ઉપાસના:13 જાન્યુઆરીએ એકાદશી અને ગુરુવારનો યોગ, આ દિવસે બાલ ગોપાલ સાથે જ ગુરુ ગ્રહની ખાસ પૂજા કરો

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુરુવાર, 13 જાન્યુઆરીએ પોષ મહિનાના સુદ પક્ષની એકાદશી છે. જેને પુત્રદા એકાદશી કહેવામાં આવે છે, આ દિવસે ખાસ કરીને સંતાનના સુખ અને સ્વસ્થ જીવનની કામના સાથે વ્રત-ઉપવાસ કરવામાં આવે છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે વર્ષભરની બધી જ એકાદશીઓનું મહત્ત્વ સ્કંદ પુરાણ અને વૈષ્ણવ ખંડમાં એકાદશી મહાત્મ્ય અધ્યાયમાં ઉલ્લેખવામાં આવ્યું છે. એકાદશીએ વિષ્ણુજી માટે વ્રત કરવામાં આવે છે, ખાસ પૂજા પણ કરવામાં આવે છે. પુત્રદા એકાદશીએ બાલ ગોપાલ અને ગુરુ ગ્રહ માટે ખાસ પૂજાપાઠ કરવા જોઈએ.

બાલ ગોપાલની પૂજા આ રીતે કરી શકાય છે

  • એકાદશીએ સવારે જલ્દી જાગવું અને સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવું. ઘરના મંદિરમાં સૌથી પહેલાં ગણેશજીની પૂજા કરો. ગણેશજીને સ્નાન કરાવો. વસ્ત્ર, હાર-ફૂલ ચઢાવો. ભોગ ધરાવો અને ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો. ગણેશ પૂજા પછી બાલ ગોપાલની પૂજા શરૂ કરો.
  • બાલ ગોપાલને પંચામૃતથી અને પછી શુદ્ધ જળથી સ્નાન કરાવો. વસ્ત્ર હાર-ફૂલ અને ઘરેણા અર્પણ કરો. ફળ, મીઠાઈ, જનોઈ, નારિયેળ, પંચામૃત, દક્ષિણા વગેરે પૂજન સામગ્રી ચઢાવો. તુલસીના પાન રાખીને માખણ-મિશ્રીનો ભોગ ધરાવો. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો.
  • પૂજામાં કૃં કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ 108 વાર કરો. પૂજામાં થયેલી અજાણી ભૂલ માટે માફી માગો. તેના પછી અન્ય ભક્તોને પ્રસાદ વહેંચો અને તમે પણ લો.
  • ગુરુવાર અને એકાદશીના યોગમાં દેવગુરુ બૃહસ્પતિની પણ પૂજા કરવી જોઈએ. ગુરુ ગ્રહની પૂજા શિવલિંગ સ્વરૂપમાં કરવામાં આવે છે, એટલે શિવલિંગ ઉપર પીળા ફૂલ ચઢાવો, ભગવાનને ચણાના લોટના લાડવાનો ભોગ ધરાવો. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો.