ગણેશોત્સવ:શુક્રવારે બ્રહ્મ અને રવિયોગમાં વહેલી સવારે ભગવાન ગણેશની સ્થાપના સાથે પૂજા કરવામાં આવશે

એક વર્ષ પહેલા
  • ગણેશપુરાણ, બ્રહ્મવૈવર્તપુરાણ, શિવપુરાણ આધારિત ભાદરવા સુદ ચોથના શુભ દિવસે ગણેશજીનો જન્મ થયો હતો
  • ગણેશજયંતીના પાવન પર્વે બાર રાશિવાળા જાતકો રાશિ પ્રમાણે ગણપતિ પૂજા કરવી

ભાદરવા સુદ ચોથ એટલે ગણેશજયંતીનો પાવન અને પવિત્ર, મંગળ અને શુભ દિવસ. વિશ્વના કોઈપણ ખૂણે વસતો ભારતીય આજે પણ શુભ કાર્યના પ્રારંભે જેનું સ્મરણ કરે એવા સર્વ વિઘ્નોના નાશક ભગવાન ગણેશજીની જન્મજયંતી એટલે ગણેશચોથ 10 સપ્ટેમ્બરના રોજ ઊજવવામાં આવશે. આ દિવસે બ્રહ્મ અને રવિયોગમાં ભગવાન ગણેશજીની સ્થાપના સાથે પૂજા કરવામાં આવશે. શિવપુરણમાં રુદ્રસંહિતાના અધ્યાય 13માં જણાવ્યા મુજબ, એક સવારે માતા પાર્વતીએ પોતાના શરીર પર લગાવેલું ઉબટન (સ્નાન પહેલાનું સુગંધી દ્રવ્ય)માંથી એક શિશુની મૂર્તિ બનાવી અને એમાં પ્રાણ રેડ્યા, જેનું નામ તેમણે વિનાયક પાડ્યું. રિદ્ધિ અને સિદ્ધિએ તેમની બે પત્નીઓ અને તેમનાથી ઉત્પન્ન થયેલાં બે બાળકો એટલે લાભ અને શુભ. આમ, આખો પરિવાર બન્યો. વિઘ્નવિનાશક, રિદ્ધિ, સિદ્ધિ, લાભ અને શુભ.

દોઢ દિવસથી લઈને 3, 5, 7, 11 દિવસ સુધી સતત ગણેશજીની સ્થાપના કરવાનું મહત્ત્વ-
જાણીતા જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યાનુસાર ગણેશપુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ, શિવપુરાણ આધારિત આવા શુભ દિવસે ગણેશજીનો જન્મ થયો હતો. એનું જ્યોતિષશાસ્ત્ર તથા આધ્યાત્મિક રીતે વિશેષ મહત્ત્વ રહેલું છે. કોઈપણ શુભ કાર્ય કરતાં પહેલાં ગણેશજીની સ્તૃતિ વંદના કરવામાં આવે છે. ગણેશ ઉત્સવના પહેલા દિવસે ગણેશજીની સ્થાપના વિધિવત્ કરવામાં આવશે, સાથે શ્રદ્ધા, ભાવભક્તિપૂર્વક તેમની પૂજા-અર્ચના કરવામાં આવશે. અંતે, ગણેશ વિસર્જન કરવામાં આવે છે, શ્રદ્ધાળુ ભક્તો પોતાની શક્તિ અને ભક્તિ અનુસાર ગણેશજીની સ્થાપના કરે છે. દોઢ દિવસથી લઈને કોઈ 3, 5, 7, 11 દિવસ સુધી સતત ગણેશજીની સ્થાપના કરતા હોય છે. ગણેશજીની પૂજામાં લાલ વસ્ત્ર, અબીલ, ગુલાલ, કંકુ, નાડાછડી, જનોઈ તેમ જ જાસૂદના ફૂલ પધરાવીને શુદ્ધ દીવો અને અગરબત્તી પ્રગટાવીને ગોળ કે મોદકનો પ્રસાદ વહેંચી ગણેશ સ્થાપના થાય છે. ત્યાર બાદ પૂજામાં ગણેશનાવલી, ગણેશ સ્તોત્ર, અથર્વશીષના પાઠ પણ કરી શકાય છે. તમામ માંગલિક કાર્યોમાં સૌપ્રથમ ગણેશજીની પૂજા વંદના થાય છે. લગ્ન પ્રસંગ હોય કે વાસ્તુ હોય ત્યારે દીવાલમાં ગણેશજીનું ચિત્ર દોરી કે તેમની તસવીર દીવાલ પર લગાવી પૂજા કરાય છે, જેને માતૃકા પૂજન કહે છે. ત્યાર બાદ પૂજાવિધિ કરી શકાય છે.

