ઉત્સવ:શ્રીકૃષ્ણ ગોપીઓ સાથે મહારાસ કરે છે અને દેવી લક્ષ્મી પૃથ્વીનું ભ્રમણ કરે છે, આ છે શરદ પૂનમ સાથે જોડાયેલી 4 પરંપરા

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

મંગળવાર, 19 ઓક્ટોબર એટલે આજે અને બુધવાર, 20 ઓક્ટોબરના રોજ આસો મહિનાની પૂનમ છે. આ વર્ષે પંચાંગ ભેદના કારણે આ પૂનમ વિવિધ ક્ષેત્રમાં વિવિધ દિવસે ઊજવવામાં આવશે. શરદ પૂનમ સાથે જોડાયેલી અનેક પરંપરાઓ પ્રચલિત છે, જેમ કે આ તિથિએ શ્રીકૃષ્ણ મહારાસ રચે છે, દેવી લક્ષ્મી પૃથ્વીનું ભ્રમણ કરે છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે શરદ પૂનમની રાતે દેવી લક્ષ્મી પૃથ્વીનું ભ્રમણ કરે છે. આ કારણે જે લોકો દેવીની કૃપા ઇચ્છે છે, તેઓ આ રાતે લક્ષ્મીજીનું ખાસ પૂજન કરે છે. આખી રાત જાગીને પૂજાપાઠ કરવામાં આવે છે. લક્ષ્મીજીના સ્વાગત માટે દીવો પ્રગટાવવામાં આવે છે. આ રાતે મહાલક્ષ્મીના મંત્રનો જાપ કરવો જોઈએ. મંત્ર જાપ ઓછામાં ઓછો 108વાર કરો. તેના માટે કમળ ગટ્ટાની માળા સાથે જાપ કરવો જોઈએ.

મહાલક્ષ્મી મંત્ર- ऊँ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं ऊँ महालक्ष्मयै नम:।

શ્રીકૃષ્ણ ગોપીઓ સાથે મહારાસ રચે છે-
મથુરા પાસે વૃંદાવનના નિધિવનને લઈને માન્યતા પ્રસિદ્ધ છે કે અહીં ભગવાન શ્રીકૃષ્ણ ગોપીઓ સાથે રાસ રમે છે અને શરદ પૂનમની રાતે શ્રીકૃષ્ણ મહારાસ રચે છે. આ કારણે રાતના સમયે નિધિવન દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવે છે. કોઈપણ વ્યક્તિને નિધિવનમાં રાતે રોકાવાની મંજૂરી આપવામાં આવતી નથી.

શરદ પૂનમની રાતે ભગવાન સત્યનારાયણની કથા સાંભળો-
દરેક મહિનાની પૂર્ણિમાએ ભગવાન સત્યનારાયણની કથા સાંભળવાની પરંપરા છે. ભગવાન સત્યનારાયણ વિષ્ણુજીનું જ એક સ્વરૂપ છે. તેમની કથા સાંભળવાનો અર્થ એ છે કે આપણે આપણાં જીવનમાં ક્યારેય અસત્યનો સાથ આપવો જોઈએ નહીં અને ક્યારેય ભગવાનના પ્રસાદનો અનાદર કરવો જોઈએ નહીં. પૂર્ણિમાએ કથા સાંભળો અને સત્ય બોલવાનો સંકલ્પ કરો.

શરદ પૂર્ણિમાની રાતે ચંદ્રના પ્રકાશમાં ખીર બનાવો-
શરદ પૂર્ણિમા ઋતુ પરિવર્તનનો સમય છે. આ સમય વર્ષા ઋતુ પૂર્ણ થવા અને ઠંડીની શરૂઆતનો છે. આ દિવસથી ઠંડી વધવા લાગશે. શરદ પૂર્ણિમાએ રાતે ખીરનું સેવન કરવાનું મહત્ત્વ એ છે કે હવે ઠંડી શરૂ થઈ ગઈ છે અને આપણાં શરીરને ગરમી અને ઊર્જા આપતી વસ્તુઓનું સેવન કરવું જોઈએ. ખીરમાં દૂધ, ચોખા, સૂકા મેવા વગેરે પૌષ્ટિક વસ્તુઓ મિક્સ કરવામાં આવે છે, જે શરીર માટે ફાયદો આપે છે. આ વસ્તુઓના કારણે શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છે અને આપણે સિઝનલ બીમારીઓથી બચી શકીએ છીએ.