જેઠ મહિનાના સુદ પક્ષની એકાદશીને નિર્જળા એકાદશી તરીકે ઊજવવામાં આવે છે. જેને પાંડવ અને ભીમસેની એકાદશી પણ કહેવામાં આવે છે. આ વર્ષે આ વ્રત 10 જૂન, શુક્રવારના રોજ રહેશે. આ દિવસે શ્રદ્ધાળુઓ ભગવાન વિષ્ણુ માટે આખો દિવસ પાણી પીધા વિના નિર્જળ ઉપવાસ રાખશે. સાથે જ, જળથી ભરેલાં માટલા ઉપર કેરી, ખાંડ, પંખો, ટુવાલ રાખીને દાન કરશે. પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે આ દિવસે એકાદશી ઉપવાસ કરવાથી બધી એકાદશીઓ જેટલું પુણ્ય મળે છે. એવું શાસ્ત્રોમાં ઉલ્લેખવામાં આવ્યું છે. એટલે આ એકાદશીએ પોતાના પિતૃઓની શાંતિ માટે ઠંડા પાણી, ભોજન, કપડા, છત્રી અને બૂટ-ચપ્પલનું દાન કરવામાં આવે છે.
નિર્જળા એકાદશી કેમ કહેવામાં આવે છે
ડો. મિશ્રના જણાવ્યા પ્રમાણે આ તિથિએ નિર્જળ રહીને એટલે પાણી પીધા વિના ઉપવાસ કરવામાં આવે છે, એટલે તેને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે. ઉપવાસ કરનાર ભક્તો પાણી પીધા વિના રહે છે. સવાર-સાંજ ભગવાન વિષ્ણુની પૂજા કરે છે અને બીજા દિવસે બારસ તિથિએ પૂજા-પાઠ પછી ભોજન ગ્રહણ કરવામાં આવે છે.
મહાભારત કાળમાં ભીમે આ વ્રત કર્યું હતું
સ્કંદ પુરાણમાં એકાદશી મહાત્મ્ય નામનો અધ્યાય છે. જેમાં વર્ષભરની બધી એકાદશીની જાણકારી આપવામાં આવી છે. આ અધ્યાયમાં શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને એકાદશીનું મહત્ત્વ જણાવ્યું છે. નિર્જળા એકાદશી અંગે પાંડવ પુત્ર ભીમ સાથે જોડાયેલી કથા છે. મહાભારત કાળમાં ભીમે આ એકાદશીનો ઉપવાસ કર્યો હતો. ત્યારથી તેને ભીમસેની એકાદશી પણ કહેવામાં આવે છે.
આ વ્રત મહર્ષિ વેદવ્યાસે પાંડવોને ચારેય પુરૂષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ માટે જણાવ્યો હતો. ત્યારે ભીમે કહ્યું કે પિતામહ, તમે એક મહિનામાં બે એકાદશીના ઉપવાસની વાત જણાવી છે. હું એક દિવસ તો શું, એક સમય પણ ભોજન કર્યા વિના રહી શકું નહીં. વેદવ્યાસે ભીમને કહ્યું કે માત્ર નિર્જળા એકાદશી જ એવી છે જે વર્ષભની બધી એકાદશીઓનું પુણ્ય અપાવી શકે છે. આ વ્રત જેઠ મહિનાના સુદ પક્ષની એકાદશીએ હોય છે. ત્યારે આ દિવસે ભીમે વ્રત કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.