લાઈફ મેનેજમેન્ટ:નવરાત્રિ આંતરિક ઊર્જા વધારવાનો સમય છે, સફળ થવા ઇચ્છો છો તો સંકલ્પ શક્તિ મજબૂત કરો અને પોતાના ઉપર વિશ્વાસ રાખો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આજ(7 ઓક્ટોબર)થી નવરાત્રિ શરૂ થઈ ગઈ છે અને 14 ઓક્ટોબર સુધી આ પર્વ રહેશે. આ દિવસોમાં વાતાવરણમાં પોઝિટિવ ઊર્જાનો ખૂબ જ વધારે સંચાર થાય છે. જો કોઈ વ્યક્તિ નવરાત્રિના સમયે પોઝિટિવ ઊર્જાને ધારણ કરે છે તો તે પોતાના જીવનને નવી દિશા આપી શકે છે. નવરાત્રિમાં મનુષ્યએ માતાજીની આરાધના કરવી જોઈએ અને માતા દુર્ગાના ગુણોને પણ અપનાવવા જોઈએ.

દરેક વ્યક્તિના મનમાં માતા દુર્ગા ઊર્જા તરીકે વિરાજમાન છે, આપણે તે ઊર્જાને વધારવાની જરૂરિયાત છે. આ નવરાત્રિમાં નવ સારી આદતોને જીવનમાં ઉતારવાની કોશિશ કરીશું તો જીવનમાં સુખ-શાંતિ અને સફળતા મળી શકે છે.

સંકલ્પ શક્તિ મજબૂત કરો-
જો સફળતા પ્રાપ્ત કરવા ઇચ્છો છો તો સૌથી જરૂરી છે- મજબૂત સંકલ્પ શક્તિ. દઢસંકલ્પ વિના કોઈ વ્યક્તિ લક્ષ્ય નિર્ધારિત કરી લે છે, પરંતુ તેને પ્રાપ્ત કરવા માટે જરૂરી મહેનત કરી શકતો નથી. નબળી સંકલ્પ શક્તિના કારણે વ્યક્તિ ખરાબ આદત છોડી શકતો નથી અને નકારાત્મક વિચારોના કારણે કામ પૂર્ણ થઈ શકતા નથી. આ નવરાત્રિમાં તમારી સંકલ્પ શક્તિને વધારશો તો સફળતા પ્રાપ્ત કરી શકાય છે.

સંયમ જાળવી રાખો-

સંયમ એટલે મન ઉપર નિયંત્રણ રાખવું. નવરાત્રિ સંયમ શક્તિ વધારવાનો સૌથી સારો સમય છે. સંયમિત રહેશો તો અનેક સમસ્યાઓ જીવનમાં આવશે જ નહીં, અને જો આવશે તો તેનો સરળતાથી ઉકેલ લાવી શકાશે. નવરાત્રિમાં રાખવામાં આવતા વ્રત આપણને સંયમિત રહેવાનું શીખવે છે. તેનાથી આપણી સંયમ શક્તિમાં વધારો થાય છે.

સાહસ પણ જરૂરી છે-
માતા દુર્ગાનો એક સંદેશ સાહસી રહેવાનો છે. કોઈ વ્યક્તિ કેટલો સાહસી છે, તેની ઓળખ વિપરીત પરિસ્થિતિમાં થાય છે. મુશ્કેલ સમય આવતાં જ સાહસહીન વ્યક્તિ વિખરાઈ જાય છે, જ્યારે જે વ્યક્તિ સાહસી છે, તે ખરાબ સમયમાં વધારે નિખરે છે. સાહસ શક્તિથી વ્યક્તિ મુશ્કેલ પરિસ્થિતિઓને દૂર કરી શકે છે અને પરિસ્થિતિ પોતાના પક્ષમાં કરી શકે છે.

ધૈર્ય રાખવું-
ધૈર્ય એક એવો ગુણ છે, જે ઘણાં ઓછા લોકોમાં જોવા મળે છે. નાની-નાની વાતોમાં જ વ્યક્તિ પોતાનું ધૈર્ય ગુમાવે છે. વ્યક્તિને સફળ થવાની ખૂબ જ જલ્દી હોય છે, તેને કર્મ કરતા જ ફળની ચિંતા પરેશાન કરવા લાગે છે અને જો ફળ મળવામાં મોડું થાય તો વ્યક્તિ તરત પોતાનો રસ્તો બદલી લે છે. આ જ ઉતાવળ તેની અસફળતાનું કારણ બની જાય છે. માતા ગૌરી એટલે પાર્વતી પાસેથી આપણે ધૈર્યનો ગુણ શીખવો જોઈએ, તેમણે શિવજીને મેળવવા માટે મુશ્કેલ તપ કર્યું અને તેમણે પોતાની તપસ્યાથી શિવજીને પ્રસન્ન કર્યાં.

