 જાન્યુઆરી એટલે આજે ખૂબ જ ખાસ ખગોળીય ઘટના બની રહી છે. આજે સૂર્ય અને પૃથ્વીનું અંતર વર્ષ 2021માં સૌથી ઓછું રહેશે. સૂર્ય પૃથ્વીની પાસે રહેશે, પરંતુ પૃથ્વી પોતાની કક્ષા ઉપર નમેલી છે, જેના કારણે ઉત્તરી ગોળાર્ધમાં વધારે ઠંડક રહેશે. તે પછી બંને ગ્રહોની વચ્ચેનું અંતર ધીમે-ધીમે વધવા લાગશે અને 6 જુલાઈએ બંને વચ્ચેનું અંતર વધી જશે.

ભોપાળની વિજ્ઞાન બ્રોડકાસ્ટર સારિકા ધારૂના જણાવ્યા પ્રમાણે 2 જાન્યુઆરીએ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર 14,70,93,163 કિમી રહેશે. આ વર્ષનું આ સૌથી ઓછું અંતર રહેશે. તે પછી આ ગ્રહોની વચ્ચેનું અંતર વધવા લાગશે અને 6 જુલાઈના રોજ પૃથ્વીથી સૂર્ય 15,21,00,527 કિમી દૂર રહેશે.

ગ્રહોની વચ્ચેના અંતરમાં વધ-ઘટ કેમ થાય છે?
પૃથ્વી સૂર્યની પરિક્રમા અંડાકાર પથમાં કરે છે. આ કારણે વર્ષમાં એકવાર આ અંતર સૌથી ઓછું અને એકવાર સૌથી વધારે થાય છે. પૃથ્વીની કક્ષાના કારણે બંને ગ્રહોની વચ્ચેનું અંતર ઓછું કે વધારે થવાની કોઇ નક્કી તારીખ હોતી નથી. દર 58 વર્ષમાં આ ઘટનાની તારીખ બદલાઇ જાય છે. 1246માં પૃથ્વી 21 ડિસેમ્બરના રોજ જ્યારે વર્ષનો સૌથી નાનો દિવસ હોય છે, ત્યારે પૃથ્વી સૂર્યની એટલી પાસે પહોંચતી હતી. ભવિષ્યમાં લગભગ 4 હજાર વર્ષ પછી 6430 માં આ ઘટના દર 21 માર્ચના રોજ બનશે.