• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Shiva, Who Had Been In Samadhi For Thousands Of Years, Opened His Eyes And Drops Of Water Fell On The Ground And Became 'Rudraksha'.

રુદ્રાક્ષનો મહિમા:હજારો વર્ષોથી સમાધિસ્થ રહેલા શિવે આંખ ખોલી અને જળબિંદુ જમીન પર પડ્યાં એ ‘રુદ્રાક્ષ’ બન્યાં

19 દિવસ પહેલા

સંસારમાં અનંત સુખદાયી, અપાર શક્તિશાળી, સર્વપાપહર્તા તરીકે જે ઓળખાયો છે એ છે ‘રુદ્રાક્ષ’. રુદ્રાક્ષ શું છે? સામાન્ય મનુષ્ય એને માત્ર ફળ માને છે, પણ ધર્મમાં માનનારો એને સાક્ષાત શિવસ્વરૂપ માને છે. ભારતીય પરંપરાની આગવી ઓળખ રહી છે કે એ તમામ તત્ત્વો, વનસ્પતિ, નદીઓ, પર્વતો અને વિવિધ જીવને પ્રત્યે સંવેદનશીલ રહ્યું છે. એમાં રહેલા ઉત્તમ ગુણો શીખી પોતાના જીવનને સમૃદ્ધ બનાવતું રહ્યું છે.

આપણાં ધર્મશાસ્ત્રો અને પુરાણોમાં પણ આ તમામનું અનેરું મહત્ત્વ રહેલું છે, પણ આ જે રુદ્રાક્ષની વાત છે એ રુદ્ર એટલે સ્વયં શિવ અને અક્ષ એટલે તેમની આંખમાંથી નીકળેલા અશ્રુ કે પછી એમ જ કહીએ કે સાક્ષાત્ શિવજીનો અક્ષ (ભાગ). આમ તો, રુદ્રાક્ષ વિશે ઘણી કથાઓ પ્રચલિત છે. એમાંની એક છે ઋષિ ભુસુંડની કથા. તો આવો... વિગતે આ કથા જાણીએ.

ઋષિ ભુસુંડ શિવજીના પરમભક્ત હતા. તેમણે શિવજીને કાળને પણ પોતાની અગ્નિથી બાળી દેનારા મહાકાલ ‘કાલઅગ્નિરુદ્ર’ નામ આપ્યું હતું. તેમની પાસેથી રુદ્રાક્ષની ઉત્પત્તિ અને મહાત્મ્ય જાણવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે શિવજીએ પ્રસન્ન થઈ કહ્યું હતું કે ‘પૂર્વ કાળમાં ત્રિપુરાસુર નામનો એક દૈત્ય જગતને ત્રાસ આપતો હતો. એવા સમયે મનુષ્ય અને સ્વર્ગના દેવોને પણ શાંતિથી જીવવું દુષ્કર બન્યું હતું. એ સમયે મેં લોકકલ્યાણના હેતુથી હજારો વર્ષોની સમાધિમાંથી આંખો ઉઘાડી ત્યારે જ મારી આંખમાં વર્ષોથી સ્થિર થયેલાં જલનબિંદુ સરી પડ્યાં. કથા મુજબ સંસ્કૃતમાં પણ કહેવાયું છે કે ‘तेनाश्रुबिंदुभिर्जाता मर्त्ये रुद्राक्षभूरुहाः ।’ અર્થાત્ એમાંનાં કેટલાંક બિંદુ મનુષ્યલોક પર પડ્યાં અને રુદ્રાક્ષની ઉત્પત્તિ થઈ, જેને સંસારે મારા આશીર્વાદ સ્વરૂપે સ્વીકારી લીધી છે.’

- દેવીભાગવત પ્રમાણે

મનુષ્ય માટે રુદ્રાક્ષ અતિકલ્યાણકારી છે. રુદ્રાક્ષના વિષયમાં ઘણી ભ્રાંતિઓ સંસારમાં છે, પરંતુ વાસ્તવમાં રુદ્રાક્ષ અત્યંત પવિત્ર અને શુભ છે, જે મનુષ્યને ઘણાં સુખ આપનારો, બંધનથી મુક્ત કરનારો અને કરેલાં પાપોથી મુક્તિ અપાવનારો છે. ધર્મમાં આસ્થા રાખનાર મનુષ્યએ રુદ્રાક્ષ ધારણ કરવો અત્યંત કલ્યાણકારી છે, પરંતુ અન્ય મનુષ્યો રુદ્રાક્ષ ધારણ ન કરી શકે? ના, એવું બિલકુલ નથી.

મનુષ્યને રુદ્રાક્ષ સંપૂર્ણ શ્રદ્ધાથી ધારણ કરવો જોઈએ. રુદ્રાક્ષ ધારણ કર્યા પછી મનુષ્યએ ખોટાં કર્મો ન કરવાં જોઈએ. હૃદયમાં શિવ પ્રત્યે અને ધારણ કરેલા રુદ્રાક્ષ પ્રત્યે સમર્પણ તથા શ્રદ્ધાનો ભાવ રાખવો જોઈએ. સદૈવ રુદ્રાક્ષનું માન જળવાય એવી અવસ્થામાં રહેવું અને એવી જ જગ્યાઓએ જવું જોઈએ. હવે જે પ્રકારની વાત કરીએ તો એકમુખી લઈને એકવીસમુખી સુધીના રુદ્રાક્ષ મળે છે, પરંતુ શાસ્ત્રોમાં જે વર્ણન છે એ મુજબ વાત કરીએ તો દરેક રુદ્રાક્ષનું એક વિશિષ્ટ મહાત્મ્ય રહેલું છે. ઉપરાંત દરેક રુદ્રાક્ષના ગુણો વિશિષ્ટ છે, જેથી સંસારિક મનુષ્યોને લાભ થઈ શકે છે. આ રુદ્રાક્ષના પ્રકાર વિશે આગામી લેખમાં વિગતે વાત કરીશું.

ક્રમશઃ

આ લેખની સંપૂર્ણ માહિતી અમદાવાદના જ્યોતિષી અનુજ પંડ્યા (modernsage108@gmail.com) દ્વારા જણાવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...