ધર્મ જ્ઞાન:આજથી 6 સપ્ટેમ્બર સુધી શ્રાવણ મહિનો રહેશે, આ મહિનામાં શું કરવું અને શું નહીં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સ્કંદપુરાણ પ્રમાણે શ્રાવણ મહિનામાં નાહવાના પાણીમાં બીલીપાન રાખીને સ્નાન કરવું જોઇએ

ગુજરાતી કેલેન્ડરના આઠમાં મહિનાનું નામ શ્રાવણ છે. આ મહિનો અષાઢ પછી અને ભારદવા પહેલાં આવે છે. આ મહિનાથી વર્ષા ઋતુની શરૂઆત થાય છે. કાશીના જ્યોતિષાચાર્ય અને ધર્મના જાણકાર પં. ગણેશ મિશ્રાના કહેવા પ્રમાણે હિંદુ પંચાંગમાં બધા જ મહિનાનું નામ નક્ષત્રો ઉપર આધારિત છે. દરેક મહિનાની પૂનમે જે નક્ષત્રમાં ચંદ્ર હોય છે તે મહિનાનું નામ તે નક્ષત્રના આધારે રાખવામાં આવ્યું છે. શ્રાવણ નામ પણ શ્રવણ નક્ષત્રને આધારિત છે. શ્રાવણ મહિનાની પૂનમે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં રહે છે. એટલે પ્રાચીન જ્યોતિષીઓએ આ મહિનાનું નામ શ્રાવણ રાખ્યું છે. શ્રાવણ મહિનાની પૂનમ તિથિએ શ્રવણ નક્ષત્રના સંયોગમાં રક્ષાબંધન પર્વ ઊજવવામાં આવે છે.

આ મહિનાના દેવતા શુક્ર છે અને ભગવાન શિવ સાથે આ મહિનામાં ભગવાન વિષ્ણુના શ્રીધર સ્વરૂપની પૂજા કરવી જોઇએ. એટલે શ્રાવણ મહિનામાં તેમની જ પૂજા અને વ્રત કરવાનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. આ મહિનામાં ભગવાન શિવ, વિષ્ણુ અને શુક્રની ઉપાસના દરમિયાન થોડાં નિયમોનું પણ ધ્યાન રાખવું જોઇએ. આ મહિનામાં પાનવાળા શાકભાજી ખાવા જોઇએ નહીં. સાત્વિક ભોજન કરવું જોઇએ. માંસાહાક અને દરેક પ્રકારના નશાથી દૂર રહેવું જોઇએ. આ મહિનામાં વધારે મસાલેદાર ભોજન કરવાથી બચવું જોઇએ. સાથે જ, બ્રહ્મચર્યના નિયમોનું પાલન કરવું જોઇએ. શ્રાવણ મહિનામાં ભગવાન શિવ સાથે વિષ્ણુજીનો અભિષેક પણ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. શ્રાવણમાં શુક્ર અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી દાંપત્ય સુખ વધે છે.

સ્કંદપુરાણ પ્રમાણે શું કરવું-
સ્કંદપુરાણ પ્રમાણે શ્રાવણ મહિનામાં એક જ સમયે ભોજન કરવું જોઇએ. સાથે જ, પાણીમાં બીલીપાન કે આંબળા રાખીને સ્નાન કરવું જોઇએ. આવું કરવાથી જાણ્યા-અજાણ્યા થયેલાં પાપ દૂર થઇ જાય છે. આ મહિના દરમિયાન ભગવાન વિષ્ણુનો વાસ જળમાં હોય છે. એટલે આ મહિનામાં તીર્થના જળથી સ્નાન કરવાનું ખૂબ જ મહત્ત્વ છે. મંદિરોમાં અથવા સંતોને કપડાનું દાન કરવું જોઇએ. સાથે જ, ચાંદીના વાસણમાં દૂધ, દહી કે પંચામૃતનું દાન કરો. તાંબાના વાસણમાં અનાજ, ફળ અથવા અન્ય ભોજનની વસ્તુઓ રાખીને દાન કરવું જોઇએ.