• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Sarvarthasiddhi Yoga On 6th January Will Bring Happiness And Prosperity In Brother's Life, Sister Should Do Poonam Vrat With This Ritual.

પોષી પોષી પૂનમડી...ભાઈની બહેન રમે કે જમે?:6 જાન્યુઆરીએ સર્વાર્થસિદ્ધિ યોગ ભાઈના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવશે, બહેને આ વિધિથી પૂનમનું વ્રત કરવું

3 મહિનો પહેલા
  • આ દિવસે માતા અંબાજીનો પ્રાગટ્ય દિવસ પણ રહેશે
  • આ દિવસે શક્ય હોય તેટલા ચંદ્રગ્રહના જાપ, મહામૃત્યુંજય મંત્રના જાપ તેમ જ ઓમ નમઃ શિવાયનો મંત્ર જાપ કરવો
  • આ વ્રત કેટલીક જગ્યાએ બહેનો પોતાના ભાઈની સુખાકારી અને સમૃદ્ધિ માટે કરે છે

હિન્દુ ધર્મમાં દરેક મહિનામાં આવતી પૂનમની તિથિ ખૂબ જ મહત્ત્વની હોય છે. પૂનમ તિથિએ જ ચંદ્ર તેની પૂર્ણ કળાએ ખીલે છે. હિન્દુ ગ્રંથોમાં પોષ પૂર્ણિમા(પોષી પૂનમ)ના દિવસનું ખૂબ જ વધારે મહત્વ દર્શાવાયું છે. અગામી તા.6 શુક્રવાર અને સર્વાર્થસિદ્ધિ યોગ અને પોષી પૂનમનો સંયોગ બની રહ્યો છે. સાથે જ માતા અંબાજીનો પ્રાગટ્ય દિવસ હોવાથી શ્રેષ્ઠ દિવસ બની રહેશે. જાણીતા જયોતિષી આશિષ રાવલના જણાવ્યા અનુસાર શ્રીવિષ્ણુ હરિની ઉપાસના, ઓમ વિષ્ણવે નમઃ!! નમો ભગવતે વાસુદેવાય!!, !!શ્રી કૃષ્ણ શરણમ મમ્!! ના મંત્ર જાપ કરવાથી માનસિક શાંતિમાં વધારો થશે. આ દિવસે નદીમાં સ્નાન અને સૂર્ય દેવને અર્ધ્ય ચઢાવવાનું વિશેષ મહત્ત્વ છે. પોષ માસની પૂનમના દિવસે ગંગા સ્નાનનું પણ ખૂબ જ મહત્ત્વ હોય છે. આ દિવસે ખાસ વ્રત કરવાનું પણ મહત્ત્વ છે. આ વ્રત કેટલીક જગ્યાએ બહેનો પોતાના ભાઈની સુખાકારી અને સમૃદ્ધિ માટે કરે છે. તો ચાલો જાણીએ આ દિવસના મહત્ત્વ વિશે.

પૂનમ તિથિના સ્વામી અને કર્ક રાશિ સ્વામી ચંદ્ર દેવતાનું પૂજન અર્ચન અને ધ્યાન વિશેષ માનસિક શાંતિમાં વધારો કરનારું રહેશે. પૂનમ તિથિ વિષ્ણુ ભગવાનની ઉપાસના માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે. તેમજ આ દિવસે શાકંભરી નવરાત્રી સમાપ્ત થાય છે. અંબાજી પ્રાગટ્ય ઉત્સવ અને માઘ સ્નાનરંભ શરૂ થશે. શ્રી વિષ્ણુની ઉપાસના વિષ્ણુ સહસ્ત્ર નામાવલી સ્તોત્રના પાઠ બ્રાહ્મણો દ્વારા સત્યનારાયણ ભગવાનની કથા, શ્રી સુક્ત, પુરુષ સૂક્તના પાઠ કરવાથી જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થશે. આ ઉપરાંત દુર્ગા સપ્તશતીના પાઠ અને માતા અંબાજીની ઊપાસના કરવા માટે અને ખરીદી કરવા માટેનો શ્રેષ્ઠ દિવસ રહેશે. લીલોતરી અને હરિયાળી શાકભાજીની અધિષ્ઠાત્રી દેવી શાકંભરી હોવાથી તેમની ઉપાસના અને દર્શનથી પ્રસન્નતામાં વધારો થશે.

જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યા પ્રમાણે આ દિવસે શક્ય હોય તેટલાં ચંદ્રગ્રહના જાપ, મહામૃત્યુંજય મંત્રના જાપ કરવાથી તેમ જ ઓમ નમઃ શિવાયનો મંત્ર જાપ વિશેષ હિતકારી બની રહેશે. હાલમાં શિયાળાની કડકડતી ઠંડીમાં ગરમ વસ્ત્રોનું દાન તેમ જ ઔષધીઓનું દાન ખૂબ જ ફળદાયી નીવડશે. પૂનમે માતાજીની ઉપાસના કરવાથી જીવનમાં વિશેષ ફળપ્રાપ્તિ થાય છે. તેમ જ દિવસ દરમિયાન એકવાર માતાજીના દર્શન કરવા જોઈએ.

બહેન પોતાના ભાઈ માટે વ્રત કરે છે
વિક્રમ સંવતના ત્રીજા મહિના એટલે કે પોષ મહિનામાં આવતી પૂનમ એટલ પોષી પૂનમ. વર્ષભરમાં આવતી બાર પૂનમમાંથી પોષી પૂનમનું મહત્ત્વ ખાસ હોય છે. આ પૂનમના દિવસે માં આદ્યશક્તિ અંબાજીનો પ્રાગટ્ય ઉત્સવ ઊજવાય છે અને સાથે જ આ પૂનમના દિવસે કુંવારી બહેનો ભાઈ માટે પૂનમનું વ્રત પણ રહે છે. વર્ષમાં બે પૂનમ આવે છે જે ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતિક હોય છે. એક શ્રાવણ માસની પૂનમ એટલે કે રક્ષાબંધન અને એક પોષ મહિનાની પૂનમ.

પોષી પૂનમનું મહત્ત્વ
વૈદિક જ્યોતિષ અને હિન્દુ શાસ્ત્રો સાથે જોડાયેલી માન્યતા અનુસાર પોષ માસને સૂર્ય દેવનો મહિનો માનવામાં આવે છે. કહેવાય છે કે આ મહિનામાં સૂર્યદેવની આરાધના કરવાથી મનુષ્ય મોક્ષ પ્રાપ્ત કરે છે. તેથી જ પોષ માસની પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરી અને સૂર્ય દેવની આરાધના કરવાની પરંપરા છે. આ દિવસે સૂર્ય અને ચંદ્રનો અદભૂત સંગમ થાય છે. આ દિવસે સૂર્ય અને ચંદ્રમા બંનેની પૂજા કરવાથી મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને સાથે જીવનમાં આવનારી મુશ્કેલીઓ પણ દૂર થાય છે.

આ દિવસે ખાસ કરીને તલ અને ગોળ દાનમાં આપવા ઉત્તમ માનવામાં આવે છે
આ દિવસે ખાસ કરીને તલ અને ગોળ દાનમાં આપવા ઉત્તમ માનવામાં આવે છે

પોષી પૂનમનું વ્રત અને પૂજા વિધિ
પોષી પૂનમમાં દિવસે સવારે સૂર્યોદય પહેલા જાગી અને સ્નાનાદિ કર્મ કરી સ્વચ્છ કપડાં પહેરવા. શક્ય હોય તો પવિત્ર નદી અથવા કુંડમાં સ્નાન કરી, સૂર્ય દેવને અર્ઘ્ય ચઢાવી અને વ્રત અને ઉપવાસ કરવાનો સંકલ્પ કરવો. સ્નાન કર્યા બાદ મંદિરમાં બેસીને સૂર્ય મંત્રનો જાપ કરી અને સૂર્ય ભગવાનની આરાધના કરો. આ દિવસે ઉપવાસ અથવા ફળાહાર કરવો અને કોઈ યોગ્ય પાત્રને દાન, દક્ષિણા આપવા અથવા તો એક બ્રાહ્મણને ભોજન કરાવી યથાશક્તિ દાન આપો. આ દિવસે ખાસ કરીને તલ અને ગોળ દાનમાં આપવા ઉત્તમ માનવામાં આવે છે.

નદીઓમાં સ્નાન કરવાનું મહત્ત્વ
ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે પોષી પૂનમના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી મોક્ષ મળે છે તો સાથે જ અનેક પ્રકારના પાપમાંથી મુક્તિ મળે છે. આ દિવસે તીર્થમાં લોકો એકઠા થાય છે. પરંતુ વિદ્વાનો પ્રમાણે મહામારીના લીધે ઘરના પાણીમાં જ ગંગાજળના થોડા ટીપા મિક્સ કરીને સ્નાન કરવાથી તીર્થ સ્નાનનું પુણ્ય મળે છે. આ દિવસે પ્રયાગરાજમાં સંગમ સિવાય હરિદ્વાર અને ગંગા સાગરમાં ડુબકી મારવાથી ખૂબ જ પુણ્ય મળે છે.