• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Only 2 Muhurats For Ghat Establishment, Pooja Ritual And Things To Be Considered In Pooja, This Time Will Be Norta For 8 Days. Navratri 2021

આજથી નવરાત્રિ શરૂ:ઘટ સ્થાપના માટે માત્ર 2 મુહૂર્ત, પૂજાવિધિ અને પૂજામાં ધ્યાનમાં રાખવામાં આવતી વાતો, આ વખતે નોરતાં 8 દિવસનાં રહેશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બ્રહ્માંડમાં રહેલી શક્તિ તત્ત્વનું કળશમાં આવાહન કરવું જ ઘટ સ્થાપના કહેવાય છે, એમાં ત્રિદેવો સાથે શક્તિનો વાસ થાય છે
  • ડોલીમાં દેવીનું સવાર થઈને આવવું અશુભ, પરંતુ વિદાય સમયે દેવીનું વાહન હાથી રહેશે, જે દેશ માટે શુભ સંકેત
  • નવરાત્રિમાં ખરીદદારી, નવાં કામની શરૂઆત અને રિયલ એસ્ટેટમાં રોકાણ માટે 6 શુભ મુહૂર્ત રહેશે

આજથી શક્તિની આરાધનાનું પર્વ શરૂ થઈ ગયું છે, જે 15 ઓક્ટોબર દશેરાના દિવસે પૂર્ણ થશે. આ વખતે તિથિઓની વધ-ઘટ થવાથી નવરાત્રિ 8 દિવસની જ રહેશે. આ વખતે ગુરુવારથી નવરાત્રિ શરૂ થવાથી દેવી ડોલીમાં બેસીને આવશે અને શુક્રવારે દશેરાના દિવસે વિદાય લેતા સમયે દેવીનું વાહન હાથી રહેશે.

આજે ઘટ સ્થાપના માટે માત્ર 2 જ શુભ મુહૂર્ત રહેશે. આ વર્ષે ચિત્રા નક્ષત્ર અને વૈધૃતિ નામનો અશુભ યોગ આખો દિવસ રહેવાને કારણે આવું થઈ રહ્યું છે. આ અંગે ઉજ્જૈન, પુરી, તિરુપતિ, હરિદ્વાર અને બનારસના વિદ્વાનોના જણાવ્યા પ્રમાણે અભિજિત મુહૂર્તમાં ઘટ સ્થાપના કરવું શુભ રહેશે.

લોક પરંપરા પ્રમાણે, અનેક જગ્યાએ ચોઘડિયા મુહૂર્ત જોઈને કળશ સ્થાપના કરવામાં આવે છે. એના માટે સૂર્યાસ્ત પહેલાં સુધી કુલ 4 મુહૂર્ત રહેશે.
લોક પરંપરા પ્રમાણે, અનેક જગ્યાએ ચોઘડિયા મુહૂર્ત જોઈને કળશ સ્થાપના કરવામાં આવે છે. એના માટે સૂર્યાસ્ત પહેલાં સુધી કુલ 4 મુહૂર્ત રહેશે.

7 શુભ યોગમાં કળશ સ્થાપના-નવરાત્રિની શરૂઆત 7 શુભ યોગમાં થઈ રહી છે. આ દિવસે સૂર્યોદય સમયે કુંડળીમાં મહાલક્ષ્મી, પર્વત, બુધાદિત્ય, શંખ, પારિજાત, ભદ્ર અને કેમુદ્રુમ યોગ રહેશે. આ શુભ યોગમાં શક્તિ પર્વની શરૂઆત થવાને કારણે દેવી પૂજાથી સુખ-સમૃદ્ધિ અને ઉન્નતિ મળશે.

નવરાત્રિમાં 6 શુભ યોગઃ નવરાત્રિમાં 5 દિવસ રવિયોગ રહેશે. ત્યાં જ દશેરાએ વણજોયું મુહૂર્ત રહેશે. આ પ્રકારે 15 ઓક્ટોબર સુધી દરેક પ્રકારની ખરીદદારી, રિયલ એસ્ટેટમાં રોકાણ અને નવાં કામની શરૂઆત માટે 6 દિવસ ખૂબ જ શુભ રહેશે.

