પોષ મહિનાની પૂનમ 6 જાન્યુઆરીના રોજ છે. શુક્રવારે સૂર્યોદય પહેલાં જ પૂનમ તિથિ શરૂ થવાથી સ્નાન-દાન, પૂજા-પાઠ અને વ્રત પણ આ દિવસે કરવામાં આવશે. શાસ્ત્રોમાં પોષ પૂનમના દિવસે તીર્થ સ્નાન અને દાન સાથે જ સૂર્યદેવને અર્ઘ્ય આપવાનું ખાસ મહત્ત્વ છે. વિદ્વાનો પ્રમાણે આ મહિને સૂર્યદેવની આરાધના કરવાથી મોક્ષ મળે છે. પોષ મહિનાની પૂનમના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કર્યા પછી સૂર્યદેવને અર્ઘ્ય આપવાની પરંપરા છે. આ દિવસે જરૂરિયાતમંદ લોકોને ભોજનની સામગ્રી અને ઊનના કપડા દાન કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ દૂર થાય છે. ધર્મગ્રંથોમાં આ દિવસને પોષી પૂનમ કહેવામાં આવે છે.
તીર્થ સ્નાન અને સૂર્ય-ચંદ્ર પૂજા
પોષ પૂનમના દિવસે સ્નાન, દાન અને વ્રત કરવાથી પુણ્ય અને મોક્ષ મળે છે. વિદ્વાનોના જણાવ્યા પ્રમાણે આ દિવસે સૂર્ય અને ચંદ્ર બંનેની પૂજા કરવાનું વિધાન છે. સવારે સૂર્યોદય સમયે સૂર્યને અર્ઘ્ય આપવું શુભ માનવામાં આવે છે. જ્યારે સાંજે ચંદ્રોદય પછી ચંદ્રને અર્ઘ્ય આપીને પૂજા કરીને વ્રત ખોલવું જોઈએ.
સૂર્ય પૂજાઃ આ પર્વ પોષ મહિનાના સુદ પક્ષ છેલ્લો દિવસ હોય છે. પોષ મહિનાના દેવતા ભગવાન સૂર્ય છે. એટલે આ મહિને સવારે જલ્દી જાગીને ભગવાન સૂર્યને જળ ચઢાવવું જોઈએ. ઉત્તરાયણના લીધે આ દિવસે ઉગતા સૂર્યને અર્ઘ્ય આપવાથી ઉંમર વધે છે અને બીમારીઓ દૂર થાય છે.
ચંદ્ર પૂજાઃ સૂર્યના ઉત્તરાયણ થયા પછી આ પહેલી પૂનમ છે. પુરાણોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે ઉત્તરાયણ પછી પહેલી પૂનમે ચંદ્રની 16 કળાઓથી અમૃત વર્ષા થાય છે, સાથે જ આ દિવસે ચંદ્રને આપવામાં આવતું અર્ઘ્ય પિતૃઓ સુધી પહોંચે છે. જેનાથી પિતૃ સંતુષ્ટ થાય છે. પોષી પૂનમના દિવસે ચંદ્ર પોતાની જ રાશિ એટલે કર્કમાં હોય છે. એટલે તેનો પ્રભાવ વધી જાય છે. વિદ્વાનો પ્રમાણે નિરોગી રહેવા માટે આ દિવસે ઔષધીઓને ચંદ્રના પ્રકાશમાં રાખીને બીજા દિવસે સવારે સેવન કરવું જોઈએ. આવું કરવાથી બીમારીઓમાં રાહત મળવા લાગે છે.
નદીઓમાં સ્નાન કરવાનું મહત્ત્વ
ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે પોષી પૂનમના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી મોક્ષ મળે છે તો સાથે જ અનેક પ્રકારના પાપમાંથી મુક્તિ મળે છે. આ દિવસે તીર્થમાં લોકો એકઠા થાય છે. પરંતુ વિદ્વાનો પ્રમાણે મહામારીના લીધે ઘરના પાણીમાં જ ગંગાજળના થોડા ટીપા મિક્સ કરીને સ્નાન કરવાથી તીર્થ સ્નાનનું પુણ્ય મળે છે. આ દિવસે પ્રયાગરાજમાં સંગમ સિવાય હરિદ્વાર અને ગંગા સાગરમાં ડુબકી મારવાથી ખૂબ જ પુણ્ય મળે છે.
પૂર્ણિમા વ્રત અને પૂજા વિધિ
1. પૂનમના દિવસે સાધકે આખો દિવસ ઉપવાસ કરવો
2. સાંજે સત્યનારાયણ કથા વાંચવી કે સાંભળવી.
3. પૂજા દરમિયાન સૌથી પહેલાં ગણેશજી, કળશ અને નવગ્રહ સહિત કુળદેવી-દેવતાઓની પૂજા કરો.
4. આ ઉપરાંત સત્યનારાયણ ભગવાનનું પૂજન કરો.
5. ભોગ તરીકે ભગવાનને પંચામૃત, પાન, તલ, નાડાછડી, કંકુ, ફળ, ફૂલ, પંચગવ્ય, સોપારી, દૂર્વા વગેરે અર્પણ કરો. તેનાથી સત્યનારાયણ દેવ પ્રસન્ન થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.