નવરાત્રિમાં દેવી દુર્ગાની પૂજા કરવાની સાથે જ દેવી કથાઓ સાંભળવા અને વાંચવાનું મહત્ત્વ વધારે છે. માન્યતા છે કે આવું કરવાથી અક્ષય પુણ્ય મળે છે અને પોઝિટિવિટી વધે છે. દેવી દુર્ગાએ સમયે-સમયે પોતાના ભક્તોના કષ્ટ દૂર કરવા માટે વિવિધ અવતાર લીધો છે. પ્રાચીન સમયમાં મહિષાસુરને બ્રહ્માજી પાસેથી વરદાન મળી ગયું હતું કે કોઈપણ દેવતા-દાનવ તેનો વધ કરી શકશે નહીં, ત્યારે દેવી દુર્ગા અવતરિત થયા હતા અને તેમણે મહિષાસુરનો વધ કર્યો હતો.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે જાણો દેવી દુર્ગા સાથે જોડાયેલી થોડી અન્ય કથાઓ...
શ્રીકૃષ્ણ પહેલાં દેવી યોગમાયાનો અવતાર થયો હતો
દ્વાપર યુગમાં વિષ્ણુજી શ્રીકૃષ્ણના સ્વરૂપમાં પ્રગટ થવાના હતાં. કંસના કારાગારમાં દેવકીના ગર્ભમાંથી શ્રીકૃષ્ણનો જન્મ થયો અને બીજી બાજુ ગોકુળમાં નંદબાબાને ત્યાં યશોદાજીના ગર્ભમાંથી દેવી માતાએ યોગમાયા તરીકે જન્મ લીધો હતો. તે સમયે યશોદાજી ગાઢ નિંદ્રામાં હતાં. વસુદેવ કંસના કારાગારથી બાળક કૃષ્ણને લઈને ગોકુળ પહોંચ્યાં અને કૃષ્ણને યશોદાજી પાસે રાખી દીધા અને ત્યાંથી નાની બાળકીને લઈને મથુરાના કારાગારમાં પાછા આવી ગયા હતાં. બાળકીને દેવકી પાસે રાખી દીધી હતી.
કંસને જ્યારે દેવકીના આઠમા સંતાન અંગે જાણકારી મળી ત્યારે તે તરત જ કારાગારમાં પહોંચ્યો. કંસે દેવકી પાસેથી તે નાની બાળકીને ઉપાડી લીધી અને તેને મારવાની કોશિશ કરી ત્યારે બાળકી સ્વરૂપે દેવી યોગમાયા તેના હાથમાંથી છૂટીને જતાં રહ્યાં. દેવીએ જતા પહેલાં કંસ સામે આકાશવાણી કરી હતી કે તારો વધ કરનાર બાળકનો જન્મ થઈ ગયો છે. યોગમાયા દેવીનું એક અન્ય નામ વિંધ્યવાસિની પણ છે.
ભક્ત શ્રીધરે વૈષ્ણોદેવી માતા મંદિરની શોધ કરી હતી
જમ્મૂ-કાશ્મીરમાં કટરા શહેરથી લગભગ 15 કિમી દૂર એક ઊંચા પહાડ ઉપર વૈષ્ણોદેવી માતાનું મંદિર છે. અહીં દેવી એક ગુફામાં વિરાજિત છે. માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડની વેબસાઇટ પ્રમાણે આ ગુફાની શોધ લગભગ 700 વર્ષ પહેલાં માતાના પરમ ભક્ત શ્રીધરે કરી હતી.
માતાજીનો પરમ ભક્ત શ્રીધર કટરા પાસે હંસાલી ગામમાં રહેતો હતો. શ્રીધરે એકવાર ઘરમાં માતા વૈષ્ણોદેવીના નામે ભંડારો આયોજિત કર્યો, જેમાં નાની કન્યાઓ, ગામના લોકો સાથે જ ગુરુ ગોરખનાથના શિષ્ય ભૈરવનાથને પણ બોલ્યાં હતાં.
માન્યતા છે કે માતા વૈષ્ણો એક કન્યા સ્વરૂપે શ્રીધરને ત્યાં ભંડારામાં બધા લોકોને ભોજન પીરસી રહ્યા હતાં, તે સમયે ભૈરવનાથે ભોજનમાં માંસ-મદિરા માગી હતી. જ્યારે કન્યાએ તેમને ના પાડી ત્યારે ભૈરવનાથ ગુસ્સે થઈ ગયાં હતાં. તેણે કન્યાને પકડવાની કોશિશ કરી, પરંતુ કન્યાએ દેવીનું સ્વરૂપ ધારણ કર્યું અને ત્યાંથી ઉડીને ત્રિકૂટ પર્વતની એક ગુફામાં જતાં રહ્યાં. આ ગુફામાં દેવીએ નવ મહિના સુધી તપ કર્યું.
