દુનિયાનું સૌથી મોટું મંદિર:તમિલનાડુનું રંગનાથ સ્વામી મંદિર, આ મંદિરનો મુખ્ય દ્વાર દક્ષિણ ભારતમાં સૌથી ઊંચો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

આર રામકુમાર, શ્રીરંગમ

તમિલનાડુમાં કાવેરી અને કાલીદામ નદીની વચ્ચે ટાપૂ ઉપર બનેલું શ્રી રંગનાથ સ્વામી મંદિર દુનિયાનું સૌથી મોટું પૂજનીય મંદિર છે અને તેમાં વિષ્ણુ, રામ, કૃષ્ણ અને લક્ષ્મી બધા હાજર છે. તેનો વિસ્તાર 155 એકરમાં છે. જોકે, કંબોડિયાના અંકોરવાટને પણ સૌથી મોટું મંદિર કહેવામાં આવે છે. આ મંદિર 400 એકરમાં ફેલાયેલું છે, પરંતુ તેને ટૂરિઝમ પ્લેસ તરીકે જ ઓળખવામાં આવે છે. ત્યાં ધાર્મિક આયોજન કે પૂજાપાઠ થતાં નથી. રંગનાથ સ્વામી મંદિરમાં હાલમાં જ દિવાળી પહેલાંનો ખાસ ઓંજલ ઉત્સવ ઊજવવામાં આવ્યો છે.

માન્યતા છે કે કે વિષ્ણુ અહીં રામજી સ્વરૂપમાં વિરાજિત છે. તેમને પેરૂમલ અને અજાગિયા મનાવલન પણ કહેવામાં આવે છે. જેનો અર્થ ‘અમારા ભગવાન’ અને ‘સુંદર વર’ થાય છે. લક્ષ્મીજી અહીં રંગનાયકી તરીકે ઓળખવામાં આવે છે. મંદિરમાં સૌથી મોટો ઉત્સવ કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે થાય છે. શક્યતા છે કે આટલાં દેવતાઓના મેલના કારણે દક્ષિણ ભારતમાં આ મંદિરનો દ્વાર સૌથી ઊંચો છે, જે 237 ફૂટનો છે.

મંદિરના પૂજારી પાર્થસારથી જણાવે છે કે મુખ્ય મંદિરને રંગનાથ સ્વામી મંદિર કહેવામાં આવે છે, જે ભગવાનનો શયન કક્ષ છે. આ મંદિરમાં વિષ્ણુની પ્રતિમા શયન મુદ્રામાં છે. સાથે જ વિષ્ણુજીની ઊભી મૂર્તિ, કૃષ્ણ, લક્ષ્મી, સરસ્વતી, શ્રીરામ, નરસિહ્માના વિવિધ સ્વરૂપ અને વૈષ્ણવ સંતોની પ્રતિમાઓ પણ છે. મંદિરનું નિર્માણ 9મી સદીમાં ગંગ રાજવંશ સમયગાળા દરમિયાન થયું હતું. 16મી અને 17મી સદીમાં પણ અનેક નિર્માણ કાર્ય કરવામાં આવ્યાં.

રંગનાથ સ્વામી મંદિરમાં દિવાળી પહેલાં મોટો ઉત્સવ ઊજવવામાં આવે છે. કારતક મહિનાના વદ પક્ષની બીજથી એકાદશી સુધી નવ દિવસનો પર્વ ચાલે છે. આ પર્વને ઓંજલ ઉત્સવ કહેવામાં આવે છે. શ્રીરંગનાથસ્વામીની પ્રતિમાને પાલકીમાં બેસાડીને શોભાયાત્રા કાઢવામાં આવે છે. વૈદિક મંત્રો અને તમિળ ગીતોથી દુર્ઘટનાઓ અને દોષને દૂર કરવાની પ્રાર્થના કરવામાં આવે છે. વર્ષમાં એકવાર રંગનાથ શ્રીરંગમના રાજા બને છે. ડિસેમ્બર-જાન્યુઆરી મહિનામાં 21 દિવસનો ઉત્સવ હોય છે. આ દરમિયાન રંગનાથજીને એક દિવસ માટે રાજા બનાવવામાં આવે છે. તે દિવસે તેમને રંગરાજન તરીકે ઓળખવામાં આવે છે. મંદિર પરિસરમાં વિવિધ દેવી-દેવતાઓના 80 પૂજા સ્થળ છે. દિવાલો ઉપર માત્ર તમિલ જ નહીં, સંસ્કૃત, તેલુગુ, મરાઠી, ઓડિયા અને કન્નડ ભાષામાં 800થી વધારે શિલાલેખ કોતરાયેલાં છે. જેની લિપિ તમિલ અને ગ્રંથ છે. ગ્રંથ લિપિનો ઉપયોગ તમિલ અને મલયાલમ ભાષાશાસ્ત્રી છઠ્ઠી સદીથી જ સંસ્કૃત લખવા માટે કરતા રહ્યા છે.

