જ્યારે કોઈ વ્યક્તિ આપણી પાસે પોતાની શંકાઓ લઈને આવે તો આપણે સૌથી પહેલાં તેની વાતોને ધ્યાનથી સાંભળવી જોઈએ. ત્યારબાદ તેને એવી રીતે સમજાવો કે તેની બધી શંકાઓ દૂર થઈ જાય. આ વાત શુકદેવ અને રાજા પરીક્ષિતની કથાથી સમજી શકાય છે.
મહાભારતની કથા છે. પાંડવોના ગયા પછી પરીક્ષિત રાજા બન્યો હતો. તેનો રાજપાઠ સારી રીતે ચાલી રહ્યો હતો, ત્યારે તેને એક શ્રાપ મળ્યો કે સાત દિવસ પછી તક્ષક નાગ તેને કરડી જશે. શ્રાપને લીધે એ નક્કી થઈ ગયું હતું કે સાત દિવસ પછી પરીક્ષિતનું મૃત્યુ થવાનું છે.
શ્રાપને લીધે પરીક્ષિતના મનમાં અનેક પ્રકારના વિચારો ચાલી રહ્યાં હતાં. અનેક શંકાઓ હતી. તેણે વિચાર્યું કે છેલ્લા સાત દિવસ શુકદેવજી પાસે ભાગવત કથા સાંભળવી જોઈએ. રાજા તરત જ શુકદેવજી પાસે પહોંચી ગયો.
શુકદેવજીને કથા સંભળાવવાનું શરુ કર્યું, જ્યારે શ્રીકૃષ્ણના જન્મનો પ્રસંગ આવવાનો હતો, ત્યારે પરીક્ષિતે શુકદેવજીને રોકીને વચ્ચે જ પૂછી નાખ્યું કે શ્રીકૃષ્ણ ગોપીઓ સાથે રાસલીલા કરે છે, મટુકી તોડે છે, ક્યારેક જ્ઞાન આપે છે. શ્રીકૃષ્ણનું આવું વ્યક્તિત્વ શા માટે છે?
આ પ્રશ્ન સાંભળીને શુકદેવજી સમજી ગયા કે પરીક્ષિત શ્રીકૃષ્ણને લઈને ભ્રમિત છે. ત્યારબાદ તેમને શ્રીકૃષ્ણની કથા રોકીને પહેલાં શ્રીરામની કથા સંભળાવી.
શ્રીરામ અને શ્રીકૃષ્ણ બંને ભગવાન વિષ્ણુના જ અવતાર હતા, પરંતુ બંનેના સ્વભાવ એકદમ અલગ હતાં. શ્રીરામની કથા સાંભળ્યા પછી પરીક્ષિતને સમજાઈ ગયું કે શ્રીરામના ત્રેતાયુગના સમયે પરિસ્થિતિઓ અલગ હતી અને દ્વાપર યુગમાં શ્રીકૃષ્ણના સમયમાં પરિસ્થિતિઓ અલગ છે. બંને કાળોમાં ભગવાનનો સ્વભાવ એ સમયની પરિસ્થિતિના હિસાબે હતો. શુકદેવજીની કથા સંભળાવવાની રીતથી પરીક્ષિતની બધી શંકાઓ દૂર થઈ ગઈ. રામકથા પછી શ્રીકૃષ્ણની કથા સાંભળી. ભાગવત સાંભળ્યા પછી પરીક્ષિતને જન્મ-મૃત્યુનું રહસ્ય સમજાઈ ગયું અને મૃત્યુનો ભય દૂર થઈ ગયો. શ્રાપ મળ્યા પછી સાતમા દિવસે તક્ષક નાગે પરીક્ષિકને ડંસી લીધો હતો અને તેનું મૃત્યુ થયું હતું.
પ્રસંગનો સંદેશ
આ પ્રસંગનો સંદેશ એ છે કે જ્યારે પણ આપણી પાસે કોઈ વ્યક્તિ પોતાની સમસ્યાઓ લઈને આવે છે તો આપણે તેની વાતોને ધ્યાનથી સાંભળવી જોઈએ. ત્યારબાદ તેને શરૂઆતથી બધી વાતો સમજાવવી જોઈએ, જેનાથી તેની બધી શંકાઓ દૂર થઈ શકે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.