નવ મહિના સુધી ભૈરવનાથ ત્યાં જ ગુફા બહાર દેવીની રાહ જોતા રહ્યાં. જ્યારે દેવી બહાર આવ્યાં ત્યારે તેમણે મહાકાળીનું સ્વરૂપ લઈને ભૈરવનાથનું માથું ધડથી અલગ કરી દીધું. ભૈરવનાથનું માથું ભૈરવ ઘાટીમાં પડી ગયું હતું, જ્યાં આજે ભૈરવનાથનું મંદિર છે. ભૈરવનાથે મૃત્યુ પામતી સમયે માફી માગી અને દેવીની આરાધના કરી હતી, જેનાથી પ્રસન્ન થઈને દેવી વૈષ્ણોએ ભૈરવનાથને પણ પૂજનીય થવાનું વરદાન આપ્યું હતું.
વૈષ્ણોદેવી મંદિરની ગુફામાં દેવી ત્રણ સ્વરૂપોમાં વિરાજિત છે. અહીં ભક્તોને મહાકાળી, માતા સરસ્વતી અને મહાલક્ષ્મી સ્વરૂપોમાં દેવી દર્શન આપે છે.
માતા દુર્ગાએ દેવતાઓનો ઘમંડ કેવી રીતે તોડ્યો
એકવાર દેવતાઓને તેમની શક્તિ ઉપર ઘમંડ થઈ ગયો હતો. જ્યારે માતા દુર્ગાએ દેવતાઓનો ઘમંડ જોયો ત્યારે તેઓ એક તેજપુંજ સ્વરૂપમાં પ્રગટ થયાં. વિરાટ તેજપુંજનું રહસ્ય જાણવા માટે ઇન્દ્રએ પવનદેવને મોકલ્યાં.
પવનદેવે પોતાને સૌથી શક્તિશાળી દેવતા જણાવ્યાં. ત્યારે તેજપુંજે વાયુદેવ સામે એક તણખલું રાખ્યું અને તણખલાને ઉડાડવા માટે કહ્યું. પૂર્ણ તાકાત લગાવ્યાં પછી પણ પવનદેવ તે તણખલાને હલાવી શક્યા નહીં. તે પછી અગ્નિદેવ પહોંચ્યાં ત્યારે તણખલાને બાળવા માટે કહ્યું, પરંતુ અગ્નિદેવ પણ અસફળ રહ્યાં.
આ બંને દેવતાઓના પરાજય પછી દેવરાજ ઇન્દ્રનો ઘમંડ તૂટી ગયો અને તેમણે તેજપુંજની ઉપાસના કરી. દેવી માતા ત્યાં પ્રગટ થયા અને ઘમંડ ન કરવા માટે સલાહ આપી.
અસંખ્ય આંખ સાથે શાકંભરી પ્રકટ થયા
એકવાર અસુરોના આતંકના કારણે ધરતી ઉપર અનેક વર્ષો સુધી અકાળ પડ્યો હતો. ત્યારે ભક્તોના દુઃખ દૂર કરવા માટે અસંખ્ય આંખ ધરાવતી દેવી શાકંભરી પ્રગટ થયાં.
દેવીએ સતત નવ દિવસ સુધી પોતાની હજાર આંખ દ્વારા આંસુઓનો વરસાદ કર્યો હતો, જેના કારણે પૃથ્વી ફરીથી લીલીછમ બની ગઈ હતી. શાકંભરીને જ શતાક્ષી નામે ઓળખવામાં આવે છે. આ સ્વરૂપમાં દેવી ફળ અને વનસ્પતિ સાથે પ્રગટ થયાં હતાં.
પોષ મહિનાના સુદ પક્ષની આઠમ તિથિએ શાકંભરી નવરાત્રિ શરૂ થાય છે, જે પોષ પૂર્ણિમાએ પૂર્ણ થાય છે. પોષ પૂર્ણિમાએ અનાજ, કાચા શાકભાજી, ફળ અને જળદાન કરવાની પરંપરા છે.