પોતાના ઉપર અને ભગવાન ઉપર વિશ્વાસ રાખો-
વિશ્વાસ શક્તિ જ પત્થરને ઈશ્વર બનાવી દે છે. દરેક વ્યક્તિએ બહારની દુનિયામાં વિશ્વાસ સ્થાપિત કરતા પહેલાં પોતાના ઉપર વિશ્વાસ કરતા શીખવું જોઈએ, કેમ કે જ્યાં સુધી આપણને પોતાના ઉપર વિશ્વાસ હશે નહીં, ત્યાં સુધી આ દુનિયા વ્યર્થ જ લાગશે. એકવાર જ્યારે વ્યક્તિની અંદર બિલિવ સિસ્ટમ તૈયાર થઈ જાય છે અથવા વિશ્વાસની શક્તિ વધવા લાગે છે ત્યારે તે અશક્ય લાગતું કામ પણ સરળતાથી પૂર્ણ કરી શકે છે.

આનંદ સાથે જીવવું-
આપણે હંમેશાં સફળતા પ્રાપ્ત કરીએ, પરંતુ આનંદ સાથે જીવી શકીએ તો સફળતાનું કોઈ મહત્ત્વ નથી. જો આપણે હંમેશાં કોશિશ કરતા રહીએ, પરંતુ સફળતા ન મળે તો નિરાશા વધે છે. એટલે દરેક પરિસ્થિતિમાં આનંદ પ્રાપ્ત કરવો અને ખુશ રહેવું જોઈએ. આનંદ વિના વ્યક્તિ મૃત સમાન થઈ જાય છે. એટલે આનંદ સાથે જીવવું જોઈએ.

જીવનમાં તાલમેલ જાળવી રાખો-
સંપૂર્ણ સૃષ્ટિના સંચાલન માટે સૌથી મહત્ત્વપૂર્ણ યોગ્ય તાલમેલ છે. માત્ર આ ગુણ ઉપર જ દુનિયા ચાલી રહી છે. તાલમેલ શક્તિ તે ઊર્જા છે, જેના વિના આપણાં શરીરનું એકપણ અંગ સંચાલિત થઈ શકતું નથી. સંપૂર્ણ પ્રકૃતિ પણ તાલમેલ ઉપર ચાલી રહી છે. એટલે આપણે પ્રકૃતિ સાથે તાલમેલ જાળવી રાખવું જોઈએ. આપણું શરીર પંચતત્વોને મળીને બન્યું છે. આ જ પંચતત્વોથી મળીને સૃષ્ટિ બની છે. આપણે જેટલું પ્રકૃતિથી લઈ રહ્યાં છીએ, તેટલું જ આપણે પાછું આપવું જોઈએ. વિકાસ સાથે આપણે પર્યાવરણના હિતનું પણ ધ્યાન રાખવું જોઈએ.

સંવેદનાઓ જરૂરી છે-
વ્યક્તિ માટે સંવેદનશીલ હોવું ખૂબ જ જરૂરી છે, સંવેદના વિના વ્યક્તિ હિંસક બની જાય છે. માતા દુર્ગા સંપૂર્ણ જગતની માતા છે અને માતાથી વધારે સંવેદનશીલ કોઈ અન્ય હોઈ શકે નહીં. જ્યારે આપણી અંદર સંવેદન શક્તિનો સંચાર થાય છે ત્યારે આપણને દયા, કરૂણા અને દાનની ભાવનાઓ વધવા લાગે છે. આ ત્રણેય સંવેદનાના જ તત્વ છે. જ્યારે તમે આ ત્રણેય ગુણોને પોતાની દિનચર્યામાં સામેલ કરો છો ત્યારે ઈશ્વરની વધારે નજીક પહોંચી શકો છો.

સત્યનો સાથ આપો-
સત્ય તે ગુણ છે જે જીવનમાં સામેલ થઈ ગયો તો ક્યારેય પણ હારનો સામનો કરવો પડશે નહીં. રાવણ સાથે યુદ્ધ દરમિયાન ભગવાન શ્રીરામજીએ પણ સત્યના વિજય માટે માતા ભગવતીનું આવાહન કર્યું હતું. આ નવરાત્રિ તમે પણ ભગવતીનું આવાહન કરો અને જીવનમાં સત્યની શરૂઆત કરો. એકવાર તમારી જીવનશૈલીમાં સત્યને સ્થાન મળી ગયું તો સફળતા ચોક્કસ મળશે.

લેખક- ભૂમિકા કલમ (એસ્ટ્રોલોજર અને સ્પ્રિચુઅલ હીલર)