હિંદુ કેલેન્ડર પ્રમાણે ભાદરવા મહિનાના સુદ પક્ષની આઠમ તિથિએ દેવી રાધાનો જન્મોત્સવ ઊજવવામાં આવે છે. આ દિવસે રાધાષ્ટમી પર્વ ઊજવાય છે. આ પર્વ ભગવાન કૃષ્ણના જન્મના 15 દિવસ પછી આવે છે. આ વર્ષે આ પર્વ 14 સપ્ટેમ્બરના રોજ ઊજવવામાં આવશે. રાધાષ્ટમીએ મથુરા જિલ્લાના બરસાના ગામમાં રાધાજીની વિશેષ પૂજા કરવામાં આવે છે. બરસાનામાં એક પહાડ ઉપર રાધાજીનું સુંદર મંદિર છે. જેને રાધારાણી મહેલ પણ કહેવામાં આવે છે. રાધાષ્ટમીના દિવસે રાધાજીના મંદિરને ફૂલ અને ફળથી સજાવવામાં આવે છે. ભક્ત મંગળ ગીત ગાય છે અને એકબીજાને વધામણી આપે છે.
બરસાના રાધાજીનું જન્મ સ્થળ તરીકે પ્રસિદ્ધ છે. આ એક પહાડીની નીચે આવેલું છે. નર્મદાપુરમ (હોશંગાબાદ)ના ભાગવત કથાકાર પં. હર્ષિત કૃષ્ણ બાજપાયના જણાવ્યાં પ્રમાણે, ગ્રંથોમાં બરસાનાનું પ્રાચીન નામ બ્રહત્સાનુ, બ્રહમસાનુ અને વૃષભાનુપુર ઉલ્લેખવામાં આવે છે. રાધાજીનો જન્મ યમુનાના કિનારે રાવલ ગામમાં થયો હતો. અહીં રાધાજીનું મંદિર પણ છે. પરંતુ રાજા વૃષભાનુ બરસાનામાં જઇને રહેવાં લાગ્યાં હતાં. રાધાજીની માતાનું નામ કિર્તિદા અને તેમના પિતા વૃષભાનુ હતાં. બરસાનામાં રાધાજીને પ્રેમથી લાડલીજી કહેવામાં આવે છે.
રાધાષ્ટમીએ સૌથી પહેલાં ભોગ મોરને ખવડાવવામાં આવે છે. લાડલીજીના મંદિરમાં રાધાષ્ટમીનો તહેવાર ધૂમધામથી ઉજવવામાં આવે છે. રાધાષ્ટમી પર્વ બરસાના વાસીઓ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. રાધાષ્ટમીના દિવસે રાધાજીના મંદિરને ફૂલો અને ફળથી સજાવવામાં આવે છે. રાધાજીને લાડવા અને છપ્પન વ્યંજનોનો ભોગ ધરાવવામાં આવે છે અને તે ભોગ સૌથી પહેલાં મોરને ખવડાવવામાં આવે છે. મોરને રાધા-કૃષ્ણનું સ્વરૂપ માનવામાં આવે છે. અન્ય પ્રસાદને શ્રદ્ધાળુઓમાં વહેંચવામાં આવે છે. આ અવસરે રાધારાણી મંદિરમાં શ્રદ્ધાળુઓ વધામણી આપે છે અને ગીત ગાઇને રાધાષ્ટમીનો તહેવાર ઊજવે છે.
250 મીટર ઊંચા પહાડ ઉપર બનેલું રાધાજીનું આ પ્રાચીન મંદિર મધ્યકાલીન છે, જે લાલ અને પીળા પત્થરોથી બનેલું છે. રાધા-કૃષ્ણને સમર્પિત આ ભવ્ય અને સુંદર મંદિરનું નિર્માણ રાજા વીરસિંહે 1675 ઈસવીમાં કરાવ્યું હતું. ત્યાર બાદ સ્થાનિક લોકો દ્વારા પત્થરોને આ મંદિરમાં લગાવવામાં આવ્યાં હતાં. રાધા-રાણીનું આ સુંદર અને મનમોહક મંદિર લગભગ 250 મીટર ઊંચા પહાડ ઉપર બનેલું છે અને આ મંદિરમાં જવા માટે દાદરા ચઢવા પડે છે. રાધા શ્રીકૃષ્ણની આહ્લાદિની શક્તિ તથા નિકુંજેશ્વરી માનવામાં આવે છે. એટલે રાધા કિશોરીના ઉપાસકોનું આ અતિપ્રિય તીર્થ છે.
શ્યામ અને ગૌરવર્ણના પત્થરો બરસાનાની પુણ્ય સ્થળ મનને પ્રસન્ન કરે તેવું છે. તેના પહાડોના પત્થર હળવા કાળા અને સફેદ બંને પ્રકારના રંગોના છે. જેમને અહીંના નિવાસી કૃષ્ણ તથા રાધાના અમર પ્રેમનું પ્રતીક માને છે. બરસાનાથી 4 માઇલ દૂર નંદગામ છે, જ્યાં શ્રીકૃષ્ણના પિતા નંદજીનું ઘર હતું. બરસાના-નંદગામના રસ્તામાં સંકેત નામનું એક સ્થાન છે. એવું માનવામાં આવે છે કે અહીં કૃષ્ણ અને રાધા પહેલીવાર મળ્યાં હતાં. અહીં ભાદરવા સુદ આઠમથી ચૌદશ સુધી ખૂબ જ સુંદર મેળો યોજાય છે. આ પ્રકારે ફાગણ સુદ આઠમ, નોમ તથા દસમના રોજ આકર્ષક લીલા થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.