મહાભારતનો બોધપાઠ:ક્યારેય પોતાની શક્તિઓ ઉપર ઘમંડ ન કરો અને દુશ્મનોને નબળા ન સમજો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અર્જુનને પોતાની વિદ્યા ઉપર ઘમંડ થઈ ગયો હતો, ત્યારે શ્રીકૃષ્ણએ સમજાવ્યું કે ઘમંડ કરવાથી બચવું જોઈએ

જન્માષ્ટમી પછી બીજા દિવસે નંદ ગામમાં નંદોત્સવ ઊજવવામાં આવે છે. નંદ ગામ મથુરાથી લગભગ 50 કિમી દૂર છે. માન્યતા છે કે જ્યારે નંદ બાબા, યશોદા, કાન્હા અને બળદેવ ગોકુળમાં રહેતા હતાં, ત્યારે કંસ સતત શ્રીકૃષ્ણને મારવા માટે રાક્ષસોને મોકલતો હતો. ગોકુળ મથુરાથી ખૂબ જ નજીક હતું. તે સમયે કાન્હાની સુરક્ષા માટે નંદબાબાએ નંદ ગામ વસાવ્યું હતું. આ ગામ મથુરાથી થોડું દૂર છે. આ ગામમાં આજે પણ જન્માષ્ટમીના બીજા દિવસે નંદોત્સવ ઊજવવામાં આવે છે. આ દિવસે બાળ ગોપાલની ખાસ પૂજા-અર્ચના કરવામાં આવે છે. શ્રીકૃષ્ણના ભજન ગાવામાં આવે છે.

શ્રીકૃષ્ણએ પોતાના જીવનમાં વિવિધ ઘટનાઓના માધ્યમથી અનેક એવા સૂત્ર જણાવ્યા છે, જેને અપનાવવાથી જીવનમાં સુખ-શાંતિ બની રહે છે. જાણો શ્રીકૃષ્ણ અને અર્જુન સાથે જોડાયેલો એક કિસ્સો, જેમાં શ્રીકૃષ્ણએ ઘમંડથી બચવાની સલાહ આપી છે.

મહાભારત યુદ્ધમાં જ્યારે અર્જુન અને કર્ણ સામ-સામે આવ્યાં ત્યારે બંને જ યોદ્ધા પૂર્ણ શક્તિ સાથે લડી રહ્યા હતાં. અર્જુનના બાળથી કર્ણનો રથ 20-25 હાથ પાછળ ખસી જતો હતો. જ્યારે કર્ણના પ્રહારથી અર્જુનનો રથ થોડોક જ પાછળ ખસી જતો હતો. જ્યારે કર્ણ અર્જુનના રથ પર પ્રહાર કરતો હતો ત્યારે શ્રીકૃષ્ણ કર્ણની પ્રશંસા કરતાં હતાં, પરંતુ અર્જુનના પ્રહાર સમયે તેઓ ચૂપ રહેતાં હતાં.

શ્રીકૃષ્ણના મુખથી કર્ણની પ્રશંસા સાંભળીને અર્જુનથી રહેવાયું નહીં. તેણે શ્રીકૃષ્ણને પૂછ્યું કે, હે કેશવ જ્યારે હું કર્ણના રથ પર પ્રહાર કરું છું ત્યારે તેનો રથ ખૂબ જ પાછળ ખસી જાય છે, જ્યારે તેના બાણથી મારો રથ થોડોક જ ખસે છે. મારા બાણની અપેક્ષાએ કર્ણના બાણ ખૂબ જ નબળા છે, છતાંય તમે તેની પ્રશંસા કેમ કરી રહ્યા છો?

શ્રીકૃષ્ણે જવાબ આપ્યો કે, તારા રથ પર હું સ્વયં બેઠો છું. ઉપર ધ્વજા પાસે હનુમાનજી વિરાજિત છે, રથના પૈડાને સ્વયં શેષનાગે પકડીને રાખ્યા છે. તેમ છતાં કર્ણના પ્રહારથી આ રથ થોડો પાછળ ખસી રહ્યો છે. તેનો અર્થ છે કે, તેના બાણ નબળા નથી. તારી સાથે સ્વયં હું છું અને કર્ણ સાથે માત્ર તેનું પરાક્રમ છે. છતાંય તે તને આકરી ટક્કર આપી રહ્યો છે. તેનો અર્થ એવો છે કે, કર્ણ નબળો નથી. આ વાત સાંભળીને અર્જુનનો ઘમંડ તૂટી ગયો.