શિવપૂજામાં ગણેશજી, માતા પાર્વતી, કાર્તિકેય સ્વામી સાથે જ નંદીશ્વરની પણ પૂજા કરવામાં આવે છે. નંદીને શિવજીનો અવતાર માનવામાં આવે છે. દર શિવ મંદિરમાં શિવલિંગ સાથે જ નંદીશ્વર પણ હોય છે. ઘણાં લોકો શિવ મંદિર જાય છે તો નંદીના કાનમાં પોતાની મનોકામનાઓ જણાવે છે. જાણો નંદી ભગવાન સાથે જોડાયેલી થોડી ખાસ માન્યતાઓ...
શિવનો જ અવતાર નંદી છે
શિલાદ નામના એક મુનિ હતાં, જે બ્રહ્મચારી હતાં. વંશ સમાપ્ત થતો જોઇને તેમના પિતૃઓએ તેમને સંતાન ઉત્પન્ન કરવાનું જણાવ્યું. શિલાદ મુનિએ ભગવાન શિવને પ્રસન્ન કરી મૃત્યુહીન પુત્ર માંગ્યો. ભગવાન શિવે શિલાદ મુનિને આ વરદાન આપી દીધું. એક દિવસ જ્યારે શિલાદ મુનિ જમીન ખેડી રહ્યા હતા, ત્યારે તેમને એક બાળક મળ્યું. શિલાદે તેનું નામ નંદી રાખ્યું. એક દિવસ મિત્રા અને વરૂણ નામના બે મુનિ શિલાદના આશ્રમમાં આવ્યાં. તેમણે જણાવ્યું કે, નંદી અલ્પાયુ છે. આ સાંભળીને નંદી મહાદેવની આરાધના કરવા લાગ્યો. પ્રસન્ન થઇને ભગવાન શિવ પ્રકટ થયા અને કહ્યું કે, તું મારો જ અંશ છે, એટલે તને મૃત્યુનો ભય કેવી રીતે હોઇ શકે? આવું જણાવીને ભગવાન શિવે નંદીને પોતાનો ગણાધ્યક્ષ પણ બનાવી લીધો.
આ માન્યતાના કારણે નંદીના કાનમાં મનોકામના કહેવામાં આવે છે
માન્યતા છે કે, જ્યાં શિવ મંદિર હોય છે, ત્યાં નંદીની સ્થાપના પણ કરવામાં આવે છે. નંદી ભગવાન શિવના પરમ ભક્ત છે. જ્યારે પણ કોઇ વ્યક્તિ શિવ મંદિરમાં આવે છે ત્યારે તે નંદીના કાનમાં પોતાની મનોકામના જણાવે છે. જેની પાછળ માન્યતા છે કે, ભગવાન શિવ તપસ્વી છે અને તેઓ હંમેશાં સમાધિમાં રહે છે. એવામાં તેમની સમાધિ અને તપસ્યામાં કોઇ વિઘ્ન ન આવે, એટલા માટે નંદી જ વ્યક્તિની મનોકામના શિવજી સુધી પહોંચાડે છે. આ માન્યતાના કારણે લોકો નંદીને મનોકામના જણાવે છે.
નંદી પૂજા વિના શિવ પૂજા અધૂરી રહે છે
જ્યારે આપણે શિવ પૂજા કરીએ છીએ, ત્યારે નંદીની પૂજા પણ કરવી જોઈએ. નંદી પૂજા વિના શિવ પૂજા અધૂરી જ માનવામાં આવે છે. નંદી શિવજીને પ્રિય છે. નંદી શિવજીના પરમ ભક્ત છે અને પોતાના ભક્ત નંદીની પૂજા કરનાર ભક્તો ઉપર શિવજી ખાસ કૃપા કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.