જ્યારે દેવીએ ભ્રામરી દેવીનો અવતાર લીધો
અરૂણ નામના એક દૈત્યએ બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે તપ કર્યું હતું. તેમની ભક્તિથી પ્રસન્ન થઈને બ્રહ્માજી પ્રગટ થયાં. અરૂણે વરદાન માગ્યુ કે યુદ્ધમાં કોઈ મને મારી શકે નહીં, કોઈ અસ્ત્ર-શસ્ત્ર દ્વારા મારું મૃત્યુ થઈ શકે નહીં, કોઈપણ મહિલા-પુરૂષ મને મારી શકે નહીં. બે કે ચાર પગ ધરાવતા લોકો મારો વધ કરી શકે નહીં, હું દેવતાઓ ઉપર વિજય પ્રાપ્ત કરી શકું.
બ્રહ્માજીએ તેને આ બધા જ વરદાન આપી દીધાં. વરદાનથી તે ખૂબ જ શક્તિશાળી થઈ ગયો હતો. તેનો આતંક વધવા લાગ્યો હતો. બધા દેવતા ત્રસ્ત થઈ ગયા હતાં. ત્યારે આકાશવાળી થઈ કે દેવતા દેવી ભગવતીને પ્રસન્ન કરે. આકાશવાળી સાંભળીને બધા દેવતાઓએ દેવી માટે તપ કર્યું.
તપસ્યાથી પ્રસન્ન થઈને દેવી પ્રગટ થયાં. દેવીના છ પગ હતાં. દેવી ચારેય બાજુથી અસંખ્ય ભ્રમરો એટલે એક વિશેષ પ્રકારની મોટી મધમાખીઓ દ્વારા ઘેરાયેલાં હતાં. ભ્રમરોથી ઘેરાયેલાં હોવાના કારણે દેવતાઓએ તેમને ભ્રામરી નામ આપ્યું. દેવી માતાએ પોતાના ભ્રમરોને અરૂણ અસુરને મારવાનો આદેશ આપ્યો.
થોડી જ ક્ષણોમાં અસંખ્ય ભ્રમર દૈત્ય અરૂણના શરીર ઉપર ચોંટી ગઈ અને તેને કરડવા લાગી. ઘણી કોશિશ પછી પણ તે ભ્રમરોના હુમલાથી બચી શક્યો નહીં અને તેનો વધ થઈ ગયો.
ચામુંડા માતાનો અવતાર આ રીતે થયો હતો
પ્રાચીન સમયમાં શુંભ અને નિશુંભ નામના બે અસુર હતાં. આ બંનેએ દેવરાજ ઇન્દ્ર અને બધા દેવતાઓને સ્વર્ગમાંથી કાઢી મુક્યા અને સ્વર્ગ ઉપર અધિકાર કરી લીધો હતો. દેવતાઓએ શુંભ-નિશુંભનો આતંક દૂર કરવા માટે માતા પાર્વતીને પ્રાર્થના કરી.
ત્યારે પાર્વતી માતાના શરીરથી એક દેવી પ્રગટ થયાં, જેનું નામ શિવા હતું. શિવા દેવીનું એક નામ અંબિકા પણ હતું.
શુંભ-નિશુંભના સેવક ચંડ-મુંડે અંબિકા દેવીને જોયા ત્યારે તેઓ મોહિત થઈ ગયાં. ચંડ-મુંડે શુંભ-નિશુંભ સામે દેવીની પ્રશંસા કરી ત્યારે શુંભ-નિશુંભે દેવીને પોતાના મહેલમાં લઈને આવવાની આજ્ઞા આપી.
ચંડ-મુંડ સેના સહિત દેવી સામે પહોંચી ગયા હતાં. તે સમયે દેવી અંબિકાના શરીરમાંથી એક અન્ય દેવી પ્રગટ થયાં, જે દેખાવમાં ખૂબ જ ભયાનક હતાં, જેમને કાલિકા નામથી પણ ઓળખવામાં આવે છે. કાલિકાએ ચંડ-મુંડનો વધ કરી દીધો. આ કારણે દેવીને ચામુંડા નામ મળ્યું.
ચંડ-મુંડ પછી શુંભ-નિશુંભે રક્તબીજને મોકલ્યો. રક્તબીજના લોહીના ટીપા જ્યાં-જ્યાં પડ્યાં, ત્યાં-ત્યાં રાક્ષસ ઉત્પન્ન થઈ જતાં હતાં. ત્યારે દેવી ચંડિકાએ રક્તબીજને આખો ગળી લીધો હતો. રક્તબીજ પછી દેવીએ શુંભ-નિશુંભનો પણ વધ કરી દીધો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.