મંગળવાર, 1 માર્ચના રોજ મહાશિવરાત્રિ છે. આ વર્ષે મહાશિવરાત્રિએ પંચગ્રહી યોગ બની રહ્યો છે. 1 માર્ચના રોજ બુધ, શુક્ર, મંગળ, શનિ અને ચંદ્ર મકર રાશિમાં રહેશે. સૂર્ય-ગુરુ કુંભ રાશિમાં રહેશે. આ વખતે શિવરાત્રિ મંગળવારે ઊજવવામાં આવશે અને આ વારનો કારક ગ્રહ મંગળ મકર રાશિમાં ઉચ્ચનો રહેશે. શનિ પોતાની જ મકર રાશિમાં રહેશે. બુધ-શુક્ર પણ મિત્ર રાશિમાં રહેશે.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે મકર રાશિમાં ચંદ્ર અને શનિનો યોગ હોવાથી વિષયોગ બનશે. આ દિવસે ઘનિષ્ઠા નક્ષત્ર રહેશે. આ નક્ષત્રનો સ્વામી મંગળ ગ્રહ છે. મહાશિવરાત્રિએ બની રહેલાં આ યોગના કારણે મોંઘવારીમાં વધારો થઈ શકે છે, દેશની સીમા ઉપર તણાવ જેવી પરિસ્થિતિ બની શકે છે, પ્રાકૃતિક ઘટનાઓ બનવાની શક્યતાઓ બની રહી છે. જનતામાં સરકાર માટે અસંતોષ રહેશે.
મહાશિવરાત્રિ કેમ ઊજવવામાં આવે છે?
પં. શર્મા પ્રમાણે શિવપુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે મહા મહિનાના વદ પક્ષની ચૌદશ તિથિએ રાતે ભગવાન શિવ અગ્નિ સ્તંભ સ્વરૂપે બ્રહ્માજી અને વિષ્ણુજી સામે પ્રકટ થયાં હતાં. તે સમયે આકાશવાણી થઈ હતી કે આ તિથિએ રાતે જાગીને જે ભક્ત મારા લિંગ સ્વરૂપનું પૂજન કરશે, તે અક્ષય પુણ્ય પ્રાપ્ત કરશે.
થોડી અન્ય માન્યતાઓ પ્રમાણે મહા મહિનના વદ પક્ષની ચૌદશ તિથિએ શિવ-પાર્વતીના લગ્ન થયાં હતાં. શિવ-પાર્વતીજીના લગ્ન અંગે શિવપુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે શિવ-પાર્વતી લગ્ન માગશર મહિનાના સુદ પક્ષની પાંચમ તિથિ, સોમવારે થયાં હતાં. તે સમયે ચંદ્ર, બુધ લગ્નમાં હતો અને રોહિણી નક્ષત્ર હતો. શિવજી અને માતા સતીના લગ્ન ચૈત્ર મહિનાના સુદ પક્ષની તેરસ તિથિ, રવિવારે પૂર્વાફાગણ નક્ષત્રમાં થયાં હતાં.
શિવ શબ્દનો અર્થ શું થાય છે?
ઉચ્ચારણમાં અત્યંત સરળ શિવ શબ્દની ઉત્પત્તિ વશ કાન્તૌ ધાતુ દ્વારા થઈ છે. જેનો અર્થ એવો થાય છે કે જેને બધા પ્રેમ કરે છે, બધા ઇચ્છે છે, તે શિવ છે, બધા આનંદ ઇચ્છે છે એટલે શિવનો એક અર્થ આનંદ પણ છે. ભગવાન શિવનું એક નામ શંકર પણ છે. શંનો અર્થ છે આનંદ અને કર શબ્દનો અર્થ છે કરનાર. શંકરનો અર્થ છે આનંદ કરનાર એટલે આનંદ આપનાર જ શંકર છે.
શિવરાત્રિ સાથે જોડાયેલી માન્યતાઓ
નામથી જ સમજી શકાય છે કે શિવરાત્રિ રાતનું વ્રત છે. આ રાતના ચારેય પ્રહરમાં જાગરણ કરીને શિવજીની પૂજા કરનાર ભક્તને ભગવાન ભોળાનાથની કૃપા મળે છે. માન્યતા છે કે આ રાતે શિવજી અને માતા પાર્વતી એકસાથે ભ્રમણ પર જાય છે. મહાશિવરાત્રિ વ્રત કરનાર વ્યક્તિ ઉપર તેમની ખાસ કૃપા રહે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.