દ્રૌપદીએ શ્રીકૃષ્ણની આંગળી ઉપર પાટો બાંધ્યો હતો:જ્યારે કોઈ આપણી મદદ કરે ત્યારે તેને યાદ રાખો અને જ્યારે તે વ્યક્તિને મદદની જરૂરિયાત હોય તો પીછે હટ ન કરો

4 દિવસ પહેલા
  • કૉપી લિંક

આ વર્ષે શ્રાવણ મહિનાની પૂનમ બે દિવસ રહેશે. પંચાંગ ભેદના કારણે થોડાં લોકો 11 ઓગસ્ટના તો થોડા લોકો 12 ઓગસ્ટના રોજ રક્ષાબંધન પર્વ ઉજવશે. રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવામાં આવે છે. રાખડી બાંધવાના સંદર્ભમાં શ્રીકૃષ્ણ અને દ્રૌપદીની એક કથા પ્રચલિત છે.

મહાભારતના સમયની ઘટના છે. પાંડવોના મોટા ભાઈ યુધિષ્ઠિર રાજસૂય યજ્ઞ કરી રહ્યા હતાં. યજ્ઞમાં શ્રીકૃષ્ણને અને કૌરવોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. શિશુપાલ ત્યાં પહોંચ્યો હતો. શિશુપાલ શ્રીકૃષ્ણને તક મળે ત્યારે અપમાનિત કરતો હતો. શિશુપાલની માતા શ્રીકૃષ્ણની ફોઈ હતી. તેમણે પોતાની ફોઈને વરદાન આપ્યું હતું કે તેઓ શિશુપાલની 100 ભૂલ માફ કરશે. આ વરદાનના કારણે શ્રીકૃષ્ણ શિશુપાલની અપમાનજનક વાતોનો જવાબ આપતાં નહીં.

રાજસૂય યજ્ઞમાં શ્રીકૃષ્ણનું સન્માન જોઈને શિશુપાલને ગુસ્સો આવી ગયો. તેણે આખી સભામાં શ્રીકૃષ્ણનું અપમાન કર્યું. પાંડવોએ શિશુપાલને રોકવાની ખૂબ જ કોશિશ કરી, પરંતુ તે ચૂપ જ થયો નહીં.

શ્રીકૃષ્ણ મૌન હતાં અને તેમની ભૂલ ગણી રહ્યા હતાં. જેમ શિશુપાલની સો ભૂલ પૂર્ણ થઈ ગઈ, શ્રીકૃષ્ણએ તેને છેલ્લી તક આપી અને કહ્યું કે હવે એક પણ ભૂલ કરશો નહીં, તમારી સો ભૂલ થઈ ગઈ છે.

શિશુપાલ અહંકારી હતો. શ્રીકૃષ્ણના સાવધાન કર્યા પછી પણ તે અટક્યો નહીં અને ફરી કૃષ્ણને અપમાનજનક વાતો કહીં. શ્રીકૃષ્ણએ તરત જ પોતાનાં સુદર્શન ચક્ર દ્વારા શિશુપાલનું માથું ધડથી અલગ કરી દીધું અને સુદર્શન ચક્ર પાછું શ્રીકૃષ્ણની આંગળી ઉપર આવી ગયું. તે સમયે ચક્રના કારણે ભગવાનની આંગળી ઉપર ઈજા થઈ અનો લોહી વહેવા લાગ્યું.

દ્રૌપદીએ શ્રીકૃષ્ણની આંગળીથી વહેતાં લોહીને જોયું ત્યારે તરત જ પોતાની સાડીમાંથી એક ટુકડો ફાડ્યો અને શ્રીકૃષ્ણની આંગળી ઉપર લપેટી દીધો. સાડીના ફાટેલા ટુકડામાં નવસો નવ્વાણું તાંતણા હતા. તે પછી શ્રીકૃષ્ણએ દ્રૌપદીને વરદાન આપ્યું હતું કે તેઓ સમય આવશે ત્યારે આ સાડીના ટુકડામાં જેટલાં તાંતણા છે તેટલું જ ઉધાર ચૂકવશે.

શિશુપાલ વધના થોડા સમય પછી યુધિષ્ઠિર અને કૌરવોની વચ્ચે જુગાર રમવામાં આવ્યો. જેમાં યુધિષ્ઠિર દ્રૌપદીને હારી ગયો. દુર્યોધનના આદેશથી દુઃશાસન ભરી સભામાં દ્રૌપદીને લઇ આવ્યો અને ચીરહરણ કર્યું ત્યારે કૃષ્ણએ નવસો નવ્વાણું ચીર પૂર્યા. અર્થાત, એક તાંતણાનાં બદલામાં એક સાડી મળી. આમ નવસો નવ્વાણું સાડી દ્રૌપદીનાં દેહ ઉપર વીંટળાયેલી રહી.

કથાનો બોધપાઠ
આ કથાનો બોધપાઠ એ છે કે જો કોઈ વ્યક્તિ આપણી મદદ કરે છે ત્યારે આપણે તેમનો ઉપકાર ભૂલવો જોઈએ નહીં. જો મદદ કરનાર વ્યક્તિને ક્યારેય આપણી જરૂરિયાત હોય તો આપણે તેમની મદદ કરવામાં પીછે હટ કરવી જોઈએ નહીં.