માણસના જીવનને બધી જ સમૃદ્ધિઓ આપે એ ભગવાન સિદ્ધિવિનાયક-
ભાવનગરના શ્રીધર પંચાંગવાળા જ્યોતિષાચાર્ય કિશનભાઈ જી. જોશીના જણાવ્યા પ્રમાણે, લિંગ સ્વરૂપે પણ ગણેશજીની પૂજા કરી શકાય છે, માટે પૂજામાં સોપારી સ્વરૂપમાં ગણપતિજીની સ્થાપના કરાય છે. આજથી ભાદરવા સુદ ચૌદશ સુધી ભગવાનની પૂજા કરી સમુદ્રમાં ગણેશજીની મૂર્તિ વિસર્જિત કરાય છે, જેમ પાર્થિવ શિવલિંગ માટીમાંથી બનાવાય, એમ પાર્થિવ ગણેશજીની મૂર્તિ પણ માટીમાંથી બનાવવી એવી શાસ્ત્રાજ્ઞા છે. આજથી દસ દિવસ સુધી ગણેશજીની પૂજાનું મહાત્મ્ય આપણા શાસ્ત્રમાં વર્ણવ્યું છે. ભગવાન ગણેશજી વિઘ્નવિનાશક, કાર્યમાં સિદ્ધિ આપનારા તથા લક્ષ્મીજીની કૃપા આપનારા દેવ છે. પાર્થિવ ગણેશજીની પૂજા માટે બાર રાશિવાળા જાતકો માટે અલગ-અલગ મંત્રો અને પૂજા સામગ્રીનું વર્ણન પણ બતાવ્યું છે. આજે આપણે જોઈએ બારે રાશિવાળા જાતકોએ કેવી રીતે કરવી ગણેશજીની પૂજા અને કયા મંત્રો આપશે તમને ખુશહાલી, પ્રેમમાં સફળતા અને લક્ષ્મીજીની અપાર કૃપા.

ગણેશ સ્થાપનના શુભ મુહૂર્ત-

કિશનભાઈ જી. જોશી પ્રમાણે, ગણેશજયંતીના પાવન પર્વે બાર રાશિવાળા જાતકો આવી રીતે કરવી ગણપતિ પૂજા-
મેષ-
લાલ માટીની ભગવાન ગણેશજીની પ્રતિમાને સિંદૂર અને શુદ્ધ ઘીના મિશ્રણથી લેપ કરવો. લાલ કરેણનાં ફૂલ અને લાલ ગુલાબનાં ફૂલ ચઢાવવાં અને || ૐ વિઘ્નેશ્વરાય નમઃ || મંત્રનું સ્મરણ કરવું. શૌર્ય અને સાહસમાં વધારો થશે. સાહસિકતા વધશે અને આત્માવિશ્વાસથી સભર વ્યક્તિત્વ અનુભવાશે. ગોળનો પ્રસાદ ધરાવો.

વૃષભ- સફેદ માટીની ભગવાન ગણેશજીની પ્રતિમાને ચંદન મિશ્રિત કંકુથી તિલક કરવું. સફેદ ગુલાબ અને ચમેલીનાં ફૂલ ચઢાવવાં અને ||ૐ લમ્બોદરાય નમઃ || મંત્રની માળા કારવી. તમારા દેખાવમાં વૃદ્ધિ થશે અને તમારા સ્વભાવમાં પ્રસન્નતા અને પરોપકારિતા અનુભવી શકશો. સફેદ મીઠાઇ અને કેળાં પ્રસાદ સ્વરૂપે ધરવાં.

મિથુન- લીલા માર્બલ કે પથ્થરની ભગવાન ગણેશજીની પ્રતિમાને સફેદ ચંદનથી તિલક કરવું. લીલાં રંગનાં ફૂલ ખાસ કરીને દૂર્વા ચઢાવવી અને ||ૐ ગૌરી સુતાય નમઃ|| મંત્રની માળા કરવી. તમારા અભ્યાસ અને સ્મરણશક્તિમાં ચમત્કારિક બદલાવ જોવા મળશે અને તમારી શાર્પનેસ વધતી અનુભવાશે. વાણીમાં પ્રભાવ ઊભો થશે. લીલાં ફળ અને દૂધીનો હળવો પ્રસાદ સ્વરૂપે ધરવો.

