ઉત્તરાખંડમાં ચાર ધામમાંથી એક બદ્રીનાથના કપાટ આજે બંધ થઈ જશે. 235 વર્ષ પછી પહેલીવાર એવું બની રહ્યું છે કે કપાટ બંધ થતી સમયે જ્યોતિષ પીઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજ હાજર રહેશે. કપાટ બંધ થતી સમયે જ્યોતિષ પીઠના શંકરાચાર્યની હાજરીની પરંપરા એકવાર ફરી લગભગ 235 વર્ષ પછી શરૂ થઈ રહી છે.
જ્યોતિષ પીઠના નવનિયુક્ત શંકરાચાર્ય અવિમુક્તેશ્વરનંદ સરસ્વતી મહારાજના જણાવ્યા પ્રમાણે શ્રી બદ્રીનાથ ધામના કપાટ બંધ થતી સમયે તેઓ ત્યાં હાજર રહેશે. શ્રી બદ્રીનાથ ધામના કપાટ 19 નવેમ્બરે એટલે આજે બપોરે 3.35 કલાકે બંધ થશે.
કેદારનાથ ધામના કપાટ પહેલાં જ બંધ થઈ ગયાં છે
શ્રીબદ્રીનાથ ધામ પહેલાં જ શ્રી કેદારનાથ ધામના કપાટ બંધ થઈ ગયાં છે. શ્રી કેદારનાથ ધામના કપાટ 27 ઓક્ટોબર 2022ના રોજ સવારે 8. 30 કલાકે બંધ થઈ ગયાં હતાં. આ સિવાય શ્રી ગંગોત્રી ધામના કપાટ 26 ઓક્ટોબર બપોરે 12.01 મિનિટે અને શ્રી યમુનોત્રી ધામના કપાટ 27 ઓક્ટોબરે બપોરે અભિજીત મુહૂર્તમાં બંધ થઈ ગયાં હતાં.
06 મહિના સુધી કપાટ ખુલ્લા રહે છે
ચાર ધામના મુખ્ય મંદિરોના કપાટ માત્ર 06 મહિના માટે ખોલવામાં આવે છે. આ ધામના કપાટ ગરમીની શરૂઆતના સમયે એપ્રિલના અંત કે મેની શરૂઆતમાં ખોલવામાં આવે છે અને તેમને નવેમ્બરમાં બંધ કરી દેવામાં આવે છે. નવેમ્બરના સમયે પહાડો ઉપર બરફવર્ષા થવાના કારણે તેના કપાટ બંધ કરી દેવામાં આવે છે. શિયાળાના સમયે કપાટ બંધ રહે છે.
ચાર ધામમાં બદ્રીનાથ મુખ્ય છે
બદ્રીનાથ ધામ ચાર ધામમાંથી એક મુખ્ય ધામ છે. જે ઉત્તરાખંડના ચામોલી જિલ્લામાં અલકનંદા નદીના કિનારે સ્થિત છે. બદ્રીનાથ ધામમાં ભગવાન વિષ્ણુનો વાસ છે, જ્યાં તેમનું વિશાળ મંદિર બનેલું છે. ધાર્મિક માન્યતા પ્રમાણે ભગવાન નારાયણે સ્વયં બદ્રીનાથ ધામની સ્થાપના કરી હતી, જ્યાં ભગવાન વિષ્ણુ વિશ્રામ કરે છે. જે વ્યક્તિ કેદારનાથ ધામના દર્શન કર્યા પછી બદ્રીનાથ ધામમાં ભગવાન વિષ્ણુની પૂજા-અર્ચના કરે છે, તેમના બધા જ પાપ દૂર થઈ જાય છે અને મૃત્યુ પછી તેને મોક્ષ મળી જાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.