આજે આસો મહિનાની પૂનમ છે. આજે રાતે ચંદ્ર 16 કળાઓ ખીલેલો રહેશે. શરદ પૂનમની રાતે ચંદ્ર પૂજા અને ચાંદીના વાસણમાં દૂધ-પૌંઆને ચંદ્રના પ્રકાશમાં રાખવાની પરંપરા છે. ધાર્મિક અને વ્યવહારિક મહત્ત્વ હોવાની સાથે જ સ્વાસ્થ્યની દૃષ્ટિએ આયુર્વેદમાં પણ આ પરંપરાને ખાસ જણાવવામાં આવે છે.
શરદ પૂનમનું વ્યવહારિક મહત્ત્વ
9 દિવસ સુધી વ્રત-ઉપવાસ અને નિયમ-સંયમ સાથે રહીને શક્તિ પૂજા કરવામાં આવે છે. જેથી શારીરિક અને માનસિક રૂપથી મજબૂતી મળે છે. શક્તિ એકઠી કર્યા પછી તે ઊર્જાને શરીરમાં સંચાર કરવા અને તેને અમૃત બનાવવા માટે શરદ પૂનમ ઊજવવામાં આવે છે. આ પર્વમાં ચંદ્ર પોતાની 16 કળાઓ સાથે અમૃત વર્ષા કરે છે. આ સમયે ચંદ્રની પૂજા કરવામાં આવે છે. ત્યાર બાદ તેના કિરણોના અમૃતને દૂધ-પૌંઆ દ્વારા શરીરમાં ઉતારવામાં આવે છે.
આસો મહિનાની પૂનમ જ કેમ
આસો મહિનાની પૂનમે ચંદ્ર અશ્વિની નક્ષત્રમાં રહે છે. આ નક્ષત્રના સ્વામી અશ્વિની કુમાર છે. વેદ અને પુરાણોમાં અશ્વિની કુમારને દેવતાઓના ડોક્ટર જણાવવામાં આવે છે. એટલે તેમના દ્વારા જ દેવતાઓને સોમ અને અમૃત મળે છે. જ્યારે તેમના જ નક્ષત્રમાં ચંદ્ર 16 કળાઓ સાથે રહે છે ત્યારે દરેક પ્રકારની બીમારીઓ દૂર કરે છે. આ સ્થિતિ વર્ષમાં માત્ર એક જ વાર શરદ ઋતુ દરમિયાન બને છે. એટલે શરદ પૂનમ પર્વ ઊજવવામાં આવે છે. જેના કારણે આ પૂર્ણિમાને રોગથી છુટકારો અપાવનારી પણ કહેવામાં આવે છે.
દૂધ-પૌંઆ શા માટે
બીએચયૂના પ્રો. રામનારાયણ દ્વિવેદીના જણાવ્યા પ્રમાણે દૂધ-પૌંઆ એટલાં માટે બનાવવામાં આવે છે કેમ કે, ગ્રંથોમાં જણાવેલ પાંચ અમૃતમાંથી પહેલું દૂધ છે. જ્યોતિષ ગ્રંથોમાં પણ જણાવવામાં આવ્યું છે કે, દૂધ ઉપર ચંદ્રનો ખાસ પ્રભાવ હોય છે. ચંદ્ર દોષ દૂર કરવા માટે દૂધનું દાન કરવામાં આવે છે. ત્યાં જ, ઠંડીની ઋતુમાં આપણે દૂધ-પૌંઆ ખાવા જોઇએ, કેમ કે, આ જ વસ્તુઓ દ્વારા ઠંડીમાં શક્તિ મળે છે. તેમાં દૂધ ઉપરાંત ચોખાના પૌંઆ, સૂકા મેવા વગેરે પૌષ્ટિક વસ્તુઓ ઉમેરવામાં આવે છે. જે શરીર માટે ફાયદાકારક હોય છે. આ વસ્તુઓના કારણે શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છે. સ્વાસ્થ્ય સારું રહે છે. આ જ કારણ છે કે, રાતે લોકો પોતાના ઘરની અગાસીમાં ખીર બનાવે છે. દૂધ-પૌંઆ ઉપર ચંદ્રનાં કિરણો પડે છે. જેનું સેવન કરવામાં આવે છે.
ચાંદીના વાસણનો ઉપયોગ શા માટે
વારણસી આયુર્વેદિક હોસ્પિટલના ડોક્ટર અધિકારી વૈદ્ય પ્રશાંત મિશ્ર જણાવે છે કે, ચાંદીના વાસણ ભોજનની વસ્તુઓને કીટાણુઓથી બચાવીને રાખવામાં કારગર હોય છે. ચાંદીના વાસણમાં પાણી, દૂધ અથવા કોઇ અન્ય તરલ પદાર્થ રાખવાથી તેની શુદ્ધતા વધી જાય છે. સાથે જ, ચાંદી શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા પણ વધારે છે.
રાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થાના ડો. અજય સાહૂ અને ડો. હરીશ ભાકુનીના જણાવ્યા પ્રમાણે આ ધાતુ 100 ટકા બેક્ટેરિયા ફ્રી હોય છે એટલે ઇન્ફેક્શનથી પણ બચાવે છે. તેમના પ્રમાણે ચાંદીના વાસણમાં ભોજન કરવાથી કોઇપણ પ્રકારના સાઇડ ઇફેક્ટ થતાં નથી. તે દરેક પ્રકારે સ્વાસ્થ્ય માટે સારું હોય છે. એટલે દરેક પ્રકારના સંક્રમણથી બચવા માટે શરદ પૂર્ણિમાના દિવસે ચાંદીના વાસણનો ઉપયોગ કરવામાં આવે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.