સૂર્યના મકર રાશિમાં આવી ગયા પછી પોષ મહિનાના સુદ પક્ષના છેલ્લાં દિવસે સૂર્ય પૂજાનો પર્વ ઊજવવામાં આવે છે. પુરાણોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે આ દિવસે સૂર્યપૂજા કરવાથી પાપ નષ્ટ થાય છે અને પુણ્ય મળે છે. આ પૂર્ણિમા પર્વમાં ઉગતા સૂર્યને અર્ઘ્ય આપવાથી બીમારીઓ દૂર થાય છે અને ઉંમર પણ વધે છે. પોષ મહિનાના આ દિવસે સૂર્ય પૂજા સાથે જ તીર્થ સ્નાન અને દાન કરવાની પણ પરંપરા છે.
તલ અને ગંગાજળથી સૂર્યને અર્ઘ્ય આપો
સ્નાન-દાનના આ પર્વમાં પવિત્ર નદીમાં સ્નાન કરી શકો નહીં તો ઘરના પાણીમાં જ તલ અને ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરવાથી તીર્થ સ્નાન કરવા જેટલું પુણ્ય મળે છે. આ પૂનમના દિવસે સવારે જલ્દી સ્નાન કર્યા પછી તાંબાના લોટામાં જળ, સિંદૂર, લાલ ફૂલ અને તલ મિક્સ કરીને ઉગતા સૂર્યને અર્ઘ્ય આપવું. સૂર્યદેવનું ધ્યાન કરીને ત્રણવાર ૐ હ્રાં હ્રીં હ્રૌં સઃ સૂર્યાય નમઃ મંત્ર બોલીને તેમને જળ અર્પણ કરો.
સૂર્યપૂજા કરવાથી બીમારીઓ દૂર થાય છે
પોષ મહિનાની પૂનમના દિવસે ઉગતા સૂર્યના દર્શન કરી પ્રણામ કરો અને પછી અર્ઘ્ય આપો. આવું કરતી સમયે શરીર ઉપર પડતા સૂર્યના કિરણોથી વિટામિન ડી મળે છે. જેથી બીમારીઓ સામે લડવાની શક્તિ વધે છે. આ સમયે મળતો સૂર્યનો પ્રકાશ આંખ અને ચામડી માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. અનેક જાણકારોના જણાવ્યા પ્રમાણે ઉગતા સૂર્યને જોવાથી આત્મવિશ્વાસ વધે છે અને મન પ્રસન્ન રહે છે. સાથે જ પુરાણોમાં પણ ઉલ્લેખવામાં આવ્યું છે કે સૂર્યોદય સમયે સૂર્યને પ્રણામ કરવાથી પાપ નષ્ટ થાય છે.
સ્નાન-દાન પછી ભગવાન વિષ્ણુની પૂજા
પોષ મહિનાના સુદ પક્ષના છેલ્લાં દિવસે સ્નાન-દાન અને સૂર્યને અર્ઘ્ય આપ્યા પછી ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. આ દિવસે ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરીને શ્રીહરિનો અભિષેક કરવો જોઈએ. તેના પછી તુલસી પાન સાથે અન્ય પૂજા સામગ્રી ચઢાવવી જોઈએ. પછી આરતી કરીને તલ અને પીળી મીઠાઈનું નૈવેદ્ય ધરાવો અને પ્રસાદ વહેંચો. તેના પછી બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ. આવું કરવાથી દરેક પ્રકારના પાપ દૂર થાય છે અને મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.