આ મહિને એકાદશી સુધી ઊજવવામાં આવતું ઓંજલ પર્વમાં રંગનાથસ્વામીની શોભાયાત્રા કાઢવામાં આવી છે- ફોટો- સંદીપ નાગ
આ મહિને એકાદશી સુધી ઊજવવામાં આવતું ઓંજલ પર્વમાં રંગનાથસ્વામીની શોભાયાત્રા કાઢવામાં આવી છે- ફોટો- સંદીપ નાગ

શ્રીરામ અહીં વિભીષણ સામે વિષ્ણુ સ્વરૂપમાં પ્રગટ થયા હતાં-
લોકવાયકા પ્રમાણે ત્રેતાયુગમાં ભગવાન રામજીએ અહીં લાંબા સમય સુધી આરાધના કરી હતી. લંકા વિજય પછી જ્યારે તેઓ પાછા ફર્યા ત્યારે આ મંદિર તેમણે વિભીષણને સોંપી દીધું. વિભીષણ સામે ભગવાન રામ આ સ્થાને વિષ્ણુ સ્વરૂપમાં પ્રગટ થયા અને કહ્યું કે તેઓ અહીં રંગનાથ સ્વરૂપમાં નિવાસ કરશે અને લક્ષ્મી રંગનાયકી તરીકે રહેશે.

રંગનાથ સ્વામી શ્રીરંગનાયકીને મળવા જાય છે-
પરિસરમાં બીજું મોટું મંદિર રંગનાયકીનું છે, જેને શ્રીરંગ નાચિયાર પણ કહેવામાં આવે છે. જેનું એક નામ પાડી થંડા પથિની પણ છે, જેનો શાબ્દિક અર્થ તે સ્ત્રી જે ક્યારેય પોતાના ઘરની ઉંબરાથી બહાર જતી નથી. મંદિરમાં મોટા ધાર્મિક ઉત્સવોમાં રંગનાથ સ્વામીની પ્રતિમાને તેમની પત્ની રંગ નાચિયારના મંદિરમાં લાવવામાં આવે છે. મંદિરના અનેક મોટા ઉત્સવ અને પૂજા રંગનાયકીના મંદિરમાં થાય છે. પરંપરાગત રીતે અન્ય મંદિરોમાં વિષ્ણુ અથવા પેરૂમલની પૂજામાં લક્ષ્મીના શ્રીદેવી અને ભૂદેવી સ્વરૂપો સાથે થાય છે. પરંતુ આ મંદિરમાં રંગનાયકી મુખ્ય છે. એટલે જ્યારે પણ પૂજા થાય છે, વિષ્ણુ સાથે રંગનાયકી હોય છે, શ્રીદેવી અને ભૂદેવી પાછળ વિરાજમાન રહે છે.

અહીં ગૌતમ ઋષિને રંગનાથજીએ દર્શન આપ્યાં હતાં-
માન્યતા છે કે ગોદાવરી કિનારે ગૌતમ ઋષિનો આશ્રમ હતો. તેમણે ગોદાવરી નદીને દેવલોક બોલાવી હતી. પછી ગૌ હત્યાના આરોપમાં ગૌતમ ઋષિએ તે આશ્રમ છોડવું પડ્યું હતું. તેમણે શ્રીરંગમ આવીને ભગવાન વિષ્ણુની તપસ્યા કરી. ઉલ્લેખનીય છે કે ભગવાન વિષ્ણુએ પ્રસન્ન થઈને રંગનાથ સ્વામી તરીકે તેમને અહીં દર્શન આપ્યાં હતાં. પછી અહીં મંદિરનું નિર્માણ થયું, જે આજે વિશાળ પરિસરમાં બદલાઈ ગયું છે. મંદિર એટલું મોટું છે કે આખો દિવસ અહીં વિતાવી શકાય છે.