કારતક મહિનાના સુદ પક્ષની પાંચમ તિથિને સૌભાગ્ય પંચમી કહેવામાં આવે છે. આ તિથિ સુખ અને સમૃદ્ધિ વધારે છે. આ દિવસે શિવજીની પૂજાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને પરિવારમાં સુખ-શાંતિ આવે છે. ગણેશજીની પૂજા કરવાથી બધી જ પરેશાનીઓનો નાશ થાય છે. કારોબારમાં સમૃદ્ધિ અને પ્રગતિ આવે છે. તેનાથી સુખ-શાંતિ અને ખુશહાલ જીવનની ઇચ્છાઓ પૂર્ણ કરવાની તક મળે છે.
પાંચમ તિથિનો ક્ષય
દિવાળી પછી નવું વર્ષ શરૂ થઈ જાય છે. પરંતુ વેપાર-ધંધાના મુહૂર્ત કરવા અને સોદા માટે લાભ પાંચમનો દિવસ સર્વોત્તમ ગણાય છે. આ વખતે કારતક સુદ પાંચમ તિથિનો ક્ષય થયો છે. જેથી વેપારીઓ માટે સાતમ તિથિએ પેઢી ખોલવાનું શ્રેષ્ઠ મુહૂર્ત રહેશે.
ઇચ્છાપૂર્તિનું પર્વ
સૌભાગ્ય પંચમી શુભ અને લાભની કામના સાથે ભગવાન ગણેશને યાદ કરવામાં આવે છે. તેને ઇચ્છા પૂર્તિનું પર્વ પણ કહેવામાં આવે છે. થોડી જગ્યાઓએ દિવાળીથી નવા વર્ષની શરૂઆત થઈ જાય છે અને સૌભાગ્ય પંચમીએ વેપાર તથા કારોબારમાં ઉન્નતિ અને વિસ્તાર માટે આ દિવસને ખૂબ જ શુભ માનવામાં આવે છે.
પૂજા વિધિ
ધંધાનાં સ્થળે પૂજાના સ્થાને સૌ પ્રથમ ગણેશજીની, કુળદેવીની તસવીરને શુદ્ધ પાણીથી સફાઈ કરી અબીલ ગુલાલ કંકુનો ચાંદલો કરી અક્ષત ચોડી ને હાર પહેરાવીને આસોપાલવનું તોરણ બાંધી શ્રીફળ વધેરીને સાથોસાથ મિક્સ મીઠાઈ માતાજીને અર્પણ કરી નવા ધંધાનું શુભ મુહૂર્ત કરી આરતી કરીને ત્યાર બાદ તિજોરીનું પૂજન, કાંટાનું પૂજન, ધનભંડાર પૂજન તથા ચોપડામાં મીતી દોરવી અને ખરીદ-વેચાણના સોદા નોંધવા. પાંચમ તિથિનો ક્ષય હોવાથી સોમવારે સાતમ તિથિથી ધંધાની શરૂઆત કરવાથી વેપાર-વ્યવસાયમાં વધુ બરકત બની રહેશે તે માટે સત્યનારાયણની કથા કરાવવાની પરંપરા રહેલી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.