કર્ક- પારદર્શક સ્ફટિકની ભગવાન ગણેશજીની પ્રતિમાને ચંદનથી તિલક કરવું. સફેદ ગુલાબ અને ચમેલીનાં ફૂલ ચઢાવવાં અને ||ૐ વક્રતુંડાય નમઃ|| મંત્રની માળા કરવી. તમારા સ્વભાવમાં પારદર્શિતા અનુભવાશે. દુન્યવી દૂષણોથી મુક્તિ મળશે અને હૃદયની નિર્મલતાના અનુભવ કરી શકશો. સફેદ બરફી અને સાકર મિશ્રિત દૂધનો પ્રસાદ ધરવો.

સિંહ- ગુલાબી કે લાઈટ ગુલાબી કલરની ભગવાન ગણેશજીની પ્રતિમાને રતાંજલીના ચંદનથી તિલક કરવું. લાલ ગુલાબ અને કરેણનાં ફૂલ ચઢાવવાં અને ||ૐ વિઘ્નનાશાય નમઃ|| મંત્રની માળા કરવી. નાણાકીય વ્યવહારોમાં વધુ સરળતા અને સહાયતાનો અનુભવ થશે. ઉપરાંત તમારી પ્રકૃતિ વધુ શાંત અને સ્વસ્થ બનશે. સફરજન અને મગસના લાડુ પ્રસાદસ્વરૂપે ધરવાં.

કન્યા- લીલા માર્બલ કે પથ્થરની ભગવાન ગણેશજીની પ્રતિમાને સફેદ ચંદનથી તિલક કરવું. લીલા રંગનાં ફૂલ ખાસ કરીને દૂર્વા ચઢાવવા અને ||ૐ સંકટનાશાય નમઃ || મંત્રની માળા કરવી. તમારી અભ્યાસ અને સ્મરણશક્તિમાં ચમત્કારિક બદલાવ દેખાશે, તમારી શાર્પનેસ વધતી અનુભવાશે. વાણીમાં પ્રભાવ ઊભો થશે, એને તમે મહેસૂસ કરી શકશો. લીલાં ફળ અને દૂધીનો હળવો પ્રસાદ સ્વરૂપે ધરવો.

તુલા- સફેદ માટીની ભગવાન ગણેશજીની પ્રતિમાને ચંદન મિશ્રિત કંકુથી તિલક કરવું. સફેદ ગુલાબ અને ચમેલીનાં ફૂલ ચઢાવવાં અને ||ૐ ગણાધક્ષાય નમઃ|| મંત્રની માળા કરવી. તમારા દેખાવમાં થશે વૃદ્ધિ અને તમારા સ્વભાવમાં મહેસૂસ કરી શકશો પ્રસન્નતા અને પરોપકારિતા. સફેદ મીઠાઇ અને કેળાં પ્રસાદ સ્વરૂપે ધરવાં.

વૃશ્ચિક- લાલ માટીની ભગવાન ગણેશજીની પ્રતિમાને સિંદૂર અને શુદ્ધ ઘીના મિશ્રણથી લેપ કરવો. લાલ કરેણનાં ફૂલ, લાલ ગુલાબનાં ફૂલ ચડાવવાં અને ||ૐ વક્રતુંડાય નમઃ|| મંત્રનું સ્મરણ કરવું. શૌર્ય અને સાહસમાં વૃદ્ધિ થશે. સાહસિકતા વધશે અને આત્માવિશ્વાસથી સભર વ્યક્તિત્વ અનુભવાશે. ગોળનો પ્રસાદ ધરાવો.

ધન- પીળી માટી અને પીળા પથ્થરની ભગવાન ગણેશજીની પ્રતિમાને કેસર અને શુદ્ધ ઘીના મિશ્રણથી તિલક કરવું. પીળાં ફૂલ, પીળા ગોટાનાં ફૂલ ચઢાવવાં અને ||ૐ ગજકર્ણકાય નમઃ|| મંત્રનું સ્મરણ કરવું. શૌર્ય અને સાહસમાં વધારો થશે. સાહસિકતા વધશે અને આત્મવિશ્વાસથી સભર વ્યક્તિત્વ અનુભવાશે. પીળી બરફી અને મોહનથાળ તથા કેળાનો પ્રસાદ ધરવો.

