સોમવાર, 3 જાન્યુઆરીના રોજ પોષ મહિનો શરૂ થઈ રહ્યો છે, આ મહિનો 1 ફેબ્રુઆરી સુધી રહેશે. આ મહિનામાં સૂર્ય પૂજા કરવાનું ખાસ મહત્ત્વ છે. પોષ મહિનામાં સૂર્ય પૂજાનું ખાસ પર્વ મકર સંક્રાંતિ પણ ઊજવવામાં આવે છે. આ મહિનામાં પવિત્ર નદીઓમાં સ્નાન કર્યા પછી દાન-પુણ્ય કરવાની પરંપરા છે. આ સમયગાળામાં તલ-ગોળનું દાન કરો અને સેવન કરો.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે સૂર્યદેવ નવ ગ્રહોના અધિપતિ છે અને બધા ગ્રહ સૂર્યની પરિક્રમા કરે છે. આ ગ્રહ હાલ ધન રાશિમાં છે, એટલે ખરમાસ ચાલી રહ્યો છે. 14 જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે અને ખરમાસ પૂર્ણ થઈ જશે. ખરમાસમાં માંગલિક કામ કરવા માટે મુહૂર્ત હોતા નથી.
પોષ મહિનામાં રોજ સવારે જલ્દી જાગવું જોઈએ
હાલ ઠંડીની ઋતુ ચાલી રહી છે અને પોષ મહિનામાં ઠંડીનો પ્રભાવ ખૂબ જ વધી જાય છે, ઘણાં લોકો આ કારણે સવારે મોડા સુધી સૂવે છે, પરંતુ આ મહિનામાં સવારે જલ્દી જાગવું જોઈએ અને સ્નાન પછી સૂર્યને જળ ચઢાવવું જોઈએ. આ દિવસોમાં સવારે જલ્દી જાગીને અને સૂર્ય પૂજા કરવાથી ધર્મલાભ સાથે જ સ્વાસ્થ્ય લાભ પણ મળે છે.
ભોજનમાં તલ-ગોળ સામેલ કરો અને દાન કરો
ઠંડીના દિવસોમાં શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા વધારવા માટે અને શરીરને ઠંડીથી બચાવવા માટે તલગોળનું સેવન કરવાની પરંપરા છે. તલ અને ગોળની તાસીર ગરમ હોય છે જે આપણાં શરીરને ગરમી આપે છે. તલ-ગોળની આ વિશેષતાને ધ્યાનમાં રાખીને પોષ મહિનામાં તેનું સેવન ખાસ કરીને કરવામાં આવે છે.
પોષ મહિનામાં આ વસ્તુઓનું દાન કરો
પોષ મહિનામાં તલ-ગોળનું દાન કરવાનું ખાસ મહત્ત્વ છે. તેની સાથે જ આ મહિને ગરમ કપડા, ધાબળાનું દાન કરવું જોઈએ. કોઈ ગૌશાળામાં ગાયની દેખરેખ માટે ધનનું દાન કરો. કોઈ મંદિરમાં તાંબાના લોટાનું અને પૂજન સામગ્રીનું દાન પણ કરી શકો છો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.