માગશર મહિનાની અમાસ 12 અને 13 જાન્યુઆરી બે દિવસ ઊજવવામાં આવશે. 12મીએ બપોરે અમાસ તિથિ શરૂ થવાથી આ દિવસે પિતૃઓ માટે શ્રાદ્ધ અને દાન કરવું શુભ રહેશે. અમાસના સ્વામી પિતૃઓ માનવામા આવે છે. એટલે પિતૃઓની શાંતિ માટે આ દિવસે તર્પણ અને શ્રાદ્ધ કરવામાં આવે છે. તેના પછીના દિવસે સૂર્યોદય સમયે અમાસ તિથિ હોવાથી 13 જાન્યુઆરીએ સવારે જલ્દી તીર્થ સ્નાન અને દાન કરવાથી અનંત ગણુ પુણ્ય ફળ મળશે. ત્યાં જ માગશર મહિનામાં સૂર્યદેવની ઉપાસના પણ વિશેષ રૂપથી કરવામાં આવે છે. એટલે માનવામાં આવે છે કે માગશર મહિનાની અમાસ તિથિએ ઉગતા સૂર્યને જળ ચઢાવવાથી દરેક પ્રકારની શારીરિક પરેશાનીઓ દૂર થાય છે.
ભોમ અમાસનો સંયોગઃ-
જ્યોતિષના સંહિતા સ્કંધ પ્રમાણે, શુભ દિવસોમાં આવતી અમાસ શુભફળ આપનારી હોય છે. ત્યાં જ, મંગળવારે અમાસ હોવાથી આ દિવસ સિદ્ધિદાયક માનવામાં આવે છે. પં. મિશ્રના જણાવ્યા પ્રમાણે મંગળવારે આવતી અમાસના દિવસે પિતૃઓની વિશેષ પૂજા કરવામાં આવે તો પરિવારના રોગ, શોક અને દોષ દૂર થાય છે. મંગળવારે અમાસ હોવાથી આ દિવસે મંગળ દોષથી બચવા માટે વ્રત અને પૂજા કરવામાં આવે છે.
માગશર અમાસના દિવસે સ્નાન, દાન અને વ્રતઃ-
આ દિવસે સવારે જલ્દી જાગીને તીર્થમાં કે પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઇએ. શક્યતા હોય તો પાણીમાં ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરવું જોઇે. માગશર અમાસના દિવસે પિતૃઓને તર્પણ કરવાનું વિશેષ મહત્ત્વ છે. એટલે પવિત્ર નદી, જળાશય કે કુંડમાં સ્નાન કરીને સૂર્યદેવને અર્ઘ્ય આપો અને તે પછી પિતૃઓનું તર્પણ કરો.
માગશર અમાસના દિવસે સવારે જલ્દી જાગીને તાંબાના વાસણમાં શુદ્ધ જળ, લાલ ચંદન અને લાલ રંગના ફૂલ રાખીને સૂર્યદેવને અર્ઘ્ય આપવું જોઇએ. તે પછી પીપળાના વૃક્ષનું પૂજન કરવું જોઇએ અને તુલસીના છોડની પરિક્રમા કરવી જોઇએ. આ દિવસે પિતૃઓની શાંતિ માટે ઉપવાસ કરવો જોઇએ અને જરૂરિયાતમંદ લોકોને દાન-દક્ષિણા આપવી જોઇએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.