મકર- નીલા પથ્થરની ભગવાન ગણેશજીની પ્રતિમાને કંકુ અને હળદરના મિશ્રણથી તિલક કરવું. નીલા ફૂલ ચઢાવવાં અને ||ૐ ગજાનનાય નમઃ|| મંત્રનું સ્મરણ કરવું. તમારા અભ્યાસ અને સ્મરણશક્તિમાં ચમત્કારિક બદલાવ દેખાશે, તમારી શાર્પનેસ વધતી અનુભવાશે. વાણીમાં પ્રભાવ ઊભો થશે. ગુલાબજાંબુ અને રબડી પ્રસાદ સ્વરૂપે ધરવાં.

કુંભ- નીલા પથ્થર, ભૂરા, રાખોડી(એશ) કલરની, ઊન અથવા રુદ્રાક્ષનો ઉપયોગ થયો હોય એવી ભગવાન ગણેશજીની પ્રતિમાને કેસરયુક્ત ચંદનથી તિલક કરવું. દૂર્વા અને નીલાંબરી ફૂલ ચઢાવવાં. || ૐ એકદંતાય નમઃ || મંત્રનું સ્મરણ કરવું. નિર્ભયતા અને સુખનો અનુભવ થશે. તમારા કાર્યક્ષેત્રમાં ઊભાં થતાં વિઘ્નોને પાર પાડી શકશો. ચૂરમાના લાડુનો પ્રસાદ ધરાવવો.

મીન- પીળી માટી અને પીળા પથ્થરની ભગવાન ગણેશજીની પ્રતિમાને કેસર અને શુદ્ધ ઘીના મિશ્રણથી તિલક કરવું. પીળાં ફૂલ, પીળા ગોટાનાં ફૂલ ચઢાવવાં અને || ૐ મહાગણપતિ નમઃ || મંત્રનું સ્મરણ કરવું. શૌર્ય અને સાહસમાં વધારો થશે. સાહસિકતા વધશે અને આત્મવિશ્વાસથી સાભાર વ્યક્તિત્વ અનુભવાશે. પીળા મોતીચૂરના લાડુ તથા કેસરયુક્ત કાજુકતરી અને કેળાં પ્રસાદ સ્વરૂપે ધરવાં.

ગણેશવિસર્જન વિધિ-
સૌપ્રથમ લાકડાનું એક પાટલો લો. એને તમે પાણીમાં ગંગાજળ ભેળવીને સારી રીતે સાફ કરી લો. આવી રીતે પાટલાની ગંદકી સાથે નેગેટિવ ઊર્જા પણ દૂર થઇ જશે. હવે સૌભાગ્ય માટે ઘરની મહિલાએ પાટલા ઉપર સ્વસ્તિકનું ચિહન બનાવે. આ પાટલા ઉપર ચોખા મૂકો અને એની ઉપર પીળા, ગુલાબ કે પછી લાલ રંગનું કપડું પાથરી દો. ત્યાર પછી ગણેશજીને સાચવીને પૂજાના સ્થાન પરથી ઉપાડીને આ પાટલા પર બિરાજમાન કરો. હવે આ પાટલા ઉપર ફળ, ફૂલ અને મોદક વગેરે મૂકો. યાદ રાખો ગણેશજીને વિદાય કરતાં પહેલાં તમારે છેલ્લી વખત તેમની આરતી જરૂર કરવી જોઈએ. આરતી પછી ભોગ પણ ચઢાવો અને વસ્ત્ર પહેરાવો. હવે એક રેશમી કપડાની અંદર મોદક, પૈસા, દૂર્વા ઘાસ અને સોપારી બાંધીને એક પોટલી બનાવી લો. એની પોટલીને તમે ગણપતિ ભગવાન સાથે જ બાંધી દો. હવે હાથ જોડી ગણેશજીને પ્રાર્થના કરો અને સાથે જ ભૂલચૂક માફ કરવાની વિનંતી કરો, ત્યાર પછી ગણપતિ બાપ્પા મોર્યાનાં સૂત્રો પણ બોલો. છેલ્લે, સંપૂર્ણ સન્માન અને શ્રદ્ધાના ભાવ સાથે ગણેશજીને પાણીમાં વિસર્જન કરો.

આ સંપૂર્ણ માહિતી ભાવનગરના જ્યોતિષાચાર્ય અને શ્રીધર પંચાંગવાળા કિશન ગિરીશભાઈ જોશી અને અમદાવાદના જ્યોતિષી આશિષ રાવલ (ashishrawal13677@gmail.com) દ્વારા આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...