કળશ સ્થાપનાઃ બ્રહ્માંડમાં રહેલી શક્તિ તત્ત્વનું આવાહન-
કળશ સ્થાપનાનો અર્થ છે નવરાત્રિ સમયે બ્રહ્માંડમાં સ્થિત શક્તિ તત્ત્વનું ઘટ એટલે કળશમાં આવાહન કરવું. શક્તિ તત્ત્વને કારણે ઘરની નકારાત્મક ઊર્જા નષ્ટ થઈ જાય છે. નવરાત્રિના પહેલા દિવસે પૂજાની શરૂઆત દુર્ગા પૂજા માટે સંકલ્પ લઈને ઈશાન ખૂણામાં કળશ સ્થાપના કરવામાં આવે છે.

કળશ સ્થાપના શા માટે?
1. નવરાત્રિમાં સ્થાપિત કરવામાં આવતો કળશ આસપાસની નકારાત્મક ઊર્જાને દૂર કરે છે.

2. કળશ સ્થાપનાથી ઘરમાં શાંતિ આવે છે. કળશને સુખ અને સમૃદ્ધિ આપનાર માનવામાં આવે છે.

3. ઘરમાં રાખવામાં આવતો કળશ વાતાવરણને ભક્તિમય બનાવે છે. એનાથી પૂજામાં એકાગ્રતા વધે છે.

4. ઘરમાં બીમારીઓ હોય તો કળશ એને દૂર કરવામાં મદદ કરે છે.

5. કળશને ભગવાન ગણેશનું પણ સ્વરૂપ માનવામાં આવે છે, એનાથી કામકાજમાં આવી રહેલાં વિઘ્નો દૂર થાય છે.

પૂજા વિધિ-

  • કળશ ઉપર માતાની મૂર્તિ રાખો. મૂર્તિ ન હોય તો કળશ ઉપર સ્વસ્તિક બનાવીને દેવીના ચિત્રની પૂજા કરો
  • કળશ સ્થાપના પછી નવ દિવસ સુધી પૂજા અને વ્રતનો સંકલ્પ લો અને સૌથી પહેલા ભગવાન ગણેશની પૂજા કરો
  • પછી વરુણ દેવ સાથે જ નવગ્રહ, માતૃકા, લોકપાલ અને પછી દેવી પૂજા શરૂ કરો
  • દેવીપૂજા મહાકાળી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી તરીકે કરવી જોઈએ. પછી દરરોજ શ્રીદુર્ગાસપ્તશતીનો પાઠ કરવો જોઈએ.

આ વાતોનું ધ્યાન રાખો-

  • નવરાત્રિમાં નવ દિવસ સુધી અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે, જે માતા પ્રત્યે અખંડ આસ્થાનું પ્રતીક માનવામાં આવે છે.
  • ઘીનો દીવો માતાજીની જમણી બાજુ અને તેલનો દીવો ડાબી બાજુ રાખવો જોઈએ
  • અખંડ જ્યોત નવ દિવસ સુધી પ્રગટેલી રહેવી જોઈએ. એના માટે એક નાના દીવાનો પણ ઉપયોગ કરી શકાય છે.
  • જ્યારે જ્યોતમાં ઘી ઉમેરવું હોય અથવા દિવેટ ઠીક કરવી હોય તો અખંડ દીવાની જ્યોતથી એક નાનો દીવો પ્રગટાવીને અલગ રાખી લો.
  • દીવો ઠીક કરતી સમયે અખંડ જ્યોત ઓલવાઈ જાય તો નાના દીવાની દિવેટથી ફરીથી પ્રગટાવી શકાય છે. નાના દીવાની જ્યોતને ઘીમાં ડુબોડીને જ ઓલવવી.