વ્રત અને પર્વ:18 સપ્ટેમ્બરથી પુરુષોત્તમ મહિનો શરૂ થશે, આ મહિને કરેલાં ધાર્મિક કાર્યોનું 10 ગણું ફળ મળે છે

2 વર્ષ પહેલા
  • અધિકમાસ દરમિયાન રોજિંદા કામ અને નવી વસ્તુઓની ખરીદારી ઉપર પ્રતિબંધ હોતો નથી

વિશ્વકર્મા પૂજાના બીજા જ દિવસ એટલે 18 સપ્ટેમ્બરથી પુરુષોત્તમ મહિનો શરૂ થઇ જશે. માન્યતા છે કે, આ દરમિયાન કરેલાં ધાર્મિક કાર્યોનું કોઇપણ અન્ય મહિનામાં કરેલાં પૂજા-પાઠથી 10 ગણું વધારે ફળ મળે છે. હકીકતમાં દર ત્રણ વર્ષમાં એકવાર એક વધારે મહિનો આવે છે. જેને અધિકમાસ, મળમાસ કે પુરુષોત્તમ મહિનાના નામે ઓળખવામાં આવે છે. પં. ગણેશ મિશ્રના જણાવ્યાં પ્રમાણે 18 સપ્ટેમ્બરથી 16 ઓક્ટોબર સુધી પુરુષોત્તમ મહિનો રહેશે.

ભારતીય હિંદુ કેલેન્ડર સૂર્ય માસ અને ચંદ્ર માસની ગણતરી પ્રમાણે ચાલે છે. અધિકમાસ ચંદ્ર વર્ષનો એક વધારે ભાગ છે, જે દર 32 મહિના, 16 દિવસ અને 10 કલાકના અંતરે આવે છે. તે સૂર્ય અને ચંદ્ર વચ્ચેના અંતરને સંતુલિત કરવા માટે હોય છે. ભારતીય ગણના પદ્ધતિ પ્રમાણે દર સૂર્ય વર્ષ 365 દિવસ અને લગભગ 6 કલાકનું હોય છે, ત્યાં જ ચંદ્ર વર્ષ 354 દિવસોનું માનવામાં આવે છે. બંને વર્ષ વચ્ચે લગભગ 11 દિવસનું અંતર હોય છે, જે દર ત્રણ વર્ષમાં લગભગ 1 મહિના બરાબર થઇ જાય છે. આ અંતરને દૂર કરવા માટે દર ત્રણ વર્ષમાં એક ચંદ્ર માસ આવે છે, જેને અધિકમાસનું નામ આપવામાં આવ્યું છે.

કુંડળી દોષોનું નિરાકરણ થાય છેઃ-
અધિકમાસમાં બધા ધાર્મિક કૃત્યો, ચિંતન-મનન, ધ્યાન, યોગ વગેરેના માધ્યમથી સાધક પોતાના શરીરમાં સમાયેલ પાંચ તત્વોમાં સંતુલન સ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે. એવી માન્યતા છે કે, આ દરમિયાન કરેલાં પ્રયાસોથી કુંડળીના બધા દોષનું નિરાકરણ થઇ જાય છે.

વિષ્ણુ મંત્રોનો જાપ લાભકારીઃ-
પુરાણો પ્રમાણે આ મહિના દરમિયાન યજ્ઞ-હવન સિવાય શ્રીમદ દેવી ભાગવત, શ્રી ભાગવત પુરાણ, શ્રી વિષ્ણુ પુરાણ, ભવિષ્યોત્તર પુરાણ વગેરે સાંભળવા, વાંચવા અને મનન કરવા ફળદાયી રહે છે. અધિકમાસના અધિષ્ઠાતા ભગવાન વિષ્ણુ છે, એટલે આ સંપૂર્ણ સમયમાં વિષ્ણુ મંત્રોનો જાપ વિશેષ લાભકારી હોય છે. એવું માનવામાં આવે છે કે, અધિકમાસમાં વિષ્ણુ મંત્રનો જાપ કરનાર સાધકોને ભગવાન વિષ્ણુ સ્વયં આશીર્વાદ આપે છે.

વિષ્ણુજી અધિપતિ કેવી રીતે બન્યાંઃ-
પૌરાણિક કથા પ્રમાણે મળ હોવાના કારણે કોઇ આ મહિનાનું સ્વામી થવા માંગતું નહોતું, ત્યારે આ માસે ભગવાન વિષ્ણુએ પોતાના ઉદ્ધાર અંગે પ્રાર્થના કરી ત્યારે સ્વયં ભગવાને તેને પોતાનું શ્રેષ્ઠ નામ પુરુષોત્તમ પ્રદાન કર્યું. સાથે જ, આશીર્વાદ આપ્યાં કે, જે આ મહિનામાં ભાગવત કથા સાંભળશે, મનન કરશે, ભગવાન શંકરની પૂજા કરશે, ધાર્મિક અનુષ્ઠાન કરશે, દાન કરશે તેને અક્ષય ફળ પ્રદાન થશે. આ મહિનામાં કરેલું દાન-પુણ્ય પણ અક્ષય ફળ આપનાર રહેશે.

બધા જ પવિત્ર કામ વર્જિત રહે છેઃ-
આ મહિના દરમિયાન હિંદુ ધર્મના વિશિષ્ટ વ્યક્તિગત સંસ્કાર જેમ કે, નામકરણ, જનોઈ, લગ્ન અને સામાન્ય ધાર્મિક સંસ્કાર જેમ કે ગૃહ પ્રવેશ કરવામાં આવતો નથી. જોકે, જે કાર્ય નિયમિત રીતે થઇ રહ્યા હોય તેને કરવામાં કોઇ બંધન કે દબાણ નથી. નવી વસ્તુઓની ખરીદી આ મહિનામાં કરી શકાય છે. ગયામાં શ્રાદ્ધ પણ આ દરમિયાન કરી શકાય છે.