શુક્રવાર, 10 જૂનના રોજ એટલે આજે શિવપંથીઓ દ્વારા નિર્જળા એકાદશી વ્રત કરવામાં આવશે. આ વર્ષે નિર્જળા એકાદશીની તારીખમાં પંચાંગ ભેદ છે. અમુક જગ્યાઓએ 11 જૂનના રોજ આ વ્રત કરવામાં આવશે. જેઠ મહિનાના સુદ પક્ષની એકાદશીનું મહત્ત્વ વર્ષભરની બધી એકાદશીઓમાં વધારે છે. અન્ય એકાદશીઓમાં તો વ્રત કરનાર લોકો ફળાહાર કરી શકે છે, પરંતુ આ એકાદશીએ જળ પણ ગ્રહણ કરી શકાય નહીં. આ તિથિ ત્યારે આવે છે, જ્યારે ગરમી પોતાની ચરમ સીમાએ હોય છે અને આ તિથિએ નિર્જળ રહીને વ્રત કરવામાં આવે છે. આ કારણે આ વ્રત એક તપસ્યા જેવું છે.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે નિર્જળા એકાદશીનું વ્રત કરનાર લોકો આખો દિવસ ભીષણ ગરમીના સમયગાળામાં પાણી પી શકતા નથી, દિવસ પૂર્ણ થાય ત્યાં સુધી પાણીના એક-એક ટીપાની કિંમત સમજાઈ જાય છે. ગરમીના દિવસોમાં અનેક જગ્યાએ જળ સંકટ રહે છે, એવી સ્થિતિમાં નિર્જળા એકાદશીનું વ્રત આપણને જળ બચાવવા અંગે પ્રેરિત કરે છે. આ એકાદશીએ વ્રત કરવાથી લાંબી ઉંમર, સારું સ્વાસ્થ્ય અને બધી સુવિધાઓ વિષ્ણુજીની કૃપાથી પ્રાપ્ત થઇ શકે છે.
મહાભારતમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે સામાન્ય વર્ષમાં 24 અને અધિકમાસ આવે ત્યારે કુલ 26 એકાદશીઓ હોય છે. જો બધી જ એકાદશીના દિવસે વ્રત કરી શકાય નહીં તો માત્ર નિર્જળા એકાદશીએ વ્રત કરવાથી આખા વર્ષની બધી જ એકાદશીઓના વ્રત સમાન પુણ્ય મળી શકે છે.
નિર્જળા એકાદશીએ વિષ્ણુજીની પૂજા
સ્નાન કર્યા પછી ઘરના મંદિરમાં ગણેશ પૂજા કરો. ગણેશજીને સ્નાન કરાવો. વસ્ત્ર, ગંધ, ફૂલ, ચોખા, દૂર્વા, ભોગ વગેરે વસ્તુઓ ચઢાવો. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો.
ગણેશ પૂજા પછી ભગવાન વિષ્ણુની પૂજા કરો. વિષ્ણુજી અને દેવી લક્ષ્મીનું આવાહન કરો. ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીને આસન આપો. બંને દેવી-દેવતાઓને સ્નાન કરાવો. સ્નાન પહેલાં જળથી પછી પંચામૃતથી અને ફરીથી જળથી કરાવો.
ભગવાનને વસ્ત્ર અર્પણ કરો. આભૂષણ અને પછી જનોઈ પહેરાવો. ફૂલ-માળા પહેરાવો. દેવીને લાલ વસ્ત્ર અર્પણ કરો. સુગંધિત અત્તર અર્પણ કરો. તિલક કરો. તિલક માટે અષ્ટગંધનો ઉપયોગ કરો. ધૂપ-દીપ પ્રગટાવો. તુલસી દળ સાથે મીઠાઈનો ભોગ ધરાવો. શ્રદ્ધા પ્રમાણે ઘી કે તેલનો દીવો પ્રગટાવો. આરતી કરો. આરતી પછી પરિક્રમા કરો. પૂજામાં વિષ્ણુ મંત્રનો જાપ કરતા રહો. મંત્ર- ૐ નમો ભગવતે વાસુદેવાય.
નિર્જળા એકાદશીએ શું કરવું
નિર્જળા એકાદશીએ વ્રત કરનાર વ્યક્તિએ આખો દિવસ નિર્જળ રહીને વ્રત કરવું જોઈએ. એકાદશીએ સ્નાન કર્યા પછી ભગવાન સામે વ્રત કરીને પૂજા કરવાનો સંકલ્પ લેવો જોઈએ. ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરો. બીજા દિવસે એટલે બારસ તિથિએ સવારે જલ્દી જાગવું જોઈએ અને સ્નાન કર્યા પછી પોતાની શક્તિ પ્રમાણે દાન-પુણ્ય કરો. કોઈ પરબમાં જળ દાન કરો. જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવો. ભગવાન વિષ્ણુની પૂજા કર્યા પછી ભોજન ગ્રહણ કરો. આ પ્રકારે આ વ્રત પૂર્ણ થાય છે.
નિર્જળા એકાદશીએ શું ન કરવું
નિર્જળા વ્રત કરનાર વ્યક્તિઓએ અપવિત્રતાથી બચવું જોઈએ. ઘરમાં ગંદકી ન કરો. ઘરમાં ક્લેશ ન કરો. જો વ્રત કરી રહ્યા છો તો દિવસભર જળનું એક ટીપું પણ ગ્રહણ કરશો નહીં. જે લોકો બીમાર છે, વૃદ્ધ છે, કોઈ સ્ત્રી ગર્ભવતી છે અથવા કોઈ અન્ય શારીરિક પરેશાની છે તો આટલું મુશ્કેલ વ્રત કરવાથી બચવું જોઈએ. આ તિથિએ વ્રત કરનાર વ્યક્તિ જો એક ટીપું પાણી પી લે તો વ્રત ભંગ થઈ જાય છે.
નિર્જળા એકાદશી વ્રતની કથા
મહાભારતની એક પ્રચલિત કથા પ્રમાણે ભીમે એકાદશી વ્રતના સંબંધમાં વેદવ્યાસને કહ્યું હતું કે, હું એક દિવસ તો શું, એક સમય પણ ભોજન વિના રહી શકું નહીં. જેના કારણે હું એકાદશી વ્રતનું પુણ્ય પ્રાપ્ત કરી શકીશ નહીં. ત્યારે વેદવ્યાસે જેઠ મહિનાની સુદ પક્ષની નિર્જળા એકાદશી વિશે જણાવ્યું. તેમણે ભીમને કહ્યું કે, આ દિવસે એકાદશીનું વ્રત રાખો. આ એક વ્રતથી વર્ષભરની બધી જ એકાદશીઓનું પુણ્ય મળી જશે. ભીમે આ એકાદશીએ વ્રત કર્યું હતું, જેના કારણે તેને ભીમસેની એકાદશી પણ કહેવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.