14 જૂનના રોજ જેઠ મહિનાની પૂનમ છે. સ્કંદ અને ભવિષ્ય પુરાણ પ્રમાણે આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ પર્વ છે. આ પર્વમાં તીર્થ સ્નાન, દાન અને વ્રત કરવાનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. આ બધાના પ્રભાવથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. દરેક પ્રકારના પાપ અને દોષ દૂર થઈ જાય છે. સાથે જ પુણ્ય ફળ મળે છે. આ પૂર્ણિમાએ ભગવાન શિવ-પાર્વતી, વિષ્ણુજી અને વડના ઝાડની પૂજા કરવાનું ખાસ મહત્ત્વ છે. એટલે જેઠ મહિનાની પૂનમને ધર્મગ્રંથોમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
પિતૃઓ તૃપ્ત થાય છે
જેઠ મહિનાની પૂનમ તિથિએ તીર્થ સ્નાન સાથે જ તર્પણ અને શ્રદ્ધા પ્રમાણે અનાજ તથા જળ દાન કરવામાં આવે છે. આવું કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે. જેઠ મહિનાની પૂનમ તિથિએ સવારે જલ્દી જાગીને તીર્થ સ્નાન કરવું જોઈએ. તે પછી સૂર્યને અર્ઘ્ય આપીને પિતૃઓની શાંતિ માટે તર્પણ કરવું જોઈએ. તે પછી બ્રાહ્મણ ભોજન અને જળદાનનો સંકલ્પ લેવો જોઈએ. દિવસમાં અનાજ અને જળનું દાન કરવું જોઈએ. આવું કરવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે અને પરિવારમાં સમૃદ્ધિ આવે છે.
દાંપત્ય સુખ માટે ભગવાન શિવ-પાર્વતીની પૂજા
જેઠ પૂનમના દિવસે સ્નાન, ધ્યાન અને પુણ્ય કર્મ કરવાનું ખાસ મહત્ત્વ છે. સાથે જ આ દિવસ તે લોકો માટે પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, જેમના લગ્ન થતાં-થતાં અટકી જાય છે અથવા લગ્નજીવનમાં કોઈ પ્રકારના વિઘ્ન આવી રહ્યા હોય છે. જેથી આવા લોકોએ આ દિવસે ભગવાન શિવ-પાર્વતીની પૂજા કરવી જોઈએ. આ પર્વમાં સફેદ કપડા પહેરીને શિવજીનો અભિષેક કરવો જોઈએ. ભગવાન શિવ-પાર્વતીની પૂજા કરવાથી દરેક સમસ્યાઓ દૂર થઈ જાય છે.
સૌભાગ્ય અને પતિની લાંબી ઉંમર માટે વટ પૂજા
સ્કંદ અને ભવિષ્ય પુરાણમાં આ દિવસે વડના ઝાડની પૂજા કરવાનું વિધાન છે. આ દિવસે મહિલાઓ શ્રૃંગાર કરીને પતિની લાંબી ઉંમરની કામના સાથે વડના ઝાડની પૂજા કરે છે. આ દિવસે વડની પૂજા સાથે સત્યવાન અને સાવિત્રીની કથા પણ સાંભળવામાં આવે છે. ગ્રંથો પ્રમાણે સાવિત્રીના પતિવ્રતા તપને જોઈને આ દિવસે યમરાજે તેના પતિ સત્યવાનના પ્રાણ પાછા આપીને તેને જીવનદાન આપ્યું હતું.
જેઠ પૂનમનું મહત્ત્વ
સ્કંદ અને ભવિષ્ય પુરાણ સિવાય અન્ય ગ્રંથોમાં પણ જેઠ મહિનાની પૂનમને ખૂબ જ ખાસ જણાવવામાં આવે છે. મોટાભાગે આ દિવસે શ્રદ્ધાળુઓ ગંગા જળ લઇને અમરનાથ યાત્રા માટે રવાના થાય છે. જેઠ મહિનામાં ગરમી ખૂબ જ વધારે હોય છે એટલે ઋષિઓએ પૂનમના દિવસે અનાજ અને જળના દાનનું વિધાન જણાવ્યું છે. પૂનમ તિથિએ તીર્થ સ્નાન અને જળની પૂજાનું પણ ખાસ મહત્ત્વ છે. જેથી ઋષિ-મુનીઓએ બોધપાઠ આપ્યો છે કે જળના મહત્ત્વને ઓળખો અને તેનો સદુપયોગ કરો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.