જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જ્યારે પણ શનિ ગ્રહ રાશિ બદલે છે તો તેનાથી બધી રાશિના લોકો પ્રભાવિત થાય છે. આ વખતે 17 જાન્યુઆરીએ શનિએ રાશિ બદલીને મકરમાંથી કુંભમાં પ્રવેશ કર્યો છે. શનિદેવના પ્રકોપથી બચવા માટે લોકો વિશેષ પૂજા અને મંદિરોમાં દર્શન કરવા જાય છે. દેશમાં શનિદેવના અનેક પ્રસિદ્ધ મંદિરો છે, આમાંથી જ એક છે અક્ષયપુરીશ્વર મંદિર. આ મંદિર તમિલનાડુના પેરાવોરાનીની પાસે તંજાવુરના વિલનકુલમમાં આવેલું છે. આ મંદિર સાથે શનિદેવ સાથે જોડાયેલી અનેક માન્યતાઓ પ્રચલિત છે.
પત્નીઓ સાથે થાય છે શનિદેવની પૂજા
આમ તો દેશમાં શનિદેવના અનેક પ્રાચીન મંદિર છે, પરંતુ એકમાત્ર આ મંદિરમાં સનિદેવની પૂજા તેમની પત્નીઓની સાથે કરવામાં આવે છે. ધર્મ ગ્રંથોમાં શનિદેવની પત્નીઓના નામ મંદા અને જ્યેષ્ઠા બતાવવામાં આવ્યાં છે. શનિદેવને અહીં આદિ બૃહદ શનેશ્વર કહેવામાં આવે છે. જે લોકોનો જન્મ સાડાસાતી દરમિયાન થયો હોય છે, એ લોકો વિશેષ કરીને અહીં દર્શન અને પૂજા કરવા આવે છે. એવી માન્યતા છે કે અહીં દર્શન કરવાથી સાડાસાતીમાં જન્મેલાં લોકો પર શનિની કૃપા થાય છે. આ મંદિરમાં 8 વાર 8 વસ્તુઓની સાથે પૂજા કરીને ડાબેથી જમણી તરફ 8 વાર પરિક્રમા પણ કરવામાં આવે છે.
અહીં મળ્યાં હતા શનિદેવના પગને સારા થવાના આશીર્વાદ
આ મંદિર સાથે એક પૌરાણિક કથા પણ જોડાયેલી છે. તે પ્રમાણે એક સમયે અહીં અનેક બિલીના ઝાડ હતાં. તમિલમાં વિલમનો અર્થ બિલી અને કુલમનો અર્થ ઝૂંડ થાય છે. અર્થાત્ અહીં કોઈ સમયે અનેક બિલીવૃક્ષ હોવાને કારણે આ જગ્યાનું નામ વિલમકુલમ પડ્યું. એકવાર આ વૃક્ષના થડમાં શનિદેવનો પગ ફસાઈ ગયો અને તેઓ અહીં પડી ગયાં હતાં. જેના કારણે તેમનો પગ ઘાયલ થયો હતો. જ્યારે શનિદેવે શિવજીની તપસ્યા કરી અને શિવ પ્રગટ થયા તો મહાદેવને તેમને લગ્ન થવાના અને પગ ઠીક થવાના આશીર્વાદ આપ્યાં હતાં.
700 વર્ષ જૂનો છે મંદિરનો ઈતિહાસ
શનિદેવના આ પ્રચીન મંદિરનો ઈતિહાસ લગભગ 700 વર્ષ જૂનો બતાવવામાં આવ્યો છે. કહેવામાં આવે છે કે આ મંદિરનું નિર્માણ ચોલ રાજા પરાક્ર પંડુયાન દ્વારા 1335 થી 1365 દરમિયાન કરવામાં આવ્યું હતું. આ મંદિરના મુખ્ય દેવતા શિવ છે, જેમને અક્ષયપુરીશ્વર કહેવામાં આવે છે. દેવી પાર્વતીની પૂજા અહીં અભિવૃદ્ધિ નાયકીના રૂપમાં કરવામાં આવે છે. આ મંદિરનું પ્રાંગણ ખૂબ જ મોટું છે અને અહીં નાના-મોટા અનેક મંડપ પણ છે. મંદિરનો સૌથી ખાસ ભાગ કોટરીનુમા સ્થાન છે, જ્યાં સૂર્યનો પ્રકાશ નથી પહોંચી શકતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.