પ્રદોષ વ્રત:સોમવારે શિવ-શક્તિની પૂજા કરવી, લાંબી ઉંમર અને સારા સ્વાસ્થ્ય માટે પ્રદોષ વ્રત કરવું
- શિવપુરાણ અને સ્કંદ પુરાણ પ્રમાણે પ્રદોષ વ્રત કરવાથી દરેક પ્રકારની મુશ્કેલીઓ દૂર થાય છે
ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે પ્રદોષ વ્રત કરવામાં આવે છે. સોમવાર 24 મેના રોજ તેરસ તિથિ હોવાથી સોમ પ્રદોષનો સંયોગ બની રહ્યો છે. અઠવાડિયાના અલગ-અલગ દિવસ પ્રદોષ વ્રતનો સંયોગ બનવાથી તેનું મહત્ત્વ અનેકગણું વધી જાય છે. સોમવાર શિવજીનો દિવસ હોવાથી આ વ્રત વધારે મહત્ત્વપૂર્ણ થઇ ગયું છે. શિવ પુરાણ અને સ્કંદ પુરાણ પ્રમાણે પ્રદોષ વ્રત કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે. આ પુરાણોમાં આ વ્રતને મનોકામના પૂર્ણ કરનાર ઉલ્લેખવામાં આવ્યું છે.
પ્રદોષનું મહત્ત્વઃ-
હિંદુ ધર્મ પ્રમાણે, પ્રદોષ વ્રત કળિયુગમાં અતિ મંગળકારી અને શિવ કૃપા પ્રદાન કરનાર છે. દરેક મહિનાની તેરસ તિથિમાં સાયં કાળને પ્રદોષ કાળ કહેવામાં આવે છે. આ વ્રત રાખવાથી દરેક પ્રકારના દોષ દૂર થાય છે. એટલાં માટે જ તેને પ્રદોષ કહેવામાં આવે છે. આ વ્રત રાખવાથી બે ગાયના દાન કરવા જેટલું પુણ્ય મળે છે. શાસ્ત્ર પ્રમાણે આ વ્રત કરવાથી ભગવાન શિવ સાથે માતા પાર્વતીની પણ કૃપા પ્રાપ્ત થાય છે.
દરેક મહિનાની તેરસ તિથિમાં સાયં કાળને પ્રદોષ કાળ કહેવામાં આવે છે
પ્રદોષ વ્રત અને પૂજાની વિધિઃ-
- પ્રદોષ વ્રતમાં ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. આ વ્રત નિર્જલ એટલે પાણી વિના કરવામાં આવે છે. આ વ્રતની વિશેષ પૂજા સાંજે કરવામાં આવે છે. સાંજે સૂર્યના અસ્ત થતાં પહેલાં એકવાર સ્નાન કરી લેવું જોઇએ. સાફ સફેદ રંગના કપડા પહેરીને પૂર્વ દિશામાં મોં કરી ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા કરવામાં આવે છે. પૂજાની તૈયારી કર્યા બાદ ઉત્તર-પૂર્વ દિશા તરફ મોં રાખીને ભગવાન શિવની ઉપાસના કરવી જોઇએ.
- પ્રદોષ વ્રત કરવા માટે તેરસ તિથિના દિવસે સૂર્ય ઉદય પહેલાં જ જાગવું.
- ત્યાર બાદ સ્નાન કરીને ભગવાન શિવની પૂજા કરીને આખો દિવસ વ્રતનો સંકલ્પ લેવો જોઇએ.
- આખો દિવસ ઉપવાસ કર્યા બાદ સૂર્ય અસ્ત થતાં પહેલાં સ્નાન કરીને સફેદ કપડાં પહેરવા.
- જ્યાં પૂજા કરવાની હોય તે જગ્યાને ગંગાજળ અને ગાયના ગોબરથી લીપીને મંડપ તૈયાર કરો.
- મંડપમાં પાંચ રંગની રંગોળી બનાવો અને પૂજા કરવા માટે કુશના આસનનો ઉપયોગ કરો
- સૌથી પહેલાં ભગવાન ગણેશની પૂજા કરો
- માટીથી શિવલિંગ બનાવો અને તેની વિધિવત પૂજા કરો
- ભગવાન શિવ સાથે માતા પાર્વતીની પણ પૂજા કરો
- ભગવાન શિવ-પાર્વતીની પૂજા બાદ ધૂપ-દીપ પ્રગટાવો
- શિવજીની પ્રતિમાને જળ, દૂધ, પંચામૃતથી સ્નાન કરાવો. બીલીપાન, ફૂલ, પૂજા સામગ્રીથી પૂજા કરીને ભોગ ધરાવો.
- ભગવાન શિવની પૂજામાં બીલીપાન, ધતૂરો, ફૂલ, મીઠાઈ, ફળનો ઉપયોગ કરો.
- ભગવાન શિવને લાલ રંગના ફૂલ ચઢાવવા નહીં.
- પૂજામાં ભગવાન શિવના મંત્ર ૐ નમઃ શિવાયનો જાપ કરીને શિવજી ઉપર જળ અભિષેક કરવો જોઇએ.
- ત્યાર બાદ કથા અને પછી આરતી કરો.
- પૂજાના પૂર્ણ થયા પછી માટીના શિવલિંગને વિસર્જિત કરી દો.