શુક્રવારથી 2022નો ચોથો મહિનો એપ્રિલ શરૂ થઈ રહ્યો છે. આ મહિનામાં ધર્મ અને જ્યોતિષની દૃષ્ટિએ અનેક ખાસ વાતો બનશે. આ મહિનાની શરૂઆતમાં હિંદી પંચાંગ પ્રમાણે નવું વર્ષ શરૂ થશે અને અંતમાં સૂર્ય ગ્રહણ થશે. જોકે, આ ગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે એપ્રિલમાં 1 તારીખના રોજ ફાગણ અમાસ છે. તે પછી 2 તારીખના રોજ ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ રહી છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રિ નવે-નવ દિવસ સુધી રહેશે. 10 એપ્રિલના રોજ શ્રીરામ જન્મોત્સવ ઊજવવામાં આવશે.
બધા જ નવ ગ્રહો એપ્રિલમાં રાશિ બદલશે
આ વખતે એપ્રિલ મહિનો જ્યોતિષની દૃષ્ટિએ ખૂબ જ ખાસ છે, કેમ કે આ મહિને બધા નવ ગ્રહો રાશિ બદલી રહ્યા છે. આવું સેંકડો વર્ષોમાં એકવાર થાય છે, જ્યારે એક જ મહિનામાં બધા 9 ગ્રહો રાશિ બદલે છે. 14 એપ્રિલના રોજ સૂર્ય મીન રાશિમાંથી મેષ રાશિમાં પ્રવેશ કરશે. 7 એપ્રિલના રોજ શુક્ર મકર રાશિમાંથી કુંભમાં પ્રવેશ કરશે. 8 એપ્રિલના રોજ બુધ ગ્રહ મીન રાશિમાંથી મેષ રાશિમાં અને 24 એપ્રિલના રોજ વૃષભ રાશિમાં આવી જશે. 13 એપ્રિલના રોજ ગુરુ કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે. 27 એપ્રિલના રોજ શુક્ર કુંભ રાશિમાંથી મીન રાશિમાં આવી જશે. 28 એપ્રિલના રોજ શનિ મકર રાશિમાંથી કુંભમાં પ્રવેશ કરશે. 12 એપ્રિલના રોજ રાહુ મેષમાં અને કેતુ તુલા રાશિમાં આવી જશે. ચંદ્ર દર અઢી દિવસે રાશિ બદલે છે.
14 એપ્રિલના રોજ મીનારકને કમૂરતા પૂર્ણ થશે
સૂર્યના મીન રાશિમાંથી મેષ રાશિમાં પ્રવેશ કરતા જ મીનારકને કમૂરતા પૂર્ણ થઈ જશે. આ રાશિ પરિવર્તન 14 એપ્રિલના રોજ થશે. ત્યાર બાદ માંગલિક કાર્યો ફરીથી શરૂ થઈ જશે.
16 એપ્રિલના રોજ હનુમાન જયંતી
શનિવાર, 16 એપ્રિલના રોજ હનુમાન જયંતી છે. આ દિવસથી ચૈત્ર વદ પક્ષ શરૂ થઈ જશે.
30 એપ્રિલના રોજ રાતે સૂર્ય ગ્રહણ થશે
ભારતીય સમય પ્રમાણે 30 એપ્રિલની રાતે સૂર્ય ગ્રહણ થશે. આ ગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં, જેના કારણે તેનું કોઈ સૂતક અને ધાર્મિક માન્યતા રહેશે નહીં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.